Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

માધાપર ચોકડી નજીક રાજભોગ રેસ્ટોરન્ટમાં બઘડાટી બોલાવનારા ૪ શખ્સોને પકડી લેવાયા

ગાંધીગ્રામ પોલીસે સંજય બસીયા, પૃથ્વીરાજ બસીયા, પાર્થ ઉર્ફ બાવ ખાચર અને દિવ્યરાજસિંહ જાડેજાને પકડ્યાઃ જમવાનું કેમ નથી? કહી પથ્થરમારો કર્યો હતો

રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડી નજીક સિનર્જી હોસ્પિટલ સામે આવેલા રાજભોગ રેસ્ટોરન્ટમાં ૧૧-૧૨ની રાત્રીના પોણા વાગ્યા આસપાસ આવેલા શખ્સોએ 'જમવાનું કેમ નથી?' કહી કર્મચારી અને સંચાલકના પુત્ર સાથે ધમાલ મચાવી હતી. પોલીસને જાણ કરવામાં આવતાં આ શખ્સો જતાં રહ્યા બાદ થોડીવાર પછી ફરીથી આવ્યા હતાં અને મોટા પથ્થરોના ઘા કરી ધમાલ મચાવતાં રેસ્ટોરન્ટના બે ભાગીદાર પૈકી એકને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસે નોંધેલા ગુનામાં ૪ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.

અયોધ્યા ચોક રાધા પાર્કમાં રહેતાં પ્રદિપભાઇ કાનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૯)  રાતે એકાદ વાગ્યે સિનર્જી હોસ્પિટલ સામે આવેલા પોતાના રાજભોગ રેસ્ટોરન્ટ ખાતે હતાં ત્યારે સંજય કાઠી અને તેની સાથેના આઠેક અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પથ્થરોના ઘા કરતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી.

એ પછી ગાંધીગ્રામ પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં જામનગર રોડના પરાસર પાર્કમાં રહેતાં સંજય જીલુભાઇ બસીયા (ઉ.વ.૩૧), પૃથ્વીરાજ જીલુભાઇ બસીયા (ઉ.વ.૨૫), પાર્થ ઉર્ફ બાવ કનુભાઇ ખાચર (ઉ.વ.૨૩) અને દિવ્યરાજસિંહ સહદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૨)ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવાયું છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. ગઢવી, એએસઆઇ એમ. વી. લુવા, રાજુભાઇ કોડીયાતર, હેડકોન્સ. સંજયભાઇ કુમારખાણીયા, અમીનભાઇ કરગથરા, ધારાભાઇ ગઢવી, ભરતભાઇ ચોૈહાણ કનુભાઇ બસીયા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)