Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કિર્તીદાન-સાંઇરામની જોડીનું નવુ ગીતઃ 'વિજોગણ વેણું વગાડે ' રીલીઝ

રાધા અને ક્રિષ્નના પ્રેમ અને વિરહની આજની પેઢીના સંદર્ભે ટાંકીને અત્યાધુનિક લવ સોંગ બનાવ્યું: સાંઇરામ દવેએ ગીતો લખ્યા, કિર્તીદાન ગઢવીએ સુરો આપ્યાઃ કચ્છના દરિયાકિનારે થયુ ગીતનું શુટીંગઃ યુ-ટયુબ ઉપર ધુમ મચાવશે

રાજકોટઃ ક્રિશ્ન અને રાધાના પ્રેમના લાખો ગીતો યુગો યુગોથી ગવાતા આવ્યા હોવા છતાં હજુ નવા ગીતો આ અમર પ્રેમ માટે લખાતા જ આવ્યા છે. રાધા અને ક્રિશ્નના પ્રેમ અને વિરહની આજની પેઢીના સંદર્ભ ટાંકીને પ્રખ્યાત પાર્શ્વગાયક કીર્તિદાન ગઢવી અને કવિ-હાસ્યકલાકાર સાંઈરામ દવેની જોડીએ યુટ્યુબ પર 'વિજોગણ વેણું વગાડે' નામનું એક અત્યાધુનિક લવ સોંગ બનાવ્યું છે.

વેણું એટલે કે વાંસળી તો સદૈવ ક્રિશ્ન જ વગાડે છે પરંતુ કવિ સાંઈરામની કલમની કલ્પના આ ગીતમાં રાધાજીના હોઠ પર વાંસળી મુકે છે. ખુબ જ હૃદયસ્પર્શી આહિર ભૈરવ રાગમાં આ ગીતનું કંપોઝીશન પણ સાંઈરામ દવેએ કર્યું છે. પાર્શ્વગાયક કીર્તિદાન ગઢવીના અષાઢી સ્વરમાં આ ગીત તેમણે સુંદર રીતે ગાયું છે. વિરહની વેદનાને કીર્તિદાને ખુબ જ દર્દીલા સ્વરોથી વાચા આપી છે. લોકસંગીતના ચાહકો અને યુવાનોને કીર્તિદાનનું આ ગીત ખુબ જ ગમશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. કીર્તિદાન ગઢવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અષાઢી બીજના રોજ આ ગીત રજૂ કરાયું છે. જેને લાખો લોકો નિહાળી ચુક્યા છે. સમગ્ર ગીતને આધુનિક પ્રોગ્રામીંગ સાથે સંગીતકાર ધ્યાન ગઢવીએ ખુબ જ કર્ણપ્રિય સંગીતથી મઢ્યું છે.

પ્રસિદ્ધ યુવા અભિનેતા ભાવિન ભાનુશાળી તથા પ્રિયંકા પટેલે આ ગીતમાં અભિનયના ઓજસ પાથર્યા છે. માંડવી કચ્છના દરિયા કિનારે ખુબ જ આલિશાન લોકેશનમાં આ ગીતનું ફિલ્માંકન થયું છે. આ ગીતના પ્રોડ્યુસર મુકેશ ગઢવી છે, જેમાં ડિરેકટર તરીકે વિજય ઠક્કર તથા કૃણાલ ઓડેદરા તથા અવિનાશ ગઢવીએ તથા કેમેરામેન પાર્થ ચૌહાણે સહયોગ આપેલ છે.

'સોનાની નગરીમાં સુતેલા શ્યામને, મેઘલડી રાતે જગાડે, વિજોગણ વેણું વગાડે !' આ ગીત ક્રિશ્ન પ્રમીઓને તેમજ સંગીતપ્રેમીઓને વારંવાર જોવું અને સાંભળવું ગમે એવું નજરાણું બન્યું છે. કીર્તિદાન ગઢવી ઓફિશિયલ ચેનલ પર ચાહકોએ આ ગીત એકવાર અવશ્ય નિહાળવું જોઈએ. કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેની જોડીએ આ અગાઉ 'રાધા હું પુકારું પુરી દ્વારિકામાં' ગીત પણ લોકોએ ખુબ વખાણેલું છે. બંને કલાધરો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.  (કિર્તીદાન ગઢવી મો.૯૫૫૮૭ ૫૭૫૭૫), (સાંઇરામ દવે મો.૯૯૨૪૮ ૧૮૯૫૦)

(4:56 pm IST)