Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

શ્રી સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલમાં, દક્ષિણ દિનાજપુર (વેસ્ટબેંગાલ)ના કોર્નલિઅસ શૈલેષનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

રાજકોટઃ ''દિલ વિધાઉટ બીલ''ના નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડયું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજયોના ગરીબ હૃદયરોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષથી મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડ રોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામૂલ્યે ઓપરેશન થાય છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, ર્માં યોજના તથા આયુષ્માન ભારત યોજનાનો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે.

આવાજ એક દર્દી કોર્નલિઅસ શૈલેષ હરૂદર (ઉ.વ.૫૨, સેમપુર, તા.પોરહારા, જી. દક્ષિણ દિનાજપુર વેસ્ટબેંગાલ) કે જેઓ છેલ્લા ૧૦ વર્ષોથી રાજકોટની મેટોડા ઈન્ડસ્ટ્રીયલમાં આવેલ એક ફેકટરીમાં નોકરી કરે છે. તેઓને હૃદયરોગનો ખુબ જ ગંભીર હુમલો આવ્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે હૃદયનો વાલ્વ પણ લીક કરતો હતો અને હૃદયનું પમ્પીંગ માત્ર ૨૦ ટકા થી ૨૫ જેટલું જ કાર્યશીલ હતું. ઉપરાંત હૃદયની ત્રણ નળીઓ પણ બંધ હતી.

આથી ફેકટરીના માલિકે તેઓને શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે જવા જણાવેલ કારણ કે આવું જટીલ ઓપરેશનમાં થનાર ખર્ચને પેશન્ટ ભોગવી શકે તેમ ન હતું. આથી જયારે આ પેશન્ટ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે આવ્યા ત્યારે તેમના જરૂરી રિપોર્ટ કરી ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ દર્દીનો વાલ્વ બદલવામાં આવ્યો હતો સાથે નળી બંધ હતી તેનું બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ખુબ જ જટિલ હૃદયનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવામાં આવેલ હતું અને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ થયે તા.૧૩/૧/૨૦૨૧ના રોજ રજા આપવામાં આવી હતી.

આમ બાબાનાં આશીર્વાદથી આ દર્દીનું ખુબ જ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક કરીને દર્દીને નવું જીવન પ્રાપ્ત થયું છે.

(4:43 pm IST)