Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ભગવતીપરાના રાજેશ જીલરીયાને બોરીચા બંધુ સાગર અને યોગેશે છરીના ઘા ઝીંક્‍યા

તારા ફઇના દિકરાએ ૨૦ હજાર લીધા છે, તારુ વાહન ગિરવે મુકીને તું રકમ આપી દે...

રાજકોટ તા. ૧૫: ભગવતીપરામાં રહેતાં બોરીચા આહિર યુવાનના ફઇના દિકરાએ કોઇ પાસેથી રૂા. ૨૦ હજાર લીધા હોઇ આ રકમની ઉઘરાણી મામલે ભગવતીપરાના જ બોરીચા બંધુએ ઝઘડો કરી ‘તારુ વાહન ગિરવે મુકીને પૈસા આપી દે' કહી ગાળો દઇ છરીથી હુમલો કરી ઇજા કરતાં ઘાયલ યુવાન હોસ્‍પિટલના બિછાને પહોંચ્‍યો હતો.
ગુરૂવારે રાતે બનેલા આ બનાવમાં પોલીસે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલા ભગવતીપરા બોરીચા સોસાયટી-૨ શ્રી યદુનંદન ચોક રામજી મંદિર પાસે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રાજેશ જગદીશભાઇ જીલરીયા (બોરીચા આહિર) (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી ભગવતીપરાના જ બે ભાઇઓ સાગર બાબુભાઇ માવલા (બોરીચા) અને યોગેશ બાબુભાઇ માવલા સામે ગુનો નોંધ્‍યો છે.
રાજેશે પોલીસને જણાવ્‍યું હતું કે મારા ફઇના દિકરા રોહને આરોપી સાગરના મિત્ર એવા કોળી શખ્‍સ પાસેથી રૂા. ૨૦ હજાર લીધા હતાં. આ કારણે સાગરે મને ફોન કરીને ભગવતીપરાના ત્રિમુર્તી ચોકમાં મોમાઇ પાન પાસે આવવાનું કહેતાં હું તેને મળવા માટે મારું ટુવ્‍હીલર લઇને ગયો હતો. સાથે રોહન પણ હતો.
આ વખતે સાગર સાથે તેનો ભાઇ યોગેશ પણ હતો. સાગરે ‘તારા ફઇના દિકરાએ મારા મિત્ર પાસેથી ૨૦ હજાર લીધા છે એ રકમ તે પાછી આપી શક્‍યો ન હોઇ હવે તું તારું આ વાહન કોઇ પાસે ગિરવે મુકીને મને ૨૦ હજાર આપી દે' તેમ કહેતાં મેં તેને કહેલું કે મેં રૂપિયા નથી લીધા એટલે હું શા માટે મારુ વાહન ગિરવે મુકીને પૈસા આપુ? આ વાત કરતાં સગાર ઉશ્‍કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડયો હતો. આથી મારો ફઇનો દિકરો રોહન સાગરને સાઇડમાં લઇ જઇ સમજાવતો હતો ત્‍યાં યોગેશ માવલાએ પેન્‍ટના નેફામાંથી છરી કાઢી હુમલો કરતાં મને ડાબા કાંડા, ડાબા કાન પાછળ ઇજા થઇ હતી. છરી પકડવા જતાં નાભીની ઉપરના ભાગે એક છરકો થઇ ગયો હતો.
હુમલો કરી સાગર અને યોગેશ ભાગી ગયા હતાં. મને ઇજા થઇ હોઇ રોહને હોસ્‍પિટલમાં ખસેડયો હતો. તેમ વધુમાં રાજેશે જણાવતાં બી-ડિવીઝનના હેડકોન્‍સ. એચ. જે. જોગડાએ ગુનો નોંધ્‍યો હતો. આરોપીઓને પકડી લેવા તપાસ થઇ રહી છે.

 

(1:17 pm IST)