Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગોંડલ ચોકડી ડાયવર્ઝન રૂટમાં જરૂરી સુવિધા ઉભી કરાશે

મહાનગરપાલીકા, નેશનલ હાઇવે ઓથોરિટી અને પીજીવીસીએલની સંયુકત બેઠક યોજાઇ : મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાની ઉપસ્થિતીમાં મ.ન.પા.ને લગતા પ્રશ્નોની ચર્ચા કરાઇ

રાજકોટ,તા.૧૪: મહાનગરપાલિકા, નેશનલ હાઈવે ઓથોરિટી અને પીજીવીસીએલની સંયુકત બેઠક માનનીય મેયરશ્રી ડો. પ્રદિપ ડવનાં અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણેય કચેરીઓ લગત પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટીના વરિષ્ઠ અધિકારી રોય, પીજીવીસીએલના એન્જિનિયર માકડીયા, રૂઘાણી, ધુલિયા તથા મહાનગરપાલિકાનાં નાયબ કમિશનર આશિષ કુમાર અને ચેતન નંદાણી તેમજ સિટી એન્જિનિયરશ્રીઓ અને વિવિધ શાખાઓના અધિકારી ઉપસ્થિત રહયા હતાં.

મેયર અને કમિશનરે આ બેઠકમાં અંગે વાત કરતા એમ જણાવ્યું હતું કે, ગોંડલ ચોકડીએ બ્રિજનું કામ ચાલી રહયું હોઈ, વાહનોના આવાગમનમાં શકય તેટલી સરળતા રહે તે માટે ડાઈવર્ઝનની યોગ્ય સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ 'અમૃત' યોજના હેઠળ એક ડ્રેનેજ લાઈન નાંખવા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી પાસેથી ઝડપથી પરવાનગી મળી રહે તે અંગે પરામર્શ કરાયો હતો. એવી જ રીતે વોર્ડ નંબર-૬મા પીવાના પાણીની પાઈપલાઈન નાંખવા અંગે પણ નેશનલ હાઈવે ઓથોરિટીની મંજુરીની આવશ્યકતા રહેતી હોવાથી આ પ્રક્રિયા પણ ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તે અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત ૧૮ ને ૧૫માં પસાર થતા નેશનલ હાઇવે રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે બોકસ ગટર કરવામાં આવેલ છે. નેશનલ ઓથોરીટી દ્વારા સફાઈ ન થતા રોડ પર તેનું પાણી સર્વિસ રોડ તથા આજુબાજુના વિસ્તારોમાં ફેલાય છે. જેના કારણે લોકો દ્વારા કોર્પોરેશનને ફરિયાદ કરે છે. 

આ બેઠકમાં પીજીવીસીએલ લગત પ્રશ્નોની ચર્ચામાં મહાનગરપાલિકાનાં વિવિધ ઇલેકિટ્રક કનેકશન ઝડપથી મળી રહે તે અંગે પીજીવીસીએલના અધિકારીઓને વાકેફ કરવામાં આવ્યાં હતાં. જયારે પીજીવીસીએલ દ્વારા શહેરમાં જયાં વ્રુક્ષો પરથી તેની સર્વિસ લાઈન પસાર થાય છે તેવા કિસ્સામાં ઝાડની ડાળીઓ કાપવા અને તેનો કચરો સમયસર ઉપાડી લેવામાં આવે તે માટે જણાવવામાં આવ્યું હતું. જયારે પીજીવીસીએલ દ્વારા તેના દરેક ટ્રાન્સફોર્મર ખાતે થાંભલા ફરતે લોખંડની જાળી નાંખવામાં આવેલ છે. આ જાળીઓ કચરાના ન્યુસન્સ પોઈન્ટ બનવા લાગી હોય તેને હાલ તુર્ત તો સત્વરે સાફ કરાવવા અને પછી એ લોખંડનાં પિંજરામાં કચરો ફેંકી ના શકાય તે પ્રકારે વ્યવસ્થા કરાવવા અંગે ચર્ચા કરવામાં આવેલ.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ આંગણવાડી, એ,જી, ચોક ખાતેની હાઈમાસ્ટ લાઈટ, વિવિધ જાહેર કાર્યક્રમો માટેના ટેમ્પરરી ઇલેકિટ્રક કનેકશનના કામ સમયસર થઇ જાય તે અંગે પણ આવશ્યક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી.

વિશેષમાં, સ્ટ્રીટ લાઈટની સુવિધા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા સ્પાનની કામગીરી ઝડપથી કરવા જેથી શહેરીજનોને વહેલાસર સુવિધા પ્રાપ્ત થઇ શકે તેમજ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં જે લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવે છે તેમના નામે વીજ કનેકશન ટ્રાન્સફર કરવા, શહેરમાં વિવિધ સ્થળોએ રહેલ  એલ.ઈ.ડી. સ્ક્રીન માટે હાઈ વોલ્ટેજ લાઈન આપવા, રેસકોર્સ સંકુલમાં ટ્રાન્સફોર્મરની આસપાસની લોખંડની જાળીઓ તાકીદે રીપેર કરવા, તેમજ શહેરના ઈસ્ટ ઝોનમાં જાહેર માર્ગો પરના અડચણરૂપ ઇલેકિટ્રક પોલ ઝડપથી શિફ્ટ કરવાનાં પ્રશ્નો અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.

(3:48 pm IST)