Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

આસ્થા કે અંધવિશ્વાસ..

૭ વર્ષથી મૃત સમાધિમાં છે આશુતોષ મહારાજ !

૭ વર્ષથી ડિપ ફ્રિજમાં પડેલા મૃત શરીરના રક્ષણમાં રોકાયેલ છે પોલીસઃ દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાના અનુયાયીઓ માને છે કે તેમના મહારાજ ઉંડા ધ્યાનમાં લિન છે અને તે કોઈપણ સમયે સમાધીમાંથી પરત આવી શકે છે. : કુદરતી રીતે મૃત પરંતુ આ સમાધિ લઇને ૧૫૦૦ કરોડની સંપત્તિના માલિક આશુતોષ મહારાજની વાત પાછળ દ્યણી આશંકાઓ ઉભી થઈ છે. : આ સંસ્થાના આશરે ૩૦ કરોડ અનુયાયીઓ હોવાનો દાવો છે. તેની ૧૫ દેશોમાં ૩૫૦ શાખાઓ ફેલાયેલી છે અને તેની સંપત્તિનું મૂલ્ય ૧૦ અબજ રૂપિયા (યુએસ ડોલર ૧૬૦ મિલિયન) થી ઉપર હોવાનો અંદાજ છે : સંસ્થાના વડા તરીકે, આશુતોષ મહારાજને શીખ સમુદાયમાં એક વિવાદિત વ્યકિત તરીકે જોવામાં આવે છે, તેમના પર શીખોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. : કોર્ટે તેમના મૃત શરીરને ડિપ ફ્રિઝરમાં રાખવા અનુંમતિ આપી છે

નાકોદર રોડ ગામ પંજાબના જલંધરથી લગભગ ૨૫ કિમી દૂર છે. આ નગરની એક બિલ્ડિંગની આસપાસ પોલીસ તૈનાત છે. આ બિલ્ડિંગમાં કોઈ જ ખતરો નથી પણ આ પોલીસ તેની અંદર છેલ્લા ૭ વર્ષથી ડિપ ફ્રિજ (-૨૨ ડિગ્રી) માં રહેલા મૃત શરીરના રક્ષણમાં રોકાયેલ છે. આ મૃતદેહ બીજા કોઈનો નહીં, 'આશુતોષ મહારાજ' નો છે. આશુતોષ મહારાજ દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાના સ્થાપક રહ્યા છે, જે દેશની સાથે સાથે વિદેશમાં પણ અનેક કેન્દ્રો ધરાવે છે. તેના લાખો અનુયાયીઓ છે અને તેઓ માને છે કે તેમના મહારાજ ઉંડા ધ્યાનમાં લિન છે અને તે કોઈપણ સમયે સમાધીમાંથી પરત આવી શકે છે. ડોકટરોએ તેમને 'કિલનિકલી ડેડ' એટલે કે કુદરતી રીતે મૃત જાહેર કર્યા છે. પરંતુ આ સમાધિને લઇને ૧૫૦૦ કરોડની સંપત્તિના માલિક આશુતોષ મહારાજની વાત પાછળ દ્યણી આશંકાઓ ઉભી થઈ છે. બિહારના મધુબાનીથી પંજાબના નાકોદર સુધીની આશુતોષ મહારાજની યાત્રા એકદમ રસપ્રદ છે.

