Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સિવિલ કોવિડના ઇમર્જન્સી વિભાગમાં લાગેલી આગ ૩૦ જ સેકન્ડમાં કાબુમાં

મેડિકલ ટીમની સમય સુચકતા અને તાલિમ કામ કરી ગઇઃ કોરોના દર્દીઓને સતત સલામતિ મળતી રહે એ માટે તંત્ર સુસજ્જ

રાજકોટ તા. ૧૪: સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯ સેન્ટરમાં ઇમર્જન્સી વિભાગમાં રૂટીન ઇન્સ્ટ્રુમેન્ટ વેન્ટીલેટરનું ચેકીંગ કરતી વખતે અચાનક આગ લાગતાં બાજુના ખાલી બેડ પર ભડકો થતાં રેસિડેન્ટ ડો. રાહુલ ખોખર, નર્સ ધર્મેશ બડમેલીયાએ સમય સુચકતા વાપરી હોસ્પિટલમાં હાજર હેન્ડી અગ્નિશામક સીઓ-૨ સ્પ્રે કરી આગ ત્રીસ જ સેકન્ડમાં કાબુમાં લઇ લીધી હતી.

કોવિડમાં આગજનીની દૂર્ઘટના ન બને તે માટે તમામ પ્રકારની તકેદારી રખાય છે અને આગ ઓલવવાના સાધનોની સુવિધા રાખવામાં આવી છે. જુદા જુદા માળ પર ૧૦૮ જેટલા મોટા અગ્નિશામક  સાધનો રખાયા છે. દરેક રેકમાં પણ પોર્ટેબલ સીઓ-૨ રખાયા છે. તેમ ફાયર સેફટી ઇન્ચાર્જ જયદિપભાઇએ જણાવ્યું હતું.

આ હોસ્પિટલમાં તમામ સ્ટાફને જો આગ લાગે તો ત્યારે કઇ રીતે અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો તેની પુરતી તાલિમ અપાઇ છે. હોસ્પિટલ બહાર ૨૪ કલાક એક ફાયર ફાઇટર પણ હોલ્ટ રાખવામાં આવે છે. કોરોનાના દર્દીઓને કોઇપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટે સાવધાની અને પુરતી ચોકસાઇ રખાય છે તેમ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું.

(2:52 pm IST)