Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પારકી પરણેતર સાથેના પ્રેમના ડખ્ખામાં પરાપીપળીયાના મુકેશ પર પાઇપના ઘા

થોરાળામાં સંક્રાંતની રાતે મારામારીમાં ચાર જણા ઘવાયાઃ ભગવતીપરાના સોહિલે ગાળો બોલવાની ના પાડતાં હુમલો

રાજકોટ તા. ૧૫: જામનગર રોડ પર પરાપીપળીયામાંરહેતાં બકાલાના ધંધાર્થી મુકેશ દેવરાજભાઇ મકવાણા (દેવીપૂજક) (ઉ.વ.૨૬)ને રાતે નવેક વાગ્યે ઘર પાસે હતો ત્યારે કાળીયો, સુરજ સહિતે આવી ઝઘડો કરી પગમાં પાઇપના ઘા ફટકારતાં બંને પગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામમાં જાણ કરી હતી.

મુકેશે કહ્યું હતું કે તેને કાળીયાની માતા સાથે પ્રેમ હોઇ અને એકાદ વર્ષથી ઘરમાં બેસાડી હોઇ તેનો ખાર રાખી કાળીયો તેના ભાઇબંધો સાથે આવ્યો હતો અને હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવોમાં થોરાળાના ગોકુલપરામાં મારામારી થતાં ચારને ઇજા થઇ હતી. જેમાં થોરાળા-૧માં રહેતો જીજ્ઞેશ વિનોદભાઇ નકુમ (ઉ.વ.૨૨) અને કલ્પેશ વિનોદભાઇ નકુમ (ઉ.વ.૨૩) રાતે પોતાના ઘર પાસે હતાં ત્યારે ધર્મેશ ઉર્ફ બબલુ, લાખો, યશ સહિતે આવી પાઇપથી હુમલો કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થયા હતાં.

જ્યારે ધર્મેશ કનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૧) તથા ક્રિપાલ દેવજીભાઇ ગોહેલ (ઉ.વ.૨૮) (રહે. જંગલેશ્વર) પણ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલમાં દાખલ થયા હતાં. પોતાના પર ગોકુલનગરમાં હતાં ત્યારે રઘા ગુલી મકવાણા સહિતે છરીથી ઇજા કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસમાં બંને એન્ટ્રી નોંધાવી હતી.

આ ઉપરાંત ભગવતીપરા હુશેનીયા મસ્જીદ સામે રહેતાં રિક્ષાચાલક સોહિલ રફિકભાઇ સોરા (ઉ.વ.૨૧)એ ઘર નજીક ગાળો બોલી રહેલા જાવિદ, અસલમ સહિતને દૂર જવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ ઢીકા-પાટુનો માર મારી માથામાં તિક્ષ્ણ હથીયાર ઝીંકી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં  બી-ડિવીઝન પોલીસને હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.

(4:39 pm IST)