 માંડીને વાત કરીએ તો મહેશકુમાર ઝા નામના આ શખ્સ બિહારના મધુબાનીના લખનૌર ગામથી પંજાબના નાકોદરમાં હરિપુર ગામ આવ્યા હતા. આશુતોષ મહારાજનો જન્મ મહેશકુમાર ઝા તરીકે ૧૯૪૬ માં હિંદુ બ્રાહ્મણ પરિવારમાં મધુબાની જિલ્લાના લખનૌરમાં થયો હતો. કહેવાય છે કે તેઓ પત્ની આનંદી દેવી સાથેના નાના ઝદ્યડા બાદ દ્યરેથી નીકળી ગયા હતા. તે સમયે તેમને એક વર્ષનો પુત્ર પણ હતો. અંગ્રેજી સ્નાતક મહેશકુમાર પંજાબમાં આશુતોષ મહારાજ બની ગયા હતા. આશુતોષ મહારાજે તેમના પારિવારિક પદને સદગૂરૂ અથવા પૂર્ણ ગુરૂની શોધમાં છોડી દીધું હતું. એવું માનવામાં આવે છે કે તેઓ હિમાલય, વારાણસીમાં દ્યણા ગુરુઓને મળવા ગયા હતા અને આપણા ઋષિઓ પ્રાચીન સમયથી જે શીખ્યા હતા તે વિદ્યા તેઓ શિખ્યા હતા. કહેવામાં આવે છે કે ૧૯૭૩ ના વર્ષ માં જયારે મહેશકુમાર દિલ્હી આવ્યા હતા ત્યારે અહીં કેટલાક વર્ષો સુધી કામ પણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૮૩ માં પંજાબમાં જઇ દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાની શરૂઆત કરી હતી. એ સમયે તેમની પાસે એક મોપેડ હતું જેના પર ગામેગામ જઇ તેઓ લોકોને મળતા. લોકો આશુતોષ મહારાજને 'લૈંટા વાળા બાબા'નામે ઓળખતા હતા. કારણ કે તેઓ લોકોને લેમ્પના પ્રકાશ દ્વારા તેમની આંખોમાં જોવાનું કહેતા. આશુતોષ મહારાજે તેને બ્રહ્મજ્ઞાન કહેતા, એટલે કે પોતાને જાણવાની રીત. લોકો આનાથી ખૂબ પ્રભાવિત થયા અને આશુતોષ મહારાજ લોકપ્રિય થવા લાગ્યા. ૧૯૯૧ સુધીમાં આ સંસ્થાએ દિલ્હીમાં તેની મુખ્ય કાર્યાલય પણ શરૂ કરી અને સંસ્થાને રજીસ્ટર પણ કરાવી. આ સંસ્થાના આશરે ૩૦ કરોડ અનુયાયીઓ હોવાનો દાવો છે. તેની ૧૫ દેશોમાં ૩૫૦ શાખાઓ ફેલાયેલી છે અને તેની સંપત્તિનું મૂલ્ય ૧૦ અબજ રૂપિયા (યુએસ ડોલર ૧૬૦ મિલિયન) થી ઉપર હોવાનો અંદાજ છે. દિલ્હીના પીતામપુરામાં મુખ્ય કાર્યાલય ઉપરાંત ચંડીગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેના કેન્દ્રો છે. ઉપરાંત કેનેડા, દુબઇ, લેબેનોન, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, નેપાળ, યુકે અને યુએસએમાં ભારતની બહાર પણ ઘણી શાખાઓ છે. ૨૦૧૪ સુધીમાં, આશ્રમ એટલો વિસ્તર્યો હતો કે સંસ્થાની કુલ સંપત્તિ ૧૫૦૦ કરોડ સુધી પહોંચી ગઈ હતી. સંસ્થાની વેબસાઇટ અનુસાર તેમનું ધ્યેય 'એવી દુનિયામાં પ્રવેશવું છે જેમાં દરેક વ્યકિત આત્મજ્ઞાનના શાશ્વત વિજ્ઞાન દ્વારા સત્ય, બંધુત્વ અને ન્યાયનું પ્રતીક બની શકે.'

 તેમણે પંજાબના ડેરા કલ્ચરમાં જગ્યા બનાવી. ૧૯૮૩ માં દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થા શરૂ કર્યા પછી, શકુન્તલા દેવી નામની મહિલા પાસેથી નૂરમહલના છિનવીયા વિસ્તારમાં ૧૬ એકર જમીન ખરીદી હતી જયાં આશ્રમ બનાવ્યો. આશુતોષ મહારાજે એવા સમયે પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું જયારે પંજાબમાં આતંકવાદ ચરમસીમાએ હતો. લોકો પરેશાન હતા. કદાચ તે જ કારણ હતું કે તે સમયગાળા દરમિયાન લાખો લોકો આશુતોષ મહારાજના આશ્રમમાં આવ્યા હતા અને ધ્યાન અને યોગ પ્રવૃત્તિઓ સાથે તેમના પ્રવચનો સાંભળવા લાગ્યા હતા. ધીરે ધીરે પંજાબની 'ડેરા કલ્ચર'માં આશુતોષ મહારાજે પોતાનું સ્થાન બનાવ્યું. ૨૦૧૪ માં પંજાબ સરકાર દ્વારા આ સંપ્રદાયના નામે એક ગામની સ્થાપના પણ કરવામાં આવી હતી, જેનું નામ 'દિવ્ય ગ્રામ'છે. ગામની વસ્તી ૫૨૫ છે. તેમાંથી ૨૬૪ મતદારો છે, જેમાંના મોટા ભાગના ઋષિ, સાધ્વી અને તે સંપ્રદાયના સેવાદરો છે.

