Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

નવનિયુકત રાજકોટ જિલ્લા ભાજપા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ પદભાર સંભાળ્યો : સૌને સાથે લઇ સંગઠન મજબૂત બનાવવા ખાત્રી

રાજકોટ : પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખોની વરણી કરવામાં આવી. જેમાં રાજકોટ જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ મનસુખભાઇ ખાચરીયાની વરણી થતાં મનસુખભાઇએ રાજકોટ જિલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ઉપાધ્યક્ષ જશુમતીબેન કોરાટ, પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઇ મેતા, જયંતીભાઇ ઢોલ, કેબીનેટ મંત્રીઓ જયેશભાઇ રાદડિયા તથા કુંવરજીભાઇ બાવળિયા, સાંસદો મોહનભાઇ કુંડારિયા તથા રમેશભાઇ ધડુક, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્યો પ્રવિણભાઇ માંકડિયા, બાવનજીભાઇ મેતલિયા, શ્રીમતિ ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો હતો. જિલ્લા પૂર્વ પ્રમુખ ડી.કે.સખીયાએ તેઓને આવકારી અભિનંદન પાઠવી જિલ્લા પ્રમુખ તરીકેનો પદભાર સોંપ્યો હતો. આ પ્રસંગે નવનિયુકત જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ આભાર વ્યકત કરી કાર્યકર્તાઓને સાથે રાખીને આવનારા સમયમાં સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા અને સૌને સાથે લઇને તમામ પાયાના નાનામાં નાના કાર્યકર્તાઓની રજૂઆતો ધ્યાને લઇને પૂર્ણ સંતોષ આપવાના પ્રયત્નશીલ રહેવાની ખાત્રી આપી હતી.

(12:24 pm IST)