Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પૈસા નીકળશે એમ સમજી તિજોરી ઉઠાવી પણ અંદરથી પિસ્તોલ-કાર્ટીસ નીકળ્યાઃ વેંચે એ પહેલા કૌશલ પકડાયો

રિવોલ્વર કાર્ટીસની ચોરીનો ભેદ ખુલ્યોઃ હાલ રાજકોટ રહેતાં મુળ મુળ પડધરી ખોડાપીપરના પટેલ શખ્સને કુસ્તીની તાલિમ અને કાર રિપેર માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કરી'તી : આજીડેમ પોલીસ મથકના શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ જાડેજા અને જયપાલભાઇ બરાળીયાની બાતમી પરથી ઢાંઢણી પાસેથી પકડી લેવાયોઃ એ-ડિવીઝન પોલીસને સોંપાશે

રાજકોટ તા. ૧૪: યાજ્ઞિક રોડ પર ડો. હોમી દસ્તુર માર્ગ પર વિરલ બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલી વિરલ ડેવલપર્સ નામની બિલ્ડર ભાવીનભાઇ લલીતભાઇ ભાલોડીયાની ઓફિસમાંથી ચોરાયેલી પરવાનાવાળી રિવોલ્વર અને છ કાર્ટીસની ચોરીનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી મુળ પડધરીના ખોડાપીપરના અને હાલ વિવેકાનંદનગર-૨ વિશાખા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧માં રહેતાં કૌશલ રમેશભાઇ પીપળીયા (પટેલ) (ઉ.વ.૨૩)ને કોન્સ. કુલદિપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા અને જયપાલભાઇ બરાળીયાની બાતમીને આધારે ઢાંઢણી ગામના પાટીયેથી પકડી લેવાયો છે. તિજોરીમાં રૂપિયા હશે એમ સમજી તેણે આખી તિજોરી ઉઠાવી લીધી હતી. પરંતુ અંદરથી રિવોલ્વર-કાર્ટીસ નીકળ્યા હતાં. વેંચીને રોકડી કરે એ પહેલા પકડાઇ ગયો હતો.

કૌશલ પાસેની ૭૦૬૦૦ના રિવોલ્વર-કાર્ટીસ અને તેની એસેન્ટ કાર જીજે૦૬ડીજી-૪૫૧૪ કબ્જે લીધા છે. તેમજ તેની સામે અલગથી આર્મ્સ એકટનો ગુનો દાખલ કર્યો છે. કૌશલે કબુલ્યું હતું કે પોતે ધોરણ-૧૦માં ત્રણ વખત નાપાસ થયો હતો. એ પછી માંડ માંડ ધોરણ-૧૨ પાસ કર્યુ હતું. હવે કુસ્તીની તાલિમ લેવા ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટીના યુનિટમાં તાલિમ લેવા જવું હોઇ તેના માટે અને પોતાની કાર રિપેર કરાવવા માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. ડી. વાળા, એએસઆઇ વાય. ડી. ભગત, જાવેદહુશેન રિઝવી, હેડકોન્સ. કૌશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ, શૈલેષભાઇ ગઢવી, જયપાલભાઇ બરાળીયા અને ઉમેદભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી. એ-ડિવીઝન પોલીસ તેનો કબ્જો મેળવી વિશેષ તપાસ કરશે. (૧૪.૫)

બિલ્ડરે ઘરની બારી ખુલી રાખી હોઇ તેના કારણે કૌશલને ઓફિસ સુધી પહોંચવાનો રસ્તો મળ્યો!

. પકડાયેલા કૌશલને બિલ્ડર ભાવીનભાઇ ભાલોડીયાની યાજ્ઞિક રોડની ઓફિસનું એડ્રેસ કઇ રીતે મળ્યું? તેની પુછતાછ થતાં તેણે કહ્યું હતું કે-પોતાને કુસ્તીની તાલિમ લેવા ગાંધીનગર જવું હોઇ તેમજ પોતાની કાર રિપેર કરાવવા માટે પૈસાની જરૂર હોવાથી પોતે ૮/૯ના રાતે ત્રણેક વાગ્યે ચોરી કરવા નીકળ્યો હતો. એ વખતે અક્ષર માર્ગ પર મકાનની બારી ખુલ્લી હતી. આ મકાન ભાવીનભાઇ ભાલોડીયાનું હતું. બારીમાં હાથ નાંખતા કારની ચાવી મળી હતી. કૌશલે કોઇ ઘરમાં જઇ વધુ જોખમ લેવાનું ટાળી કારમાંથી જ જે મળે એ ચોરી લેવાનું નક્કી કરી ત્યાં પાર્ક કરાયેલી ક્રેટા કારનું લોક ચાવીથી ખોલીને ખાખાખોળા કરતાં અંદરથી બીજી ત્રણ ચાવીઓ અલગ અલગ નામ લખેલી જોવા મળી હતી. આ ચાવીઓ કોઇ ઓફિસની હોય તેમ લાગતાં કૌશલે ચાવી પાછી મુકી દઇ હવે ઓફિસમાં હાથફેરો કરવાનું નક્કી કર્યુ હતું. એ પછી તેણે કાર લોક કરી ચાવી બારીમાં મુકી દીધી હતી.

બીજા દિવસે ૯/૯ સવારે ફરી આ ઘર નજીક ઉભો રહી ગયો હતો અને બિલ્ડર ક્રેટા કાર લઇ પોતાની યાજ્ઞિક રોડની ઓફિસે ગયા તેની પાછળ પાછળ જઇ કૌશલે ઓફિસ જોઇ લીધી હતી. એ પછી એ જ રાતે ફરીથી અક્ષર માર્ગ પર ભાવીનભાઇના ઘરે પહોંચ્યો હતો અને બારી ખુલ્લી હોઇ ક્રેટાની ચાવી કાઢી કારમાંથી ઓફિસની ચાવી લઇ ઓફિસે પહોંચ્યો હતો અને તાળા ખોલી અંદરથી ડિજીટલ તિજોરી ચોરીને નીકળી ગયો હતો. 

(3:24 pm IST)