Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

આંબલીયાળાના પ્રોહિબીશનના ગુન્હામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૪: વાંકાનેરવાળા વિરૂધ્ધ લોધીકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધાતા આરોપી ભુપત ઉર્ફે લાલો પ્રવિણભાઇએ તેમના એડવોકેટ મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જે આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટ રૂરલ લોધીકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે હકીકત મળેલ કે આંબલીયાળા ગામે અનીડા વાછરા રોડ પર આથમણી સીમમાં ધાર ઉપર આવેલ પવનચકી પાસે ખરાબાની અવાવરૂ જગ્યામાં આરોપી ભુપતે અલગ-અલગ બોકસ તથા પ્લાસ્ટીકના કંતાનની થેલીમાં ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ જુદી જુદી બ્રાન્ડ ઓફીસર ચોઇસ રીઝવ વીસ્કી નંગ-૬૭, ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં. ૧ લકઝરી વીસ્કી નંગ-૪૦ તેમજ ભારતીય બનાવટની ઇમ્પીરીયલ બ્લુ કલાસીક ગ્રેન વીસ્કી નંગ-૧૬ જે પોલીસે સ્થળ પર રૂબરૂ તપાસ કરતા મળી આવેલ અને પંચનામા કરી જપ્ત કરેલ અને આરોપી વિરૂધ્ધ ધોરણસરની ફરીયાદ પ્રોહીબીશન એકટની કલમ-૬પ(ઇ), ૧૧૬-બી મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી અને આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ કામે આરોપી ભુપત ઉર્ફે લાલલો પ્રવિણભાઇ લખધીર વિરૂધ્ધ ઉપરોકત ગુનો દાખલ થતા આરોપીએ તેમના એડવોકેટ સ્તવન મહેતા મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

કોર્ટે બંન્ને પક્ષોને વિગતવાર સાંભળી ગોંડલની સેશન્સ કોર્ટ એવા નિષ્કર્ષ પર આવેલ હતી કે રેકર્ડ જોતા કોઇ પ્રથમ દર્શનીય પુરાવો હાલના આરોપીને ગુના સાથે સાંકળી શકે તેમ ન હોયઅ ને આરોપીની માલીકીની જગ્યાનો પણ કોઇ આધાર ન હોય તે તમામ સંજોગો તથા પોલીસ પેપર્સને ધ્યાને લઇ આરોપી દ્વારા કરવામાં આવેલ જામીન અરજી ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ હતી.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી સ્તવન મહેતા, કુષ્ણ પટેલ, સંજય ચોથાણી, બ્રિજેશ ચૌહાણ, પ્રીત ભટ્ટ, અશોક સાસકીયા તથા વિપુલ રામાણી રોકાયેલ હતા. 

(3:27 pm IST)