 પંજાબમાં 'ડેરા સંસ્કૃતિ'ને પ્રોત્સાહન એ વાતથી પણ મળ્યું કે પંજાબમાં દલિત અને પછાત વર્ગના લોકો મોટી સંખ્યામાં છે. એ વખતે શીખ હોવા છતાં, તેમણે જાતિના ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ લોકોમાંથી કેટલાકે આશુતોષ મહારાજના આશ્રમમાં શાંતિ મેળવી. આને કારણે તેમના અનુયાયીઓ વધતા ગયા. એ વખતે જયારે આશુતોષ મહારાજે શીખ પાદ્યડી બાંધીને વેદો પર પ્રવચનો આપ્યા ત્યારે કટ્ટરપંથી શીખ લોકો ગુસ્સે થયા હતા અને સંસ્થાનો વિરોધ થયો હતો. આ પ્રકારનો પહેલો ટકરાવ ૧૯૯૮ માં પંજાબમાં ખંડુર સાહિબ નજીક થયો હતો જયાં આશુતોષ મહારાજને પ્રવચનો આપતા અટકાવવામાં આવ્યા હતા. શિખોના શિરોમણિ શ્રી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) એ અનેક પ્રસંગોએ શીખોને આશુતોષ મહારાજનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરી હતી. આ પછી તો લુધિયાણા અને ફીલૌરમાં તોફાનો જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને લોકો પણ ડેરા સામે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આને કારણે, આશુતોષ મહારાજને ૨૦૦૮ માં ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. સંસ્થાના વડા તરીકે, આશુતોષ મહારાજને શીખ સમુદાયમાં એક વિવાદિત વ્યકિત તરીકે જોવામાં આવે છે, જેમણે તેમના પર શીખોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.

  ૨૯ જાન્યુઆરી, ૨૦૧૪ ના રોજ, આશુતોષ મહારાજને હાર્ટ એટેક આવ્યો હતો અને ડોકટરોની ટીમે તેને મેડિકલી મૃત જાહેર કર્યા હતા. તેમના અનુયાયીઓ માને છે કે તે હજી જીવંત છે અને સમાધીમાં ઉંડા ધ્યાનની સ્થિતિમાં છે. પંજાબના લુધિયાણામાં નૂરમહલ ડેરાના વડા અને દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાના સંત આશુતોષ મહારાજને સાત વર્ષ પહેલા ડોકટરોએ મૃત જાહેર કર્યા હતા, પરંતુ ભકતો હજી પણ તેમના પાર્થિવ દેહને -૨૨ ડિગ્રી સેલ્સિયસમાં ઠંડું રાખે છે. ૨૮ જાન્યુઆરી, ૨૦૧૪ ના રોજ તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. આ પછી લુધિયાણાની સદગુરુ પ્રતાપ એપોલો હોસ્પિટલની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જયારે ડોકટરોએ આશુતોષ મહારાજને જોયા ત્યારે તેઓને તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ, જે રૂમમાં તેના શરીરને ફ્રીઝરમાં રાખવામાં આવ્યું છે ત્યાં તેના ૨૦ ભકતો ૨૪ કલાક તેમની સુરક્ષા હેઠળ ઉભા રહે છે. સંસ્થાના મીડિયા પ્રવકતા વિશાલાનંદે એક અખબારને જણાવ્યું હતું કે, 'સમાધિ લેવાના થોડા દિવસો પહેલા, મહારાજજી તેમના પ્રવચનોમાં તેમના ગાયબ થવાની વાત કરી રહ્યા હતા. પાછળથી સમજાયું કે તે ખરેખર તેઓ સમાધિ પર જવાની વાત કરી રહ્યા હતા. મહારાજજીના પાર્થિવ દેહને ખાસ પ્રકારના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો છે.

