Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પતંગનો દોરો ખેંચવા પ્રશ્ને, પતંગ કટ થઇ જતાં અને ટેપ ધીમુ વગાડવા મામલે તલવાર-પાઇપ-પથ્થરથી ધમાલઃ ૮ ઘવાયા

માર્કેટ યાર્ડ સામે ગોકુલનગર, પોપટપરા અને પુનિતનગરમાં થઇ ધમાલ : ગોકુલનગરમાં પતંગનો દોરો ખેંચી લેવાનું કહેવાતા સંજય સરસીયા અને યતીન પડીયા વચ્ચે ધમાલઃ ૩ને ઇજાઃ પોપટપરામાં અજય મકવાણા અને મોહસીન શેખ વચ્ચે બઘડાટીમાં ૪ ઘવાયાઃ પુનિતનગરમાં પતંગ લૂંટવા મામલે વિજયને ત્રણ શખ્સે ઘુસ્તાવી છરી ઝીંકી : પોપટપરામાં બે ભાઇઓ પર હુમલો કરનારા ઇમરાન, મોહસીન, સિકંદર અને રમીઝ નશો કરેલી હાલતમાં પકડાયા

રાજકોટ તા. ૧૫: પતંગના પર્વમાં પતંગ દોરા મામલે અલગ-અલગ ત્રણ સ્થળે મારામારીમાં ૮ને ઇજા થઇ હતી. જુના માર્કેટ યાર્ડની સામે આવેલા ગોકુલનગરમાં સંક્રાંતને દિવસે કપાયેલી પતંગનો દોરો ખેંચી લેવાનું કહેવા બાબતે પડોશીઓ વચ્ચે માથાકુટ થતાં તલવાર, પાઇપથી અને હાથમાં પહરેવાના કડાથી મારામારી થતાં ત્રણને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. જ્યારે પોપટપરામાં પડોશીઓ વચ્ચે પેચ લગાવી પતંગ કાપી નાંખવા મામલે અને અગાસીએ ટેપ ધીમુ વગાડવા મામલે તલવાર-પાઇપ-પથ્થરથી મારામારી થતાં ૪ ઘવાયા હતાં. આ ઉપરાંત પુનિતનગરમાં પતંગ મામલે એક યુવાન પર હુમલો થયો હતો.

ગોકુલનગરમાં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં સંજય મેરામભાઇ સરસીયા (ભરવાડ) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી થોરાળા પોલીસે યતીન ખત્રી અને પ્રદિપ ખત્રી સામે ગુનો નોંધ્યો હતો. સંજયના કહેવા મુજબ તેના સંબંધીનો દિકરો રિધમ રાઠોડ ઘર નજીક પતંગ લૂંટતો હતો ત્યારે ખત્રી ભાઇઓએ ઝઘડો કરી તેને મારકુટ કરતાં પોતે છોડાવવા જતાં પોતાના પર તલવાર-પાઇપથી હુમલો કરાયો હતો. રિધમને પણ મારકુટ કરવામાં આવી હતી.

