Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટમાં પતંગ લૂંટતી વખતે ટ્રેનની ઠોકરે ચડતાં ૧૬ વર્ષના ભુપતનું મોતઃ પતંગના દોરાથી ઇજાના ૪૫ બનાવો

કોઠારીયા સોલવન્‍ટ નારાયણનગરના ભરવાડ પરિવારનો મકરસંક્રાંતિનો તહેવાર શોકમાં પરિણમ્‍યોઃએકનો એક લાડકવાયો ગુમાવતાં અરેરાટી : સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગ, મીની ઓપરેશન થિએટરમાં તબિબ-નર્સિંગ સ્‍ટાફ સતત ખડેપગે રહ્યો

પતંગ લૂંટતી વખતે મોતને ભેટેલો ૧૬ વર્ષનો ભુપત
ઉતરાયણને દિવસે રાજકોટમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા ત્રીસથી વધુ લોકોએ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી. ઘણાએ ખાનગીમાં સારવાર લીધી હતી.
રાજકોટ તા. ૧૫: પતંગના પર્વ મકરસંક્રાંતિનો રાજકોટના લોકોએ ઉત્‍સાહભેર આનંદ માણ્‍યો હતો. પરંતુ કેટલાક માટે આ તહેવાર શોક-વ્‍યથા-તકલીફનું કારણ બન્‍યો હતો. કોઠારીયા સોલવન્‍ટ નારાયણનગરના ભરવાડ પરિવારનો એકનો એક ૧૬ વર્ષનો દિકરો પતંગ લૂંટતો હતો ત્‍યારે ટ્રેન આવી જતાં ઠોકરે ચડી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજતાં પરિવારની તહેવારની ખુશી ગમગીનીમાં પરિણમી હતી. બીજી તરફ પતંગના દોરાથી નાક, ગળા, હાથ, મોઢા, દાઢી સહિતના ભાગો પર ઇજાઓ થવાના પણ અનેક બનાવ બન્‍યા હતાં. સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં સતત સવારથી મોડી સાંજ સુધી આવા ઘાયલો આવતાં બાજુમાં જ મીની ઓપરેશન થિએટરમાં ઇએનટી તબિબ અને નર્સિંગ સ્‍ટાફ દ્વારા તત્‍કાલ સારવાર અપાઇ હતી. રાત સુધીમાં ૩૪થી વધુ લોકોને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અપાઇ હતી. ખાનગી હોસ્‍પિટલમાં પણ ઘણાએ સારવાર લીધી હતી. અંદાજે ૪૫ જેટલાને દોરાથી ઇજા થઇ હતી.
પતંગ લૂંટતી વખતે ભુપતને મોત મળ્‍યું
જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા સોલવન્‍ટના નારાયણનગર-૭માં રહેતો ભુપત ધુળાભાઇ જોગરાણા (ઉ.વ.૧૬) નામનો ભરવાડ તરૂણ મકરસંક્રાંતિને દિવસે સવારે દસેક વાગ્‍યે ઘર નજીક રેલ્‍વે સ્‍ટેશન પાસે પાટા પર પતંગ લૂંટતો હતો ત્‍યારે અચાનક ટ્રેન આવી જતાં ધ્‍યાન ન રહેતાં ઠોકરે ચડી જતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના વી. બી. સુખાનંદી અને ટીમે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ભુપત ધોરણ-૮માં ભણતો હતો. તેના પિતા ધુળાભાઇ છુટક મજૂરી કરે છે. ભુપત તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.
દોરાએ કર્યા લોહીલુહાણ
