Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઇન્દુભાઇ પારેખ આર્કિટેકચર ગેલેરીમાં આજથી સુરેશ રાવલનું ચિત્ર પ્રદર્શન

પ૦ ચૂનંદા પ્રકૃતિ ચિત્રો મૂકાયાઃ કલા રસિકોને નિહાળવા અનુરોધ

રાજકોટ તા. ૧૪ :.. આર્કિટેકચર સ્કુલ ઇન્દુભાઇ પારેખ ઇન્સ્ટીટયુટ અને કાર્ય શાળાનાં સંયુકત ઉપક્રમે રાજકોટના જાણીતા ચિત્રકાર શ્રી સુરેશભાઇ રાવલ (મો. ૯૮૭૯૧ રપ૯૪૭) નાં પચાસ (પ૦) ચૂનંદા ચિત્રોનું પ્રદર્શન ઇન્સ્ટીટયુટની ગેલેરીમાં યોજાયું છે.

પ્રદર્શનનું ઉદઘાટન આજે તા. ૧૪ ના સાંજે ૬ વાગે રાજકોટનાં જાણીતા કવિઓ અને લેખકો સર્વશ્રી સંજુ વાળા, મહેન્દ્ર જોશી, વસંત જોશી, હર્ષદ દવે, અને જવલંત છાયા દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે કવિઓ દ્વારા કાવ્ય પઠનનો ઉપક્રમ પણ યોજવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રદર્શન ઉપરોકત ગેલેરીમાં, વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજની બાજુમાં, મોટેલ ધ વિલેજની સામે, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે તા. ૧૯ સુધી દરરોજ બપોરના ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી નિહાળી શકાશે.

ચિત્રકાર તરીકે સુરેશ રાવલ રાજકોટ માટે ખુબ જ જાણીતું નામ છે. રેસકોર્સની આર્ટ ગેલેરી તેમના રર જેટલાં વૃંદ પ્રદર્શનો અગાઉ યોજાઇ ચૂકયા છે. આ અવસરે તેમનો વન-મેન શો યોજાયો છે. રાજય, આંતર રાજય અને અખિલ ભારતીય કક્ષાનાં અનેક પ્રદર્શનોમાં તેમની કૃતિઓ સ્વીકૃત અને પુરસ્કૃત થઇને રાજકોટનાં કલા જગતને સન્માનીત કર્યું છે.

હાલનાં પ્રદર્શનમાંનાં બધા જ ચિત્રો પ્રકૃતિ ચિત્રો છે અને તેમાં આપણાં પરીચિત રૈયા ગામથી પરશુરામ મંદિર સુધીનાં નાના વિસ્તારના વિવિધ પ્રકૃતિભાવોને ચિત્રાંકિત કરવામાં આવ્યા છે. આપણા પરીચિત સ્થળો - સાવ સામાન્ય દ્રશ્યો ને પણ કલાકાર દ્વારા કેવી કલાત્મક ઊંચાઇ અપાઇ છે તે પ્રદર્શન થકી  કલાકાર દ્વારા અનુરોધ કરાયો છે.

(3:17 pm IST)