'ફકત મહારાજજી (આશુતોષ મહારાજ) સાચા ગુરુ છે જે 'બ્રહ્મજ્ઞાન'આપી શકે છે. મીડિયાના લોકોએ તેમના વિશે દ્યણી વિરોધાભાસી વસ્તુઓ ફેલાવી છે. મીડિયા સમાધિનો અર્થ સમજી શકતા નથી. અમે ફરીથી કહીએ છીએ કે મહારાજજી સમાધિમાં છે અને તેઓ પાછા આવશે. આ નિવેદન સોનિયાનું છે જેઓ આશુતોષ મહારાજના અનુયાયી છે. સોનિયા છેલ્લા ૭-૮ વર્ષથી આશુતોષ મહારાજની દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થા સાથે સંકળાયેલી છે. તેણી ૧૧ અને ૧૩ વર્ષની બે પુત્રીઓ સાથે દિલ્હીના કડકડૂમાં સેન્ટરમાં સાપ્તાહિક સત્સંગમાં હાજરી આપે છે. આ કેન્દ્રની સંચાલિકા 'મોનિકા દીદી' નિશ્ચિત પણે માને છે કે આશુતોષ મહારાજ સમાધિમાં છે અને એક દિવસ ચોક્કસ પાછા આવશે. તેમણે આ જ વર્ષમાં પ્રકાશિત આશુતોષ મહારાજના જીવન પર એક પુસ્તક 'આશુતોષ મહારાજ' મહાયોગી મહારહસ્ય' પણ ઉપલબ્ધ કરાવ્યું, જે કોઈ અનુયાયી દ્વારા નહીં પરંતુ સ્વતંત્ર પત્રકાર સંદીપ દેવ દ્વારા લખાયેલું છે.

 તેમના મૃત્યુના ૧૫ દિવસમાં જ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબ સરકારને તેમના અંતિમ સંસ્કાર કરવા કહ્યું હતું. પરંતુ પંજાબ સરકારે તેને સ્વીકાર્યું નહીં. હવે, સાત વર્ષથી મૃતદેહની સલામતીનો અર્થ શું છે? આશુતોષ મહારાજની નજીક રહેલા સ્વામી અરવિંદાનંદે એક મુલાકાતમાં કહ્યું હતું કે, આશુતોષ મહારાજે વિશ્વમાં વધતા જતા આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગને સમાધિ લેવા પાછળનું કારણ બતાવ્યું હતું. પરંતુ જયારે તેમને પૂછવામાં આવ્યું કે મહારાજે પોતે તેમને ફ્રીઝરમાં રાખવા કહ્યું છે? તો સંસ્થાએ ના પાડી દીધી હતી. તેઓ માને છે કે મહારાજે આવું કહ્યું નથી, પરંતુ આ રીતે સમાધીમાં ગયેલા લોકોના મૃતદેહોને વિશ્વભરમાં સચવાય છે. શરીરને ડિપ ફ્રીઝરમાં રાખવાની બાબતે સંસ્થાના લોકો એમ કહેતા રહ્યા છે કે તેમને આશા છે કે ભવિષ્યમાં, તબીબી વિજ્ઞાન આશુતોષ મહારાજને જીવંત કરશે.

  •  આવી ઘટનાઓ અગાઉ પણ બની છે!

 આશુતોષ મહારાજની જેમ, ૧૯૯૩ માં પશ્યિમ બંગાળમાં હુગલી નદીના કાંઠે આવેલા આશ્રમમાં બાળક બ્રહ્મચારીનો મૃતદેહ ૫૩ દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. અનુયાયીઓ માનતા હતા કે બાળક બ્રહ્મચારીનું મૃત્યુ થયું નથી, પરંતુ તે ધ્યાનમાં લીન છે. પોલીસે બળજબરીથી દખલ કરી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

 આશુતોષ મહારાજૅં મહાયોગીનું મહા રહસ્ય પુસ્તકમાં સંદિપ દેવે સમાધિને અંધશ્રદ્ઘા તરીકે પ્રોત્સાહન આપતા મીડિયાના પક્ષપાતી વલણની ટીકા કરી છે અને ગોવામાં દર દસ વર્ષે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના શરીરના જાહેર પ્રદર્શનનું કારણ આપ્યું છે. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનું ૧૫૫૨ માં અવસાન થયું, પરંતુ વેટિકન ચર્ચનું માનવું છે કે તેનું શરીર આજદિન સુધી સડ્યું નથી.

