Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જેમને ભણવુ છે તેમના માટે કારકીર્દીની કેડી કંડારતી સરકાર : શિક્ષણ માટે સહાયક પ્રવૃત્તિ

ભાવેશભાઇ પરમારે આસી. પ્રોફેસર સુધીની કારકીર્દી ઘડી : હોસ્ટેલથી માંડીને ફેલોશીપ સુધીના મળ્યો લાભ

પા..પા..પગલી પાડતા આંગણવાડીના બાળકથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા યુવાઓ શિક્ષણના જ્ઞાન થકી જીવનના નવા આયામો સર કરી સફળતાના શિખરે પહોંચે તેવી નેમ રાખતી રાજય સરકાર શિક્ષણ ક્ષેત્રે અનેક વિદ્યાર્થીઓનું પીઠબળ બની છે. સરકારની શિક્ષણલક્ષી અનેકવિધ યોજનાઓ અન્વયે શિષ્યવૃત્તિ, ફેલોશીપની સહાય થકી અનેક યુવાઓએ પોતાની કારકીર્દીનું ઘડતર કર્યુ છે. જેમાંના એક વિદ્યાર્થી એટલે ભાવેશ પરમાર!

અથાગ મહેનત અને સંઘર્ષ બાદ જીવનની દરેક પરિક્ષાઓને પાસ કરીને હાલ અમદાવાદ ખાતે ગુજરાત કોલેજમાં માઈક્રોબાયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત ભાવેશભાઈએ તેમના વિદ્યાર્થીકાળને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજે પણ યાદ છે કે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા માતા-પિતા પાસે કોલેજની ફીના રૂપિયા માંગવા માટે ૨ મહિના પહેલા વિચાર કરવો પડતો કે કંઈ રીતે રૂપિયા માંગીશ. તેવા સમયે મજૂરી કામ કરીને પેટીયું રળતા અને સંતાનોને ભણાવી-ગણાવીને સારૂ જીવન મળે તેવી મનોકામના રાખતા માતા-પિતા માટે રાજય સરકારની શિક્ષણલક્ષી સહાય મજબુત સહારો બની છે.

ગરીબ પરિવારની આર્થિક વ્યથાને પિછાણી તેમના સપના સાકાર કરવા કટિબધ્ધ રાજય સરકારનો આભાર માનતા ભાવેશભાઈએ વધુમાં કહ્યું હતું કે, મને ઉચ્ચ અભ્યાસ અર્થે સમાજ કલ્યાણ વિભાગ તરફથી શિષ્યવૃતિ મળતા મે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એમ.એસ.સી. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. આ માટે મારે મારા વતન અમરેલી છોડીને રાજકોટ આવવું પડયું, ત્યારે મને ફરી એકવાર સરકારે અમારા જેવા યુવાઓ માટે ઉભી કરેલી સુવિધાનો લાભ મળ્યો. રાજકોટમાં અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે બનેલી શ્રી મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય મારા માટે આશરો બની અને મારા માતા-પિતાને આર્થિક અને માનસિક બંને રીતે સધીયારો પુરો પાડયો. છાત્રાલયમાં રહેવા-જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક હોવાથી અભ્યાસમાં ધ્યાન આપવું મારા માટે સરળ બન્યું.

ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સમાં પ્રથમ ક્રમાંક, બીએસસી અને એમએસસી માઈક્રોબાયોલોજીમાં ડિસ્ટીન્કશન સાથે 'અ'ે ગ્રેડ મેળવવા છતાં મારા માટે  એમ.ફીલ કરવું મુશ્કેલ હોત જો મને રીસર્ચ માટે યુ.જી.સી. ફેલોશીપ અંતર્ગત રૂ. ૨૫૦૦૦ની સ્કોલરશીપનો લાભ મળ્યો ન હોત. હાલ હું રાજીવગાંધી ફેલોશીપ યોજનાનનો લાભ લઈને રૂ. ૩૦,૦૦૦ની સહાય સાથે પી.એચ.ડી કરી રહ્યો છું. આ ઉપરાંત મેં નેટની પરિક્ષા પણ પાસ કરી છે. તેમજ ભવિષ્યમાં જીપીએસસી અને યુપીએસીની પરિક્ષા પણ પાસ કરવાની મારી ઈચ્છા છે, તેમ ભાવેશભાઈએ વધુમાં જણાવ્યું હતું.

આ સંદર્ભે વિદ્યાર્થીઓને કારકિર્દીના ઉત્તમ શિખરો સર કરાવતી શ્રી મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલયના હેડ તરીકે કાર્યરત કિશોરભાઈ રૂપારેલીયાએ છાત્રાલય વિષે જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં ઉચ્ચ મુલ્યાંકન પ્રાપ્ત કરે તે માટે મેનેજમેન્ટ દ્વારા જુદા- જુદા વિષયના માનદ તજજ્ઞોના વર્ગ ગોઠવવામાં આવે છે. છાત્રાલયમાં ૨૪ કલાક ખુલ્લી રહેતી ૨ લાઈબ્રેરી પણ કાર્યરત છે. સરકારી નોકરી પાસ કરીને વિદ્યાર્થીઓ પોતાના ઘડતર સાથે દેશ સેવામાં યોગદાન આપી શકે તેવા ઉમદા હેતુસર રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગ થકી છેલ્લા ૪ વર્ષથી કોચિંગ વર્ગોનું પણ આયોજન કરવામાં આવે છે. જેનો લાભ મેળવીને ભાવેશભાઈની જેમ ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ આઈ.ટી.આઈ.,પોલીસ, પોસ્ટ, પી.જી.વી.સી.એલ., જેટકો, રેલ્વે, બી.એસ.એફ., સી.આર.પી.એફ., ટાટ, ટેટ સહિત સરકારના જુદા-જુદા વિભાગોમાં પસંદગી પામેલ છે.

        નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રિ-મેટ્રીકમાં અભ્યાસ કરતાં ૧૧,૩૯૮ વિદ્યાર્થીઓને રૂ. ૨.૮૭ કરોડ અને પોસ્ટ મેટ્રિકમાં અભ્યાસ કરતાં ૧૦,૨૬૫ વિદ્યાર્થીઓને રૂ. ૨૬.૧૮ કરોડની સહાય ચુકવામાં આવી છે. તેમજ રાજકોટ જિલ્લામાં અનુસૂચિત જાતિની ૪ સરકારી છાત્રાલય કાર્યરત છે. જેમાં અભ્યાસ કરીને અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સફળતાના શિખરો સર કરી રહ્યા છે.

(2:51 pm IST)