Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વકીલાત સાથે અન્ય વ્યવસાય કરતા વકીલો ઉપર બાર કાઉન્સીલ કાર્યવાહી કરશેઃ સનદ જમા કરવા તાકીદ

બાર કાઉ.ની ડીગ્રી ધરાવનાર સાત વકીલો પ્રોફેસર-લેકચરર તરીકે પગાર મેળવે છે

રાજકોટ તા. ૧૪ :.. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં વાઇસ-ચેરમેન શ્રી શંકરસિંહ એસ. ગોહીલ, એકઝીકયુટીવ કમિટીના ચેરમેન શ્રી ભરત વી. ભગત, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજરોજ મળેલ સાધારણ સભામાં સંખ્યાબંધ કિસ્સાઓ ધ્યાન પર આવેલ જેમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલ ધારાશાસ્ત્રીઓ વકીલાતની સનદ મેળવી વકીલાત કરતા હોવા છતાં સાથે સાથે લો-કોલેજમાં Full Time Lecturer  તરીકે એટલે કે પ્રોફેસર તરીકે નોકરી કરતા આવેલ છે. અને  જે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ રૂલ્સના નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આજની સભામાં ગુજરાતના લેકચરર ઉપરાંત નોકરી કરતા સાત પ્રોફેસરની આવી માહિતી ધ્યાન પર આવતા તેવા તમામ નોકરી કરતા ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ સનદ અંગે જરૂરી કાર્યવાહી કરવાનું નકકી કરવામાં આવેલ. અને તમામ ધારાશાસ્ત્રીઓની ઇન્કવાયરી એનરોલમેન્ટ કમિટીને સુપરત કરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ. તેમજ આજની સાધારણસભામાં એવુ નકકી કરવામાં આવેલ કે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતન રોલ પર જે પણ ધારાશાસ્ત્રી નોંધાયેલ હોય અને અન્ય કોઇપણ નોકરી, ધંધો કે વ્યવસાયમાં જોડાયા હોય અને અત્યાર સુધી સનદ જમા ન કરાવેલ હોય તેવા ધારાશાસ્ત્રીઓએ દિન-૧પ માં તાકીદે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની કચેરીમાં સનદ જમા કરાવી દેવી. અને જો આ પ્રકારની વકીલાત સહિત અન્ય નોકરી, ધંધો કે વ્યવસાયની પ્રવૃતિ કરનાર ધારાશાસ્ત્રી સનદ જમા કરાવશે નહિ તો તેમના વિરૂધ્ધ પણ કાયદાકીય રાહે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા પગલા ભરવામાં આવશે તેવુ નકકી કરવામાં આવેલ છે.

(12:43 pm IST)