Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના કાળમાં રાહત

કાલથી બગીચાઓ - ગાંધી મ્યુઝિયમ ખૂલશે : ઝુ નવેમ્બર સુધીમાં શરૂ થશે

બગીચા સવારે ૬ થી ૧૨ અને બપોરે ૩ થી ૭ સુધી જ ફકત વોકીંગ વગેરે પ્રવૃત્તિ માટે ખુલ્લા રહેશે : વડીલો - બાળકોને પ્રવેશબંધીઃ પ્રકૃતિનો આનંદ માણવા સાથે નગરજનો સ્વાસ્થ્યની કાળજી રાખે : સ્ટે. ચેરમેન ઉદય કાનગડ - મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ તા. ૧૪ : કેન્દ્ર સરકારે જે તે શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જોઇને બગીચા, પાર્ક, ઝુ, મ્યુઝિયમ વગેરે ખુલ્લા મુકવાની છૂટછાટ આપતી ગાઇડલાઇન પ્રસિધ્ધ કરી છે જે અનુસંધાને રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર હરવા-ફરવાના જાહેર સ્થળો ખોલવાના નિર્ણયો લેવાઇ રહ્યા છે. જે અનુસંધાને કાલથી શહેરના ૨૦થી વધુ મુખ્ય બગીચાઓ ખુલ્લા મુકવા ઉપરાંત શહેરનું ઐતિહાસિક સ્થળ ગાંધી મ્યુઝિયમ - લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે પણ પ્રવાસીઓ માટે ચાલુ કરાશે અને શહેરનું રમણિય સ્થળ પ્રદ્યુમન પાર્ક ઝુ પણ ૧લી નવેમ્બર સુધીમાં ખુલ્લુ મુકવા ચક્રો ગતિમાન થયાનું સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું છે.

ગાંધી મ્યુઝિયમ

સરકારની ગાઇડ લાઇન મુજબ આવતીકાલથી ગાંધી મ્યુઝિયમ તેની મૂળ ક્ષમતાના ૫૦ ટકા વ્યકિતઓને માસ્ક - સેનીટાઇઝન અને સોશ્યલ ડીસ્ટનશીંગના નિયમોની ચુસ્ત અમલવારી સાથે જાહેરજનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. અહીં સાંજે લાઇટ એન્ડ સાઉન્ડ-શો પણ આ જ નિયમો સાથે શરૂ કરવામાં આવશે.

પ્રદ્યુમન પાર્ક ઝુ

જ્યારે લાલપરી તળાવના કિનારે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પ્રદ્યુમન પાર્ક ઝુ ને પણ ૨૦ ઓકટોબર બાદ અન્ય શહેરોમાં આવેલા 'ઝુ' ખોલવામાં આવશે તો ૧લી નવેમ્બર સુધીમાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. નોંધનિય છે કે આગામી દિવાળીના તહેવારોમાં પ્રદ્યુમન પાર્ક ઝુમાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય સાથે અવનવા પ્રાણીઓ જોવાનો લ્હાવો લઇ શકશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ સચિવાલય, ગાંધીનગર જાહેરનામાં ક્રમાંક : જીજી/૫૩/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૦/૪૮૨ તા.૦૧/૦૯/૨૦૨૦થી અનું. ૦૨ મુજબ શહેરના બગીચાઓ નીચે જણાવેલ શરતો અને નિયમો આધીન રહી કાલે તા. ૧૫થી નિયત કરાયેલ સ્થળ (બગીચાઓ) ખુલ્લા મુકવામાં આવશે. જેની જાહેર જનતાએ શરતો સાથે અમલવારી કરવા સ્ટે. ચેરમેન ઉદય કાનગડ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વિનંતી કરી છે.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શહેરીજનોએ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. બાગ-બગીચા ખુલતા પ્રકૃતિ અને સોંદર્યનો આનદ માણવાની સાથોસાથ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આનંદ ઉત્સાહ લેવા જતા પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી પડશે. નિયત કરેલ શરતો અને નિયમોનો શહેરીજનો ચુસ્તપણે પાલન કરે તેવી અપીલ છે.

શહેરમાં કાલથી જે મુખ્ય બાગ-બગીચા ખુલ્લા મુકવામાં આવશે તેમાં રેસકોર્ષ સંકુલ, આજી ડેમ બગીચા, ચંદ્રશેખર આઝાદ ઉધ્યાન, શહીદ વીર ભગતસિંહ ઉદ્યાન, મંગલ પાંડે ઉધ્યાન અને સામેનો બગીચો, લાલબહાદુર શાસ્ત્રી ઉદ્યાન, ન્યુ બાલ મુકુન્દ ઉદ્યાન, તાત્યાટોપે ઉદ્યાન, દીપ્તિનગર ઉધ્યાન, શ્રધ્ધા સોસાયટી ગાર્ડન, જયુબિલી બાગ, થીમ પાર્ક બજરંગ વાડી, જનતા બાગ, શ્યામજી કૃષ્ણ વર્મા ઉધ્યાન, મધુવન પાર્ક, ગુરુદેવ પાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગુજ. હા. બો. ૧ એન્ડ ૨ બગીચા, માલવિયાનગર, કૃષ્ણનગર બગીચા અને નારાયણ નગરનો સમાવેશ થાય છે.

(૧) આ બગીચાઓ વિગેરે જાહેર સ્થળ હોય, સોશ્યયલ ડીસ્ટન્સીંગના ચુસ્તપણે પાલન તેમજ માસ્કનો ફરજીયાત પણે ઉપયોગ કરવાનો રહેશે. સેલ્ફ સેનિટાઇઝેનનો ઉપયોગ હિતાવહ છે. તેમજ કોવિડ-૧૯ની ગાઇડ લાઈન્સનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

(૨) આ બગીચાઓ જાહેર સ્થળ હોય, તેનો સમય સવારે ૬ થી ૧૨ તથા બપોરે ૩ થી સાંજના ૭ સુધીના રહેશે.

(૩) બગીચાઓ વિગેરેમાં હાલની સ્થિતીમાં ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમર વાળા પ્રવેશ ન કરે. સાથોસાથ અન્ય નાગરિકો બગીચા વિસ્તારના બાકડા તેમજ અન્ય સાધનોનો ઉપયોગ ન કરે તેવી અપિલ છે.

(૪) બગીચા વિસ્તારમાં સમૂહમાં ભેગુ થવુ, સમુહમાં બેસવુ કે ચાલવુ નહી. ફરવા આવતા નાગરિકોને એક માર્ગિય રસ્તાનો ઉપયોગ કરવા અપિલ છે.

(૫) આ બગીચાઓ વિગેરે જાહેર સ્થળ હોય, જાહેરમાં થુકવું, પાન, ફાકી, માવાના સેવન અને ધુમ્રપાન કરવું, ખાધ્ય પદાર્થો તેમજ પાલતું પ્રાણીઓ લાવવા તેમજ જાહેરમાં ગંદકી કરવી, ફેરીયા કે દુકાનદારો એક યા બીજી રીતે સામાન વેંચી કે વેંચાવી શકશે નહીં. આવુ માલુમ થયે દંડનિય કાર્યવાહી / વહિવટી ચાર્જ વસુલાત કરવામાં આવશે.

ઉપરોકત નિયમો, શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને દરેક નાગરિકોએ સ્વયંભુ આ બાબતોએ શિસ્ત જાળવવાનું રહેશે. અન્યથા દંડનિય કાર્યવાહી કરવાની ફરજ પડશે જે અંગેની આ જગ્યામાં ફરવા આવતા નાગરિકોએ નોંધ લેવી.

(2:48 pm IST)