Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

૧૦-૧૨ નહીં પુરા ૫૬ પ્રકારના સ્‍વાદિષ્ટ અથાણાં બનાવે છે કુસુમબેન..!

૧૭-૧૮ વર્ષ પહેલા રૂ. ૧૦૦૦ થી અથાણાં બનાવવાની શરૂઆત કરેલી : હવે ‘લાલજી ગૃહ ઉદ્યોગ' શરૂ કરી કુસુમબેન ૫૬ પ્રકારના અથાણા બનાવે છે! : શરૂઆતમાં કુસુમબેન મહિનામાં ચાર વખત દર રવિવારે મુંબઇ ઓર્ડરના અથાણાં આપવા જતા! : વર્ષના લગભગ ૫૦૦ કિલો અથાણા ખપી જાય છે : કુસુમબેન અથાણાં વેંચે સાથે આત્‍મિયતા વહેંચે

આજે અથાણાં ની સીઝનમાં એક-બે અથાણાં બનાવવા હોય તો પણ ગૃહિણીઓ માટે અઘરૂ કામ છે ત્‍યારે જેતપુરના કુસુમબેન શિંગાળા ૧૦-૧૨ નહીં પુરા ૫૬ પ્રકારના સ્‍વાદિષ્ટ અથાણાં બનાવે છે..! ૧૦૦ રૂ. કિલો એ અથાણાં વેંચવાની શરૂઆત કરેલી આજે ૩૦૦ રૂ. કે અથાણાં મુજબ કિંમત રાખી વેંચે છે. સવારે ૬ થી રાતના ૧૧ સુધી કોઇપણ મશીનનો ઉપયોગ કર્યા વિના અથાણાં હાથ વડે તૈયાર કરે છે. જે સમય જતા પણ કાળા પડતા નથી. ઠેર ઠેર થી લોકો તેમના અથાણાં લેવા આવે છે. જોકે હવે માત્ર જેતપુરમાં જ વેંચે છે. કુસુમબેન માત્ર ફોન ઉપરજ ઓર્ડર લઇ અથાણાં બનાવી આપે છે.

કુસુમબેન ૫૬ પ્રકારના અથાણાં બનાવી જાણે છે. જેમાં કેરી, ગુંદા, કેરીગુંદા મીક્‍સ, ભરેલા મરચાં, ટુકડા મરચાં, આખા લીંબુ, ભરેલા લીંબુ, વિવિધ પ્રકારના પંજાબી અથાણાં, ખાંડનો છુંદો, ગોળનો છુંદો, ગોળકેરી, કટકી કેરી, ચણાંમેથી, લસણનું અથાણું, કારલા નું અથાણું (ડાયાબિટીસ માટે), મુરબ્‍બો, મેથિંયા કેરી, ડાળા, ગરમર, ખારેકનું અથાણું, ત્રણ જાતના મસાલાવાળા લીંબુ, ખાટા અથાણાં, ત્રણ પ્રકારના કેરડા, બાફેલા-ભરેલા-કેરીના-ખાટા એમ ચાર પ્રકારના ગુંદા.... સહિત અનેક અથાણાંઓ તેઓ બનાવે છે.

એટલુંજ નહીં બટેટાની સાદી વેફર, જાળીવાળી વેફર, ગોળ વેફર, સલી, સાબુદાણાંના મુરખા, સાબુદાણા બટેટા, સાબુદાણાના આદુ મરચાં નાંખેલા ફરાણી પાપડ, ટમેટા સાબુદાણા, ટમેટા-બટેટા-સાબુદાણા, લાલ ભુકી નાંખેલા મુરખાં, બટેટાની પતરી, પાપડ, ફ્રાઇમ્‍સ સહિત અનેક વસ્‍તુઓ તેઓ ૬-૭ પાણીએ ધોઇ, સુકવી, હાથેથી છોલી-છીની સખત પરિશ્રમ કરી બનાવે છે. જેમાં ગાયત્રી પરિવારનો સહયોગ કાયમ રહ્યો છે.

(5:38 pm IST)