  •  તો આટલી સંપત્તિ કોની પાસે જશે?

 આટલી સંપત્તિ હોવા છતાં આશુતોષ મહારાજે સીધો જ કોઈને તેનો વારસદાર જાહેર કર્યો ન હતો. તેથી, તેના ગયા પછી સંપત્તિ અંગેના મતભેદ હોવા તે સ્વાભાવિક છે. આ સંસ્થા સાથે સંકળાયેલા સ્વામી અરવિંદાનંદ, આદિત્યાનંદ, નરેન્દ્રાનંદ અને સ્વામી વિશાલાનંદ નામના ચાર દાવેદારો છે. સંસ્થાની સંપત્તિને લઈને તેમની વચ્ચે આંતરિક મતભેદ છે. પાંચમું નામ પુરણસિંહ નામનો એક વ્યકિત છે જેણે પોતાને આશુતોષ મહારાજનો ડ્રાઇવર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે તે ૧૯૮૮ થી ૧૯૯૨ દરમિયાન આશુતોષ મહારાજનો અનુયાયી અને ડ્રાઇવર રહ્યો હતો. પૂરણસિંહે એમ પણ કહ્યું હતું કે જયારે તેમને ખબર પડી કે મહારાજે 'સમાધિ'લીધી છે, ત્યારે તે સમજી ગયો કે આ બધા પાછળ કંઇક કાવતરું હતું.

 દિલીપ ઝા નામનો બિહારનો એક યુવક પોતાને આશુતોષ મહારાજનો પુત્ર ગણાવે છે. તે સતત કોર્ટમાંથી આશુતોષ મહારાજની ડેડ બોડી લઈ જવાની માંગ કરે છે. પોતાનો દાવો સાબિત કરવા માટે, તે ડીએનએ પરીક્ષણ કરાવવા માંગે છે. દિલીપ કહે છે કે તે આ બધું એટલા માટે કરી રહ્યો છે કે જેથી તે હિન્દુ રિવાજો અનુસાર તેના પિતાનો અંતિમ સંસ્કાર કરી શકે. તે આશુતોષ મહારાજના મોતની તપાસ કરાવવા માંગે છે. જો કે, એવું પણ કહેવામાં આવે છે કે તે સંપત્તિમાં ભાગ લેવા માંગે છે. જોકે મામલો હજી કોર્ટ હસ્તક જ છે.

  • આશુતોષ મહારાજના શરીરનું દર છ મહિને પરીક્ષણ કરાય છે.

 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પછી, તેની ડેડબોડી ખરાબ થઈ રહી છે કે કેમ તે અંગે ત્રણ ડોકટરો દર છ મહિને આશુતોષ મહારાજના શરીરની તપાસ કરે છે. આ તપાસનીસ કેટલાક તબીબોના મતે આશુતોષ મહારાજના શરીરમાં કોઈ ખામી જોવા મળી નથી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ ત્રણ ડોકટરોની પેનલ દર ૬ મહિને ડેડબોડીની તપાસ કરે છે. આશુતોષ મહારાજના ધબકારા બંધ થઈ ગયા છે અને તેમની ત્વચાનો રંગ બદલાઈ રહ્યો છે. ડોકટરોના કહેવા પ્રમાણે, મહારાજના ઇસીજી, મગજ અને હાર્ટના ધબકારા શૂન્ય છે. આશુતોષ મહારાજનું મૃત્યુ હોવાનું મનાય છે. આશુતોષ મહારાજને તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે જે રીતે મૃત શરીરમાં સડો થાય તેવું હજી સુધી મહારાજના શરીરમાં જોવા મળ્યું નથી. ચમત્કાર કહો કે અંધવિશ્વાસ પણ આ સત્ય છે.

- ­પ્રશાંત બક્ષી
૭૯૯૦૫૫૮૪૬૯

(2:46 pm IST)