Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

આરપીએફના પીએસઆઇ બલરામ ફોજદાર ૭ દિ'થી ગૂમઃ પત્‍નિ અમૃતા ફોજદારના આક્ષેપો

કોઠારીયા રોડ ગુલાબનગરમાં રહેતાં અધિકારી ગત છઠ્ઠીએ ઘરેથી મીટીંગમાં જવાનું કહીને નીકળ્‍યા'તા : રજા સહિતના મુદ્દે હેરાનગતિ હોવાના પત્‍નિના આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ ગૂમ થયેલા પીએસઆઇ બલરામ ફોજદાર અને અધિકારીઓ વિરૂધ્‍ધ આક્ષેપો કરનારા તેમના પત્‍નિ અમૃતાબેન ફોજદાર

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ પર ગુલાબનગરમાં આલીશાન એપાર્ટમેન્‍ટમાં ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧માં રહેતાં અને આરપીએફમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં બલરામ માનસીંગભાઇ ફોજદાર (ઉ.વ.૩૮) ગત તા. ૬ જાન્‍યુઆરીના રોજ ઘરેથી ઓફિસે મિટીંગમાં જવાનું કહીને નીકળ્‍યા બાદ બપોરે જમવા ન આવતાં અને ફોન પણ બંધ થઇ જતાં પત્‍નિ શ્રીમતી અમૃતા ચોૈધરીએ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ પત્તો ન મળતાં ભક્‍તિનગર પોલીસ મથકમાં પતિ ગૂમ થયાની નોંધ કરાવી હતી. આટલા દિવસો થઇ ગયા હોવા છતાં ગુજરાત પોલીસ અને રેલ્‍વે પોલીસ ગંભીરતાથી કોઇ કાર્યવાહી કરતી નહિ હોવાના આક્ષેપો આજે પત્‍નિએ કર્યા છે. જેમાં ઉચ્‍ચ અધિકારીઓ સામે પણ આક્ષેપો થયા છે. આવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
આરપીએફના પીએસઆઇ બલરામ ચોૈધરી ૬/૧/૨૨ના સવારે નવ વાગ્‍યે ઘરેથી નીકળ્‍યા બાદ ગૂમ થયા હતાં. એક દિવસ પોતાની રીતે તપાસ કર્યા બાદ બીજા દિવસે ૭મીએ પત્‍નિ અમૃતાબેન બલરામભાઇ ફોજદારએ ૭/૧ના રોજ ભક્‍તિનગર પોલીસમાં પતિ ગૂમ થયાની નોંધ કરાવતાં હેડકોન્‍સ. સલિમભાઇ બી. મકરાણીએ ગૂમની નોંધ લખી તપાસ શરૂ કરી હતી.
ગૂમ નોંધમાં લખાવાયું છે કે પીએસઆઇ બલરામ ફોજદાર વાને રૂપાળા છે, ઉંચાઇ પાંચ ફુટ આઠ ઇંચ છે, શરીરે મધ્‍યમ બાંધાના છે. ઘરેથી નીકળ્‍યા ત્‍યારે બ્‍લુ જીન્‍સ અને ચેક્‍સ લાઇનીંગ વ્‍હાઇટ શર્ટ પહેર્યો હતો. જમણી સાઇડના ગાલ પર તલ છે. ઓફિસે મિટીંગમાં જવાનું કહીને નીકળ્‍યા હતાં.
દરમિયાન સાત દિવસ વીતી જવા છતાં પતિનો પત્તો ન મળતાં આજે પત્‍નિ શ્રીમતિ અમૃતાબેન ફોજદારે મિડીયા સમક્ષ પોલીસની નબળી કામગીરી અંગે રોષ ઠાલવ્‍યો હતો. પોતાના પતિને આરપીએફના અને રેલ્‍વેના અધિકારીઓ દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતાં.
ભક્‍તિનગર પોલીસે ગૂમ નોંધને આધારે પીએસઆઇ બલરામ ફોજદારના પત્‍નિનું નિવેદન નોંધતા પોલીસને એવી માહિતી મળી હતી કે અગાઉ પીએસઆઇ બલરામ ફોજદાર મુંબઇમાં નોકરી પર હતાં. એ વખતે તેમને પીઆઇનું પ્રમોશન મળ્‍યું હતું. ત્‍યારબાદ તેમણે છ દિવસની રજા લીધી હતી. એ રજા પુરી થઇ ગઇ છતાં તેઓ હાજર થયા નહોતાં. ચાર ચાર વખત આરપીએફ દ્વારા નોટીસ મોકલાઇ હતી એ નોટીસ પણ તેમણે સ્‍વીકારી લીધી હતી. એ પછી પણ તેઓ હાજર ન થતાં અગાઉની એક તપાસના ભાગ રૂપે તેમને પીઆઇમાંથી રિવર્ટ કરી પીએસઆઇ બનાવી દેવાયા હતાં. ત્‍યારબાદ તેઓની રાજકોટ બદલી થઇ છે. પીઆઇ કક્ષાના અધિકારી ગૂમ થઇ જાય એ વાત ગળે ઉતરતી ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.


 

(4:07 pm IST)