મકરસંક્રાંતના પર્વના દિવસે પતંગના ધારદાર દોરાએ અનેકને ઘાયલ કર્યા હતાં.  સિવિલ હોસ્‍પિટલમાં સવારથી સાંજ સુધી આવા દર્દીઓની આવક રહી હતી. ઇમર્જન્‍સી અને મીની ઓપરેશન થિએટરમાં તબિબો, ઇએનટી સર્જન, નર્સિંગ સ્‍ટાફ અને અન્‍ય સ્‍ટાફે સતત ખડેપગે રહી ઘાયલોની સારવાર કરી હતી. જે ત્રીસને દોરાથી ઇજા પહોંચી હતી તેના નામો આ મુજબ છે. વિજય વસંતભાઇ (ઉ.૫૩-મોરબી રોડ), વિનોદ શીતુ ભાભોર (ઉ.૨૨-રેલનગર), મહેન્‍દ્રભાઇ શાંતિલાલ (ઉ.૫૨-પંચાયતનગર), ચેતન ગોરધનભાઇ (ઉ.૧૪-અવધના ઢાળીયા પાસે), નિરવ કિશોરભાઇ (ઉ.૨૦-કુંભારવાડા), રત્‍નાભાઇ જીણાભાઇ (ઉ.૫૦-રાજકોટ), ગિરીશ પ્રવિણભાઇ (ઉ.૨૦-રાજકોટ), યેન્‍કરભાઇ (ઉ.૨૨-રાજકોટ), નિલેષ ગમારા (ઉ.૩૫-રાજકોટ), મનસુખભાઇ કુરજીભાઇ (ઉ.૬૦-રાજકોટ), રામભાઇ (ઉ.૭૦-ગોવર્ધન ચોક), સેજુબેન રમેશ (ઉ.૭-માધાપર), હસમુખભાઇ નાનાભાઇ ડાંગર (ઉ.૪૫-ભગવતીપરા), મનોજ ખોડાભાઇ ગોહેલ (ઉ.૨૧-તોપખાના), અજય રામેશ્વર (ઉ.૨૦-પાણીના ઘોડા પાસે), હેતવી નિતીનભાઇ (ઉ.૪-હુડકો પોલીસ ચોકી પાસે), સોહિલ મજીદભાઇ (ઉ.૩૦-ભગવતીપરા), જય રાજશેભાઇ (ઉ.૨૫-અક્ષર એપાર્ટમેન્‍ટ), સત્‍યનારાયણ રામમેવાસ (ઉ.૨૪-રાજનગર), ધીમહી સંજયભાઇ (ઉ.૧૬-રામેશ્વર પાર્ક), આકા બામરોલીયા (ઉ.૨૦-કુબલીયાપરા), વિઠ્ઠલ મોહનભાઇ (ઉ.૨૮-ઘંટેશ્વર પાસે), સુનિલભાઇ સાવલીયાનો પુત્ર (ઉ.૧૬-શિવમ્‌ પાર્ક), કાજલબેન દેવાભાઇ ડોડીયા (પોલીસ કર્મચારી), (ઉ.૩૧-રામનાથપરા), અનિલભાઇ પરમાર (ઉ.૬૦-કુવાડવા રોડ ડી માર્ટ પાછળ), નીતાબેન હીરાભાઇ ચાવડા (ઉ.૩૫-મહિકા), પ્રતિક પીઠવા (ઉ.૩૫-ગોપવંદના સોસાયટી), કાંતિભાઇ સાગઠીયા (ઉ.૫૦-મવડી) અને અનૈયા આરિફભાઇ (ઉ.૬-મોરબી રોડ)નો સમાવેશ થાય છે.
 આ તમામને પતંગના દોરાથી ગળા, નાક, દાઢી, કપાળ, ગાલ સહિતના ભાગો પર ઇજા થતાં મીની ઓપરેશન થિએટરમાં તત્‍કાલ સારવાર અપાઇ હતી.
ધાબેથી પડી જતાં  બાળકો સહિત ચારને ઇજા
ઉતરાયણના તહેવારને દિવસે અગાસીમાં જ અને અગાસી પરથી પડી જવાના બનાવોમાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં વાંકાનેર આરોગ્‍યનગરમાં યશ્‍વી વિશાલભાઇ ચુડાસમા (ઉ.૨)ને અગાસીએથી પડી જતાં ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. દેવપરા અંકુર સોસાયટીમાં માહિર મહેબૂબભાઇ બોરસંદીયા (ઉ.૩) અગાસીથી નીચે વોશીંગ મશીન પર પટકાતાં ઇજા થઇ હતી. સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગરમાં અનિષ મહેશભાઇ છાબડા (ઉ.૨૦) પાંચમા માળે ધાબા પર જ બીજા નાના ધાબા પર પટકાતાં ઇજા થઇ હતી.  જ્‍યારે બગસરામાં મેઘાણી હાઉસ પાસે રહેતાં સંદિપ મોહનભાઇ એપા (ઉ.૧૨)ને અગાસીએથી પડી જતાં ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

 

(12:24 pm IST)