Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રામનાથપરાના ભોૈતિક ઉભડીયાને મરવા મજબૂર કરવાના ગુનામાં ૯ની ધરપકડ

પાંચ મહિના પહેલા પ્રીતિ હુંબલ સાથે લવમેરેજ કરનાર ભોૈતિકે બાદમાં છુટાછેડા લીધા'તાઃ એ પછી પ્રીતિ, તેના પરિવારજનો, વકિલ, એએસઆઇનો ત્રાસ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખઃ પીઆઇ સી. જે. જોષીની તત્કાલ કાર્યવાહી

રાજકોટ તા. ૧૪: શહેરના રામનાથપરા-૧૫માં નકલંક સ્વીટ માર્ટ નામની દૂકાનની ઉપરના ભાગે રહેતાં રહેતા ભૌતિક મહેશભાઈ ઉભડિયા નામના ૨૩ વર્ષના પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેના રૂમમાંથી મળેલી સ્યુસાઇડ નોટને આધારે પોલીસે તેની પૂર્વ પત્નિ, સાસુ, સસરા, એક વકિલ, એએસઆઇ સહિત ૧૦ જણા વિરૂધ્ધ મરી જવા માટે મજબૂર થવાનો ગુનો નોંધી એએસઆઇ સિવાય નવની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

    આ બનાવમાં એ ડિવિઝન પોલીસે આપઘાત કરનાર ભૌતિકના પિતા મહેશભાઈ ભગવાનભાઈ ઉભડિયા-પ્રજાપતિ (ઉ.વ. ૫૦-રહે. રામનાથપરા ૧૫, નકલંક સ્વીટ માર્ટ)ની ફરિયાદ પરથી ભૌતિકની  પૂર્વ પત્નિ પ્રીતિ મેરામભાઇ હુંબલ (ઉ.૨૩-રહે. ચામુંડા કૃપા વિનાયકનગર-૧૪ મવડી પ્લોટ), તેણીના પિતા મેરામભાઇ લક્ષમણભાઇ હુંબલ (ઉ.૫૫), માતા મધુબેન મેરામભાઇ હુંબલ (ઉ.૪૫) તથા કેવીન રમેશભાઇ પીપળવા (ઉ.૨૬-રહે. કેવડાવાડી-૪/૨૦), પ્રશાંત કેશુભાઇ લોખીલ (ઉ.૨૪-રહે. જલારામ ચોક, ગાયત્રીનગર મેઇન રોડ ગોપાલનગર-૧૦), હાર્દિક અમુભાઇ ડાંગર (ઉ.૨૪-રહે. અંકુર સોસાયટી-૬ ભવાની ચોક બ્લોક નં. ૮ની બાજુમાં), દેવાંગ રઘુવીરભાઇ હરિયાણી (ઉ.૨૩-રહે. રૈયા રોડ ગિરીરાજનગર પાસે સત્તાધાર પાર્ક-૩), રાધેશ્યામ વલ્લભદાસ દેવમુરારી (ઉ.૬૧-ધંધો વકિલાત-રહે. પત્રકાર સોસાયટી-૧ એરપોર્ટ રોડ) તથા રાહુલ અનકભાઇ ખુમાણ (ઉ.૩૦-રહે. શાસ્ત્રીનગર-૧ ક્રિષ્ના મકાન નાના મવા રોડ) તથા એએસઆઇ સામે આઇપીસી ૩૦૬,૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ બધાએ એકસંપ કરી ભોૈતિકને મરી જવા મજબૂર કરતાં તેણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો ગુનો નોંધ્યો છે.

ફરીયાદીએ ફરિયાદમાં આરોપો સાથે જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. જેમાંથી દિકરા ભોૈતિકે પાંચ મહિના પહેલા પ્રીતિ હુંબલ સાથે લવ મેરેજ કર્યા હતાં. એ પછી આજથી ત્રણેક મહિના પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. ત્યારબાદ માસ પહેલા છૂટાછેડા લીધેલ હતા. બાદમાં આ બધાએ ભેગા મળી ભૌતિકને ગાળો આપી તેમજ સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાને મદદગારી કરી ભૌતિકને મરી જવુ પડે તેવા સંજોગો ઉભા કરી મરવા માટે પ્રેરીત કરી ત્રાસ આપતા ભૌતિકે ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

ફરિયાદમાં આગળ જણાવાયું છે કે પોલીસ દ્વારા તપાસ થતાં રૂમમાંથી નોટબુકમાંથી ફાડીને નોખા કરેલ અલગ અલગ કુલ-૫ પાનામાં કાળી શાહી વાળી પેનથી લખાયેલી સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં ભોૈતિકે લખ્યું છે કે હું ખુદ ભોૈતિક છું અને આ સ્યુસાઇડ નોટ મેં જ લખી છે.  પ્રીતીના મમ્મી-પપ્પા, પ્રીતિ, કેવીન પીપરવા, રાહુલ ખુમાન, પ્રશાંત લોખીલ, એડવોકેટ દેવમુરારી, તથા એએસઆઇ  અને બીજા અન્ય ૭-૮ વ્યકિતના કારણે હું સુસાઇડ કરૂ છે. તે લોકો મને અને મારા કુટુંબને અવારનવાર ધાકધમકી આપે છે તે કહે છે કે તને અને તારા કુટુંબને મારી નાખશું મને મજબુર કરે છે મરવા, અને પ્રીતિ પણ મને મારી નાખવાની ધમકી આપે છે તથા પ્રીતિના પપ્પા પોલીસ સ્ટેશનમાં પણ મનફાવે એવું બોલતા હતા અને મને મારી નાખવાનું કહેતા હતા. પોલીસ પાસે ગયો હતો હું તો ત્યાંથી પણ મને માર મારી કાઢી મુકેલો હતો અંતે કંટાળીને હું આ પગલું ભરવા મજબૂર થઇ ગયો છું. મારી આ બધાને સજા આપો એવી મારી માંગ છે અને મને મારો ન્યાય મેળવવા માટે હું અંતે કંટાળી આ પગલું ભરું ં છું.-ભૌતિક ઉભડીયા.

પીઆઇ સી. જી. જોષી, રાઇટર શૈલેષભાઇ ભીંસડીયા અને જગદીશભાઇ સહિતની  ટીમે આ સ્યુસાઇડ નોટને આધારે તત્કાલ કાર્યવાહી કરી ચિઠ્ઠીમાં જેના નામ છે એ દસેય સામે ગુનો નોંધી નવની ધરપકડ કરી છે. એએસઆઇનું પણ આરોપીમાં નામ છે. તેની ધરપકડ બાકી છે. આ તમામને કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ રહી છે.

(3:11 pm IST)