સામા પક્ષે ગોકુલનગર પાસે બાલકૃષ્ણનગરમાં હિંગળાજ મંદિર પાસે રહેતાં અને એમ. આર. તરીકે કામ કરતાં યતીન મનસુખભાઇ પડીયા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી ભાવેશ રાઠોડ, સંજય ઉર્ફ પપ્પુ તથા રિધમ સામે ગુનો નોંધ્યો હતો. યતીનના કહેવા મુજબ રિધમની કપાયેલી પતંગનો દોરો અમારી અગાસી પર હોઇ તેને કોઇ છોકરાવને દોરો લાગી ન જાય એ માટે ઝડપથી દોરો ખેંચી લેવા કહેતાં તેણે ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ઝઘડો કરી પોતાના બીજા સગાને બોલાવી હાથમાં પહેરવાના કડાથી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. પીએસઆઇ એચ. બી. વડાવીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીના બીજા બનાવમાં પોપટપરા વિવેકાનંદ નગરમાં રહેતાં અજય મયાભાઇ મકવાણા (ઉ.વ.૩૧) અને કરણ મયાભાઇ મકવાણા (ઉ.વ.૪૦) નામના બે ભરવાડ બંધુને સંક્રાંતીની સાંજે ઘર પાસે હતાં ત્યારે ઇમરાન, મોહસીન, મુન્નો અને રાજાએ મળી તલવારથી હુમલો કરી ઇજા કરતાં તેમજ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં બંને ભાઇઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેની ફરિયાદ પરથી એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે ગુનો નોંધ્યો હતો. અજયના કહેવા મુજબ પોતે અને ભાઇ સહિતના અગાસીએ પતંગ ઉડાડતા હતાં ત્યારે ઇમરાન સહિતના મોટા અવાજે ટેપ વગાડતાં હોઇ તેને ધીમુ રાખવાનું કહેતાં ગાળો દઇ હુમલો કર્યો હતો.

સામા પક્ષે મોહસીન અબ્બાસભાઇ શેખ (ઉ.૩૪-રહે. પોપટપરા-૫૩ કવાર્ટર)ની ફરિયાદ પરથી સંજય મયાભાઇ મકવાણા, અજય મયાભાઇ મકવાણા અને કરણ મયાભાઇ મકવાણા સામે પણ ગુનો દાખલ કરાયો છે. મોહસીનના કહેવા મુજબ પોતે અને ભત્રીજો અયાન સહિતના પોતાની અગાસીએ પતંગ ઉડાવતાં હતાં ત્યારે ભત્રીજા અયાને સંજય મકવાણાની પતંગ પેચ લગાવીને કાપી નાંખતા તેને સારુ ન લાગતાં ગાળો દઇ તલવાર સાથે આવી તેમજ પથ્થરમારો કરી તલવારથી હુમલો કરી પોતાને અને સાહેદ ઇમરાનને ઇજા પહોંચાડી હતી.

દરમિયાન પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, રસીકભાઇ, આનંદભાઇ, ચંદ્રસિંહ, કલ્પેશસિંહ સહિતે જેણે હુમલો કર્યો એ ઇમરાન અબ્બાસભાઇ શેખ (ઉ.૩૯-રહે. પોપટપરા વિવેકાનંદનગર), મોહસીન અબ્બાસભાઇ શેખ (ઉ.૩૪-રહે. વિવેકાનંદનગર-૪), સિકંદર ઉર્ફ મુન્નો મહમદભાઇ ખીરા (ઉ.૩૬-રહે. વિવેકાનંદનગર-૪, ૫૩ કવાર્ટર) તથા રમીઝ ઉર્ફ રાજા બોદુભાઇ કુરેશી (ઉ.૨૭-રહે. વિવેકાનંદનગર-૪)ને નશો કરેલી હાલતમાં પોપટપરા સ્મશાન પાસેના રોડ પરથી પકડી લીધા હતાં.

ખોડિયારપરામાં નરેશને રાહુલ અને દેવરાજે માર માર્યો

ચોથા બનાવમાં લક્ષ્મીનગર-૧માં રહેતાં નરેશ બાબુભાઇ બગડા (ઉ.વ.૨૧)ને સંક્રાંતની સાંજે ગોંડલ રોડ પરના ખોડિયારપરામાં હતો ત્યારે દેવરાજ ડોડીયા, રાહુલ જોગરાણાએ ધોકાથી માર મારતાં સિવિલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરાઇ હતી. નરેશ રિક્ષામાં બેઠો હતો ત્યારે રાહુલે આવી ગાળો દઇ હુમલો કર્યો હતો. અગાઉ પણ તેણે આવો ડખ્ખો કર્યાનો આક્ષેપ કરાયો હતો.

(4:39 pm IST)