Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પુરથી ઘરવખરીને થયેલ નુકશાનીનો સર્વે કરાવી વળતર આપો : કોંગ્રેસ

પ્રિ-મોન્સુન કામગીરીમાં બેદરકારીના આક્ષેપો સાથે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા. ૧૪ :  શહેરમાં ગઇકાલે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ પુરની સ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં લોકોએ ઘરવખરીને નુકશાની થયેલ છે તેનો સર્વે કરાવવા અને અસરગ્રસ્તોને વળતર ચુકવવા અંગે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી અને રજુઆત કરી હતી.

આ રજૂઆતમાં જણાવાયું હતું કે રાજકોટ શહેરમાં સારો વરસાદ પડ્યો હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી છે તેમજ મેઘરાજાએ આ કામગીરીની પોલ છતી કરી છે ત્યારે રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની ઘરવખરી, જીવન જરૃરી ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. તેમજ વોંકળા, નાલા, બ્રીજ બંધ થવાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે તેમજ અમોએ અનેક સ્થળોએ રૃબરૃ મુલાકાત લીધી હતી આ તકે ભાનુબેનને આક્ષેપ કર્યા હતો કે  પ્રિમોન્સુન કામગીરી હકીકતે કાગળ ઉપર જ થયેલી છે તેવું દેખાયું કારણકે રેલનગર અન્ડર બ્રીજ, પોપટપરા નું નાલું, આમ્રપાલી અન્ડરબ્રીજ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ, અમીન માર્ગનું નાલું, કોઠારિયા સોલ્વન્ટ, નારાયણનગર રેલ્વે અન્ડરનાલું, વગેરે સહીના સ્થળો પર મહાનગરપાલિકાએ જે પ્રિમોન્સુન કામગીરી કરવાની થતી હોય તે કરેલી ન હોવાથી આ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા છે. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠવા પામે છે ત્યારે આ કામગીરી અંગે વિજીલન્સ તપાસ કરાવી જવાબદારો સામે પગલા લેવડાવશો તેવી રાજકોટના નગરજનો વતી  માંગ છે.    

વધુમાં ભાનુબેન રજુઆત કરેલ કે                                                 હમણા જ ઈમરજન્સી રિસ્પોન્સ સેલની રચના કરવામાં આવી છે અને કમિ'રશ્રી ની વિશેષ જવાબદારી છે ત્યારે રાજકોટ શહેરના તમામ સ્લમ વિસ્તારો, મફતિયા પરા, ઝુપડપટ્ટી, સહિતના વસવાટ કરતા લોકોના ખોરાક-ભોજન અને આરોગ્યની ખાસ ચિંતા કરવામાં આવે જયારે અનેક વાઈરલ ઇન્ફેકશન નો વધારો થયો છે અને કોરોનાની કપરી સ્થિતિમાં વધારો ન થાય તેવા પ્રકારના પગલા લેવડાવવા પણ અત્યંત આવશ્યક છે.

   જ્યારે અનેક લોકોને તંત્રએ સ્થળાંતર કરાવ્યું હોય અને અમુક વિસ્તારોમાં લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર કર્યું છે ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વોર્ડ નં.૧,૩,૪,૫,૬,૭,૯,૧૪,૧૫,૧૬,૧૭,૧૮ માં ખુબજ વધુ પ્રમાણમાં લોકોને વરસાદમાં હાની પહોંચી છે અને અનેક ઘરોમાં પાણી ફરીવળતા ખુબ મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે જેથી આપ સત્વરે સર્વે કરાવી લોકોને સહાય મળે અને મહાનગરપાલિકા તરફથી ઘરવખરી અને અનાજકીટ આપવામાં આવે અને ત્રણ દિવસ સુધી ભોજન-ટીફીન વ્યવસ્થા કરવા અને જ્યાં સુધી જનજીવન થાળે ન પળે ત્યાં સુધી તમામ પ્રકારની વ્યવસ્થા કરવા રજૂઆત કરીએ છીએ.

તદુપરાંત કોંગ્રેસ પક્ષ સહીત અનેક સામાજિક સંસ્થાઓએ જે સહાય કામગીરી કરેલ છે તેને બિરદાવી પ્રોત્સાહન આપવું તથા બી.પી.એલ. થી નીચું જીવનધોરણ ધરાવતા કુટુંબોને જરૃરી આર્થિક સહાય (કેસ ડોલ્સ) પણ ચુકવવાની માંગણી છે.આ રજુઆતમાં શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી પણ જોડાયા હતા. 

(4:36 pm IST)