Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

બેડી ચોકડી મઢુલી હોટલ પાસે મારામારીમાં રવિરાજસિંહને ઇજાઃ ઝઘડો જોવા ગયેલા અનિલનો હાથ ભાંગી નાંખ્‍યો

અનિલની ફરિયાદ પરથી રવિરાજસિંહ સહિત ત્રણ સામે અને રવિરાજસિંહની ફરિયાદ પરથી શૈલેષ સહિતના સામે ગુનો : ગોૈશાળાની જગ્‍યાનો વિવાદ થયાની સ્‍ટોરી રવિરાજસિંહે ઉભી કરીઃ બાદમાં પંચરની દૂકાને માથાકુટ કરતાં શખ્‍સોને સમજાવવા જતાં મારામારી થયાનું જણાવ્‍યું

મારામારીમાં ઘાયલ થયેલા અનિલ અને રવિરાજસિંહ
રાજકોટ તા. ૧૫: બેડી ચોકડી નજીક આવેલી રાધે રાધે ગોૈશાળા અને મઢુલી હોટેલ પાસે મકર સંક્રાંતીને દિવસે મારામારી થતાં હોટેલ સંચાલક અને અહિ નજીકમાં સગાને ત્‍યાં આવેલા રોણકીના યુવાનને ઇજા થતાં બંનેને હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જેમાં રોણકીના યુવાના હાથ-પગ ભાંગી ગયા હતાં. પંચરની દૂકાને માથાકુટ થતી હોઇ ત્‍યાં મઢુલી હોટલવાળા યુવાન સહિતના ઠપકો આપવા જતાં ડખ્‍ખો થયો હતો. જેમાં રોણકીનો વાળંદ યુવાન ઝઘડો જોવા જતાં તેના પર હુમલો થયો હતો.
જાણવા મળ્‍યા મુજબ મોરબી રોડના રતનપરમાં રહેતો રવિરાજસિંહ દિલીપસિંહ સોઢા (ઉ.વ.૨૪) સંક્રાંતને દિવસે બેડી ચોકડીએ આવેલી પોતાની મઢુલી હોટેલ પર હતો ત્‍યારે આ હોટેલ નજીક ટાયર પંચરની દૂકાને ત્રણ ચાર શખ્‍સો માથાકુટ કરતાં હોઇ રવિરાજસિંહ સહિતના ત્‍યાં માથાકુટ નહિ કરવા સમજાવવા જતાં તેના પર શૈલેષ રીબડીય, સંજય સહિતનાએ હુમલો કરી ધોકા પાઇપ ફટકારતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
જ્‍યારે રોણકી ગામે રહેતો અને નવાગામમાં વાળંદ કામની દૂકાન ધરાવતો અનિલ કાનજીભાઇ ચોૈહાણ (વાળંદ) (ઉ.વ.૨૧) પણ પોતાને ગોૈશાળા પાસે અજાણ્‍યા શખ્‍સોએ પાઇપથી ફટકારતાં ઇજા થયાની રાવ સાથે ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં પહોંચતા દાખલ કરાયો હતો.  હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા તથા ડી. ડી. જાડેજાએ હોસ્‍પિટલે પહોંચી અનિલની ફરિયાદ પરથી રવિરાજસિંહ સોઢા, હિતેષ ઝીંઝુવાડીય અને જયેશ સામે ગુનો નોંધ્‍યો હતો. અનિલના કહેવા મુજબ પોતે વેલનાથપરામાં સગાને ત્‍યાં આવ્‍યો હતો. એ દરમિયાન મઢુલી હોટેલ પાસે ઝઘડો થતો હોઇ પોતે જોવા જતાં પોતાને રવિરાજસિંહ સહિતનાએ પોતે અજાણ્‍યા શખ્‍સોની સાથે હોવાનું સમજી પાઇપના ઘા ફટકારતાં હાથ-પગમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી.
સામા પક્ષે રવિરાજસિંહ સોઢાની ફરિયાદ પરથી શૈલેષ વાલજીભાઇ રીબડીયા, શૈલેષ રીબડીયા, શૈલેષનો મિત્ર રજાકભાઇ અને સંજય દેત્રોજા સામે હુમલો કરાયાનો ગુનો દાખલ કરાયો છે. રવિરાજસિંહે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેની હોટેલ નજીક પંચરની દૂકાને શૈલેષ સહિતના ઝઘડો કરતાં હોઇ પોતે છોડાવવા જતાં પોતાના પર હુમલો થયો હતો.
ઘાયલ રવિરાજસિંહ સોઢાએ પહેલા તો પોતાના ભાઇ સંચાલીત રાધેરાધે ગોૈશાળાની જમીન પચાવી પાડવા મામલે અજાણ્‍યા શખ્‍સોએ ડખ્‍ખો કરી હુમલો કર્યની કહાની જણાવી હતી. પરંતુ પોલીસની વિશેષ પુછતાછમાં પંચરની દૂકાન પાસે માથાકુટ કરતાં શખ્‍સોને સમજાવવા જતાં હુમલો થયનું ખુલ્‍યું હતું.

 

(1:19 pm IST)