Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

આજથી રાજકોટ - શહેર જિલ્લામાં કોરોના વેકસીનનો બીજો ડોઝ

આજે પ્રથમ દિવસે જસદણ - ગોંડલ - જેતપુરમાં ૩૦૦ લોકોને બીજો ડોઝ કોવીશીલ્ડનો અપાશે : ૨૮ દિવસમાં જિલ્લામાં ૭II હજાર લોકોને રસી અપાઇ : આ બધાને હવે ક્રમાનુસાર બીજા ડોઝ માટે SMS મોકલવાનું શરૂ : કોરોના રસીએ જીનેટીકલ મોડીફાઇડ વાયરસ છે : જે શરીરમાં મલ્ટીફિકેશન ન થાય... રોગ પ્રતિકારક શકિત વધે તેનું કામ આ રસી કરે છે : જેને કોરોનાનું એકટીવ ઇન્ફેકશન છે તેને રસી નથી અપાતી : જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ તા. ૧૫ : કોરોના સામે જંગ ઝીલવા ભારત સરકારે કોવીશીલ્ડ કોરોના વેકસીનનો આવિષ્કાર કર્યો અને તેમાં જબરી સફળતા મળી, આજથી ૨૮ દિવસ પહેલા આ રસીનો પ્રથમ ડોઝ ગુજરાતભરમાં અપાયો હતો. રાજકોટ શહેર - જિલ્લામાં પણ આ કોવીશીલ્ડ રસીને પ્રથમ ડોઝ અપાયો હતો. ૨૮ દિવસ પહેલા રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે તો કોર્પોરેશને પાંચ સ્થળે આ રસી આપવા માંડયા હતા.

દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેશ ભંડેરીએ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી બીજો ડોઝ જેમને પહેલા અપાયો તેમને આપવાનું શરૂ થયું છે, જેમને ૨૮ દિવસ પુરા થયા એવા ૩૦૦ લોકોને જસદણ - ગોંડલ - જેતપુરના આરોગ્ય કેન્દ્રમાં રસીના બીજા ડોઝ માટે બોલાવાયા છે, દરરોજ ક્રમાનુસાર બીજા ડોઝ માટે જે તે વ્યકિતને SMS મોકલવાનું શરૂ કરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, ૨૮ દિવસમાં કોવીશીલ્ડની રસીના કુલ ૭ાા હજાર લોકોને ડોઝ અપાયો છે, જેમાં ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરો, શિક્ષકો, પોલીસ સ્ટાફ, તલાટીઓ, આંગણવાડી કર્મચારીઓનો સમાવેશ થાય છે.

આ કોવીશીલ્ડના રીએકશન અંગે તેમણે જણાવેલ કે, એવી કોઇ ગંભીર ફરીયાદ નથી આવી, સામાન્ય તાવ આવ્યાના રીપોર્ટ કોઇ કોઇના મળ્યા છે.

આ વેકસીન શું છે અને તેમાં શેની માત્રા કે દવા હોય છે, તે અંગે ડો. મીતેશ ભંડેરીએ 'અકિલા'ને જણાવેલ કે, આ રસીમાં જીનેટીકલી મોટીફાઇડ વાયરસ હોય છે, જે મૃતપાય વાયરસ હોય છે. આ વાયરસ - શરીરમાં મલ્ટીફિકેશન ન થાય તેનું કામ કરે છે, શરીરમાં રોગપ્રતિકારક શકિત આ રસી વધારે છે.

જેમને કોરોના વાયરસ છે, હાલ થયો છે, તેવા એકટીવ ઇન્ફેકશનવાળા એક પણ કેસોને આ રસી હાલ નથી આપવાની તેમ ડો. ભંડેરીએ ઉમેર્યું હતું.

દરમિયાન પુરવઠાના દુકાનદારો અને કર્મચારીઓ કે જેઓ રાશનીંગ દુકાનો ઉપર પહોંચાડે છે, તે લોકોને કયારે રસી આપવાની તે અંગે ડો. ભંડેરીએ જણાવેલ કે, સરકારે રેવન્યુ કર્મચારીઓની સાથે સસ્તા અનાજના દુકાનદારોને હાલ આવર્યા નથી, આ લોકો અંગે રાજ્યનું મહેસૂલ ખાતુ કે પુરવઠા વિભાગ જણાવી શકે છે.

(3:22 pm IST)