Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વીજ કર્મચારીઓની હડતાલથી ઔદ્યોગિક શાંતિ જોખમાયી-ગ્રાહકોને નુકશાન જાય તો સરકાર-વીજ બોર્ડની જવાબદારીઃ પત્રકાર પરિષદમાં જાહેરાત

૧૬મીએ રાજયભરમાં દેખાવોઃ ૧૭ થી ર૦ કાળી પટ્ટી ધારણ કરાશેઃ ર૧મીએ હડતાલ : ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિની જાહેરાત : ૧/૧/ર૦૧૬ થી એરીયર્સની માંગણી એક વર્ષથી પેન્ડીંગ છેઃ લડતને પપ હજાર કર્મચારીઓનો પ્રચંડ પ્રતિસાદ

રાજકોટ તા.૧પ : ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ સાતમાં વેતન પંચ મુજબ નવા બેઝીક ઉપર મળવાપાત્ર આનુસાંગિક એલાઉન્સ અને તેનું એરીયર્સ તા.૧/૧/ર૦૧૬ થી ચુકવી આપવાની રજુઆત એક વર્ષથી પેન્ડીંગ છે અને તે સંર્દભે તમામ વીજ કંપનીઓના ૪પ થી પ૦ હજાર કર્મચારીઓ-અધીકારીઓ દ્વારા તા.ર૧મીની હડતાલ અંગે માસસીએલ મુકવામાં આવી છે, અને લડતને પ્રચંડ પ્રતિસાદ મળેલ છે તેમ પત્રકાર પરીષદમાં જીબીઆની સેક્રેટરી જનરલ શ્રી બી.એમ. શાહે પત્રકારોને જણાવ્યું હતું, પત્રકાર પરીષદમાં અન્ય માન્ય વિજ યુનિયનોએ જીવિકાસના શ્રી બળદેવ પટેલ, વીજળી કર્મચારી મહામંડળના સી.એ.જી.મીર્જા, તથા અન્ય આગેવાનો આર.આર.ખત્રી, એમ.એન. રાઠોડ, જે.કે. ભાયાણી, મહેશ દેશાણી, જે.યુ.ભટ્ટ, આર.બી.સાવલીયા, ગીરીશ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનોએ આંદોલનની રૂપરેખા આપતા જણાવેલ કે કાલે ર થી ૩ાા દરમિયાન ગુજરાતની તમામ વીજ કચેરી સામે સૂત્રોચ્ચાર તા.૧૭ થી ર૦ દરમિયાન તમામ વીજ કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરશે, અને ર૧મીએ પપ હજાર કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે.

પત્રકાર પરીષદમાં કહેવાયુ હતું કે તા.ર૧ના રોજ ટેકનીકલ કર્મચારીઓ-ઇજનેરો-અધીકારીઓ-કર્મચારીઓના આંદોલનના કારણે સમગ્ર રાજયની ઔદ્યોગીક શાંતિ જોખમાય-વીજ ગ્રાહકોને નુકશાન થાય, વીજ પુરવઠાની ગંભીર સમસ્યા ઉભી થાય અને લોકોને જે કોઇ અગવડ પડે તે માટેની તમામ જવાબદારી સરકાર અને જીયુવીએનએલ મેનેેજમેન્ટની રહેશે.

ગુજરાતની તમામ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા વીજકર્મચારીઓ અને વીજ અધિકારીઓને સાતમાં વેતનપંચની અમલવારી વર્ષ ર૦૧૭માં કરવામાં આવેલ છે અને તે સમયે ફકત નવા બેઝીક પગાર મંજુર કરવામાં આવેલ હતા, પરંતુ જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે થયેલ છઠ્ઠા પગાર પંચની અમલવારી સમયે થયેલ ર (પી) કરાર મુજબ આગામી પગાર ધોરણ કરાર મુજબ કરવાનું જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે નકકી થયેલ. પરંતુ નવા બેઝીક ઉપર વીજ કર્મચારીઓ અને વીજ અધિકારીઓને તા.૦૧/૦૧/ર૦૧૬ થી મળવાપાત્ર એલાઉન્સ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી કર્મચારીઓના હકકના લાભો મંજુર કરવામાં આવેલ નથી, આ પ્રશ્નના અનુસ઼ધાને તા.૦૬/૦૬/ર૦૧૯ ના રોજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીતિયર્સ એસોસીએશન દ્વારા સંયુકત સમિતિ દ્વારા હડતાલની નોટીસ આપેલ હતી. જે તે સમયે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા નવા પગાર ઉપર મળવા પાત્ર એલાઉન્સ અને તેના એરીયર્સ સહિતની રકમ તારીખ ૦૧/૦૧/ર૦૧૬ થી ચુકવવાપાત્ર છે. જે જીયુવીએનએલ બોર્ડ દ્વારા મંજુર કરી ગુજરાત સરકારની મંજુરીમાં મોકલી આપેલ છે જેમાં ગુજરાત સરકારના માનનીય ઉર્જામંત્રી સાથે બંને યુનિયન અને એસોસીએશનના માનનીય પ્રમુખશ્રી અને સંયુકત સંકલન સમિતિના હોદેદારો સાથે તમામ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં મીટીંગ કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવતા અને આગામી બે મહિનામાં એરીયર્સની રકમ ચુકવણી કરી આપવાની ખાત્રી આપેલ હતી. આથી ગુજરાત ઉર્જા સયુંકત સંકલન સમિતિ દ્વારા જે તે સમયે લડત મુલત્વી રાખવામાં આવેલ હતી.

(4:43 pm IST)