Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ

રાજકોટના અગત્યના પર્યટન સ્થળ ઈશ્વરીયા પાર્કને વિકસાવવા તથા વધુ સુવિધાયુક્ત બનાવવા કલેકટરની વિચારણા

રાજકોટ :જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે રાજકોટના અગત્યના પર્યટન સ્થળ એવા ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લીધી હતી.
પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી અને ઈશ્વરીયા પાર્કના મેનેજર પ્રદ્યુમનસિંહ વાળાએ કલેકટરને ઈશ્વરીયા ગાર્ડનના વિવિધ સ્થળોની મુલાકાત કરાવી હતી. કલેકટરએ વોચટાવર, ગોલ્ફ ક્લબ, જુરાસિક પાર્ક, માઉન્ટેન એરીયા, ફૂડ કોર્ટ વગેરે વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અને આ સ્થળને વધુ સુવિધાયુક્ત બનાવવા તથા તેનો વિકાસ કરવા માટે અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.
૭૭ એકરમાં ફેલાયેલા ઈશ્વરીયા પાર્કમાં કેકટસ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, સોલર સિસ્ટમ, ગ્રામ હાટ, હોર્ટીકલ્ચર વગેરે સુવિધાઓ ઉભી કરવા માટેની તકો વિશે તેમણે વિશદ વિચારણા કરી હતી અને આવનારા સમયના પરિપ્રેક્ષ્યમાં આ પ્રવાસનધામને વધુ લોકાભિમુખ બનાવવા યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.
ઈશ્વરીયા ગાર્ડનના વિકાસ માટે રાજ્ય સરકારના ટુરિઝમ, ફોરેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ વગેરે વિભાગોનો સહયોગ લેવા માટે તેમણે પ્રાંત અધિકારી સાથે પણ ચર્ચા કરી હતી. રાજકોટના ઉદ્યોગપતિઓનો સહકાર મેળવી ઈશ્વરીયા હિલ ગાર્ડનને કઈ રીતે વધુ સગવડયુક્ત બનાવી શકાય તે મુદ્દા પર પણ કલેકટરએ વિચારણા કરી હતી. ઈશ્વરીયા ગાર્ડનમાં બોટિંગ વિસ્તાર અને લોકોના આનંદપ્રમોદના સાધનોમાં વધારો, વૃક્ષોનું સંવર્ધન અને જતન, બિન પરંપરાગત ઉર્જા પ્રણાલીના સાધનોનુ સ્થાપન, પી.પી.પી. ધોરણે સુવિધાઓની વૃદ્ધિ, કચરા એકત્રીકરણ, સિક્યોરિટી એજન્સી વગેરે જેવી તમામ બાબતો વિશે કલેકટરએ ઝીણવટભરી માહિતી મેળવી હતી અને સમગ્ર કુદરતી પરિવેશને કોઇ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે બાબતનું ધ્યાન રાખવા ખાસ તાકીદ કરી હતી.
સમગ્ર ઈશ્વરીયા વેલી ઓફ ફ્લાવર વિશેનુ કમ્પ્યુટરાઈઝડ પ્રેઝન્ટેશન રજૂ કરવા તેમણે સંબંધિતોને સૂચના આપી હતી.

(7:00 pm IST)