Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બિનઅધિકૃત ખનીજ-રેતી ચોરી સંગ્રહના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ, તા.૧૪: બિનઅધિકૃત ખનીજ રેતીની ચોરી, સંગ્રહ તથા વેચાણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરી હતી.

આ કામની વિગત એવી છે કે રફાળા ગામની સીમ તા.જિ.રાજકોટ દ્વારા સરકારી ખરાબા પૈકી ટાવર્સની જગામાં સાદી રેતી ખનીજ ૧૩૯૯ મેટ્રીક ટન બિનઅધિકૃત ખનીજ સંગ્રહ કરી જેની આશરે કિંમત ૩,૩૫,૭૬૦/ની ચોરી કરી કોઇ આધાર પુરાવા વગર ઉપરોકત સ્થળે ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે સંગ્રહ કરેલ હોફ જે બાબતે નાયબ કલેકટર રાજકોટ શહેર -રની ટીમ દ્વારા તપાસ કરતા માલુમ પડેલ અને તપાસ દરમ્યાન પીળા કલરના ટ્રક નંબર જીજે ૦૩ બીવી ૭૨૯૦ તથા જીજે ૧૩ એકસ ૭૬૭૫ બંને ટ્રકમાં રેતીના અવશેષો હોય તેવુ જણાઇ આવેલ અને લોડર મશીન દ્વારા રેતી ખનીજના સંગ્રહમાંથી રેતી ભરવા માટે ઉપયોગમાં લેવાતુ હોય તેવુ માલુમ પડેલ ત્યારબાદ તપાસ કરતા ઉપરોકત ટ્રક હાલના અરજદાર આરોપીના નામે રજીસ્ટર હોય કુવાડવા પોલીસ દ્વારા ઉપરોકત તમામ આરોપીઓ વિરૂધ્ધ માઇન્સ એન્ડ મીનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એકટ ૧૯૫૭ તથા મીનરલ નિયમો પ્રવેન્સન ઓફ ઇલીગલ માઇનીંગ રુલ્સ હેઠળ એફઆઇઆર દાખલ કરી ધોરણસરની તપાસ ચાલુ કરતા તપાસ દરમ્યાન આરોપીઓના નામ બહાર આવેલ તે પૈકી ટ્રક નંબર જીજે ૩ બીવી ૭૨૯૦ના માલીક અભયસિંહ ગોહિલ દ્વારા રે.ગાયકવાડી રાજકોટ દ્વારા અટકમાંથી બચવા આગોતરા જામીન દાખલ કરેલ હતી.

બંને પક્ષકારોની રજુઆતો તેમજ પોલીસ પેપર્સ તથા પોલીસ અમલદારનું સોગંદનામુ વગેરે ધ્યાને લીધા બાદ એડીશનલ સેસન્સ જજ શ્રી યુ.ટી. દેસાઇને સરકાર પક્ષે રજુ થયેલ દલીલો સાથે સહમત થતા એવા તારણો આપેલ કે રજુ થયેલ કાગળો પરથી સ્પષ્ટ થાય છે કે અરજદાર આરોપી રેતી ચોરીના કામે અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ હોય તેમજ હાલના અરજદાર આરોપીઓ પોતાના માલીકના ટ્રકનો રેતી ચોરીમાં ઉપયોગ કરેલ અને આ ગુનાહીત કૃત્યમાં પ્રથમથી ન ભાગ ભજવેલ હોય અરજદાર આરોપીનુ પ્રથમથી જ ઇન્વોલમેન્ટ હોય તેવુ રજુ થયેલ પેપર્સ ઉપરથી જણાઇ આવે છે જેથી અરજદાર આરોપીઓની આગોતરા જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ.ગોગીયા રોકાયેલ હતા.

(2:54 pm IST)