Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

શહેરીજનો દિવાળી પર્વની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી શકે એ માટે પોલીસ સતત સજાગ

ઠેકઠેકાણે ચેકીંગ, બંદોબસ્તઃ અમુક ટપોરીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવાયું: ક્રાઇમ બ્રાંચ અને તાલિમાર્થી લોકરક્ષક બહેનોની ટીમોની કામગીરી

રાજકોટ તા. ૧૪: શહેરીજનો દિવાળીનો તહેવાર આનંદ ઉલ્લાસથી ઉજવી શકે અને કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સતત સજાગ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના હેઠળ ૧૩-૧૪ની નાઇટમાં શહેરભરમાં નાઇટ કોમ્બીંગનું આયોજન કરાયું હતું. જેમાંતમામ પોલીસ દ્વારા ૬૭૬ વાહનો ચેક કરાયા હતાં. હોટેલ, ઢાબા, મુસાફરખાના, ધર્મશળાા મળી ૭૩ સ્થળોએ ચેકીંગ થયું હતું. ૩૨ ફાર્મ હાઉસ અને ૧૩ નાસતા ફરતા શખ્સો અંગે તપાસ કરી હતી. જામીન પર છુટેલા ૧૪ શખ્સોને પણ ચેક કરાયા હતાં. આ ઉપરાંત પેોરલ પર છુટેલા શખ્સોનું ચેકીંગ કરાયું હતું. ૬૩ જેટલા શંકાસ્પદ શખ્સો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ૧૨૧ જેટલા એટીએમ, ૬૩ શકમંદ શખ્સો, એમસીઆરથી ૬૧ શખ્સોને તપાસાયા હતાં. પ્રાઇવેટ સિકયુરીટી, ખાનગી ગાર્ડ, વોચમેન મળી ૧૧૨ને ચેક કરાયા હતાં. ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા ૧૫, તડીપર પાંચ શખ્સો અંગે તપાસ કરાઇ હતી. ૩૭ ટપોરીને પણ ચેક કરાયા હતાં. જ્યારે દારૂના ૬, ૧૩૫ મુજબના ૫ કેસ કરી ૭ બુટલેગરને ચકાસાયા હતાં. ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓ સુરક્ષીત રહે તે માટે થઇને રોમીયોગીરી કરનારાઓને પણ પાઠ ભણાવાયો હતો. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચ તથા હેડકવાર્ટરમાં તાલિમ લઇ રહેલી લોકરક્ષક મહિલાઓની ૯ ટીમો બનાવી તપાસ કરાઇ હતી. અમુક ટપોરીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવાયું હતું. તહેવારના દિવસોમાં રાજકોટવાસીઓ ઉત્સાહ-ઉમંગથી, શાંતિપુર્વક રીતે તહેવારો ઉજવી શકે તે માટે પોલીસ સતત એલર્ટ રહેશે.

(2:36 pm IST)