Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભારે વરસાદથી શહેરમાં ખાનાખરાબી : રસ્તાઓ - પુલ તૂટયા : સર્વે શરૂ

મેયર પ્રદિપ ડવે ઇજનેરોની તાકિદની બેઠક યોજી નુકશાનીના સર્વે માટે કામે લગાડયા : રસ્તાઓ પર હાલ તુરંત મેટલીંગ કરી રીપેર કરાશે : શહેરની નુકશાની અંગે મુખ્યમંત્રી સાથે આજે યોજાનાર બેઠકમાં વિગતો રજૂ કરશે

શહેરમાં વરસાદથી ૫૦ જેટલા રસ્તાઓ તૂટી ગયા છે. તસ્વીરમાં સોરઠીયા વાડી, ૮૦ ફુટ રોડ, સાધુ વાસવાણી રોડ, અમુલ સર્કલ રોડ વગેરે ધોવાઇ ગયેલા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : શહેરમાં સતત બે દિવસ સુધી ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ નાલા - પુલિયાને ભારે ખાનાખરાબી સર્જાયાનું જોવા મળતા મેયર પ્રદિપભાઇ ડવે તાકિદની બેઠક યોજી અને શહેરના રસ્તાઓ પુલ વગેરેને થયેલ નુકશાનીનો સર્વે શરૂ કરાવ્યો હતો જે અંગે આજે સાંજે નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે યોજાનાર બેઠકમાં પણ શહેરમાં થયેલ ખાનાખરાબીનો ચિતાર મેયરશ્રી દ્વારા રજૂ થશે.

આ અંગે મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં સતત બે દિવસથી વરસાદ ચાલુ રહ્યો. ગઇકાલે વરસાદનું જોર વધુ હોઇ સમગ્ર શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આથી અનેક રાજમાર્ગો ધોવાઇ ગયા છે. તે બાબતે આજે સવારે તમામ સીટી ઇજનેરો સાથે તાકિદની બેઠક યોજી હતી.

૫૦ જેટલા રસ્તાઓમાં ગાબડાઓ પડયા

ગઈકાલે ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો તથા સોસાયટીના અંદરના રસ્તાઓમાં નુકશાન થયેલ હોય તેનું તમામ વોર્ડમાં સર્વે કરવા મેયરશ્રીએ જણાવેલ. જે અનુસંધાને ઈસ્ટઝોનમાં કુવાડવા રોડ, નવો જુનો મોરબી રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરીયા રોડ, કડવાભનુ રોડ, શ્રીનગર મણીનગર મેઈન રોડ, વ્રજભુમી માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારીયા રોડ, સ્વાતિ ૮૦ ફુટ રોડ તેમજ સેન્ટ્રલઝોનમાં મનહર પ્લોટ-૧૦, હાથીખાના-૨, કુંભારવાડા-૯, ઘનશ્યામનગર થી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, રૂખડીયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ ઉપરાંત વેસ્ટઝોનમાં રામાપીર ચોકડીથી શીતલ પાર્ક, રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રીંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસયોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર નગર, ૮૦ ફુટ રોડ, ગોકુલધામ મેઈન રોડ, અંકુરનગર મેઈન રોડ વિગેરે નાનામોટા ખાડાઓ પડેલ છે.

સર્વે કરવામાં આવેલ તમામ રસ્તા પર ખાડાઓમાં મેટલ, મોરમ, કપચી તેમજ પેવિંગ બ્લોક વિગેરે નાંખી તાકીદે મરામત કરવા સુચના આપવામાં આવેલ.

વરસાદના કારણે તણાઈને આવેલ પ્લાસ્ટિક, ઝાડી-જાખરા વિગેરેની ગંદકી તાત્કાલિક ઝુંબેશના સ્વરૂપે સફાઈ કરવા તેમજ નદીમાં ગાંડી વેલ શરૂઆતથી જ કાઢવાની કાર્યવાહી હાથધરવા ઉપરાંત ચોમાસા બાદ વોંકળાની તબક્કાવાર સફાઈની કાર્યવાહી હાથધરવા અને વોંકળામાં રબીશ કચરો વિગેરે ન નાંખે તેની તકેદારી રાખવા મેયરશ્રીએ સોલીડવેસ્ટ વિભાગના અધિકારીને સુચના આપેલ. સોલીડવેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના વોંકળાઓનું ડીમાર્કેશન કરી આપવા માટે ધ્યાન દોરાયું હતું.

મેયર ડો.પ્રદિપ ડવના ગઈકાલ રાજકોટ શહેરમાં ખુબજ ભારે વરસાદ આવેલ. જેના કારણે શહેરના ઘણા રસ્તાઓ પર ખાડાઓ પડી ગયેલ. આ તમામ રસ્તાઓના ખાડાઓમાં મોરમ, મેટલ, કપચી, પેવિંગ બ્લોક વિગેરે દ્વારા તાત્કાલિક મરામત કરવા અને સફાઈની કામગીરીને સઘન બનાવવા સિટી એન્જીનીયર વાય.કે. ગોસ્વામી, કે.એસ. ગોહેલ, એચ.એમ. કોટક, ડે.એન્જીનીયર પટેલીયા તથા સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, તથા નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, જીંજાળા વિગેરેને સુચનાઓ અપાઇ હતી.

(3:19 pm IST)