Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

તબિબે નવજાત દિકરી માટે કહ્યું આનો અવાજ મને જરાય નથી ગમતો, ઉંઘ બગાડે છે...છેલ્લે પત્નિને કહ્યું હવે તારી જરૂર નથી

સાસુના મેણા-તારે તો નંબરના ચશ્મા છે તું બાડી છો, મારો દિકરો ડોકટર છે તેને કોઇ ખોડખાપણ નથી... :બબ્બે વખત ગર્ભપાત થઇ ગયોઃ ત્રીજી વાર સગર્ભા થઇ તો સાસુએ કહ્યું-દિકરો જ આવવો જોઇએઃ અમરેલી સાસરૂ ધરાવતી અમરીન ભટ્ટી રાજકોટ માવતરે આરામ માટે આવ્યા બાદ હવે પતિ તેડવા જ નથી આવતોઃ પતિ-સાસુ-સસરા-બે નણંદો સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૫: અમરેલી સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ માવતરે રહેતી પરિણિતાએ તબિબ પતિ તથા સાસુ, સસરા, બે નણંદો વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ કરી છે. પતિએ નવજાત દિકરી રડતી હોઇ તેનો અવાજ પોતાને જરાય ગમતો નથી કહી ધક્કો મારતાં અને છેલ્લે પોતાને માવતરે આરામ કરવા મોકલ્યા બાદ ફોન કરી હવે તારી અહિ કંઇ જરૂર નથી તેમ કહી દેતાં સમાધાનના પ્રયાસો કરવા છતાં પોતાને પરત સાસરે લઇ જવામાં ન આવતાં અંતે ફરિયાદ નોંધાવાયાનું જણાવાયું છે. સાસુએ પણ સતત તું બાડી છો, તારે દિકરો જ આવવા જોઇએ એ સહિતના મેણા માર્યાનો આરોપ મુકાયો છે.

મહિલા પોલીસે આ બનાવમાં હાલ મુંજકા ક્રાઇસ્ટ કોલેજ રોડ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી નગર ગુ.હા. બોર્ડ કવાર્ટર બી-૪૦૧/૪૧૬ ખાતે માવતરે રહેતી અમરીન વસીમ ભટ્ટી (પીંજારા) (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી અમરેલી બહારપરા સંતોષીમાતાના મંદિર પાસે રહેતાં પતિ વસીમ હારૂનભાઇ ભટ્ટી, સાસુ યાસ્મીનબેન, સસરા હારૂનભાઇ જુસબભાઇ ભટ્ટી, નણંદો તબસ્સુમ અને રાજકોટ રાજીવનગરમાં રેતી અન્ય નણંદ રૂકસાર સમીર ટાંક સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

અમરીને ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. મારા લગ્ન ૩૧/૧૨/૧૨ના રોજ જ્ઞાતિના રીતરિવાજ મુજબ અમરેલીના વસીમ સાથે થયા છે. લગ્ન બાદ અમે અમરેલી સંયુકત કુટુંબમાં રહેતાં હતાં. મોટા નણંદ નિલોફરના લગ્ન મારા લગ્નના બે વર્ષ પછી થયા છે. તે રાજકોટ રહે છે. મારે સંતાનમાં એક પુત્રી છે, જે હાલ મારી પાસે છે.

લગ્ન બાદ ઘરસંસાર એક જ મહિનો સારી રીતે ચાલ્યો હતો. મારે પ્રેગનન્સી રહેતાં સસરાએ કહેલું કે મારે તો પહેલા નાના બનવું છે, દાદા બનવું નથી. મારા મોટા નણંદ નિલોફરને લગ્નના બે વર્ષ થયા પછી પણ બાળક રહેતું ન હોઇ તેના કારણે સસરાએ મને ઠપકો આપેલ. મને પ્રેગનન્સી હોવા છતાં સાસુ-નણંદ પુરતુ જમવા આપતા નહિ અને બધુ કામ મારી પાસે કરાવતાં હતાં. પતિ જીવન જરૂરી ચીજવસ્તુઓ આપતા નહિ અને કહેતાં કે તું કમાતા શીખ, પછી વસ્તુ લેવાનું વિચારજે. ત્યાં સુધી હું રાખુ તેમ રહેવાનું.

સાસુ મેણા ટોણા મારતાં કે તારે તો નંબરના ચશ્મા છે, તું બાડી છો, મારો છોકરો ડોકટર છે અને તેને કોઇ ખોડખાપણ નથી. સાસુ અને નણંદો એક બીજાને ચડામણી કરી ઘરકામ સહિતની બાબતે મારા પતિને વાતો કરતાં જેથી પતિ મને માર મારી ગાળો આપતાં હતાં. સગર્ભાઅવસ્થામાં તબિયત બગડતાં મને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયેલ. ત્યાં અબોર્શન કરાવવાનું કહેવાતાં મને ત્યાંથી ચાવંડ સરકારી હોસ્પિટલે લઇ ગયેલ. જ્યાં મિસડિલીવરી થઇ ગઇ હતી. એ પછી મને એપેન્ડિકસ થઇ જતાં ડોકટરે આરામનું કહ્યું હતું. પણ સાસુ મને મુકી મહેસાણા રોકાવા જતાં રહ્યા હતાં. સાસુ આવ્યા બાદ સર્જરીનું કહેતાં પતિએ પૈસા નથી, તારી રીતે વ્યવસ્થા કર તેમ કહી દેતાં હું અગાઉ નોકરી કરતી ત્યાંથી મેં પૈસાની સગવડ કરી હતી.

ત્યારબાદ પતિની નોકરી રાજકોટ ખાતે થઇ હતી. એ પછી ફરીથી અમરેલી તાલુકા હેલ્થ કચેરીમાં મેડિકલ ઓફિસર તરીકે બદલી થતા઼ ફરી અમે મુળ વતન અમરેલી આવ્યા હતાં. ત્યારપછી પતિ અવાર-નવાર કહેતાં કે તારી હવે કંઇ જરૂર નથી, તે રાતે બે ત્રણ વાગ્યા સુધી મોબાઇલમાં ચેટ કરતાં અને કહેતાં કે તારી અને મારી દુનિયા અલગ છે. પણ હું ઘર ચલાવવા માંગણી હોઇ સહન કરતી હતી.

બીજીવાર સગર્ભા થઇ ત્યારે પણ આરામ ન કરવા દેવાતાં ત્રણ માસે ગર્ભપાત થઇ ગયો હતો. ત્રીજીવાર ગર્ભ રહેતાં સાસુએ કહેલું કે-તારા પેટે દિકરો જ આવવો જોઇએ. એ પછી સિમંત પ્રસંગ બાદ મને માવતરે ડિલીવરી માટે તેડી જવાઇ હતી. દિકરીના જન્મ બાદ મને સાસરિયે પરત તેડીગયેલ. રાતે દિકરી રડે તો પતિ ગુસ્સે થઇ જતાં અને ગાળો દઇ મને અને દિકરીને ધક્કો મારી કહેતાં કે મને છોકરીનો અવાજ ગમતો નથી, મારી ઉંઘ બગડે છે. તેમ કહી તે બીજા રૂમમાં જતાં રહેતાં હતાં. દોઢ વર્ષ સુધી આ રીતે મેં ત્રાસ સહન કર્યો હતો. પતિ પત્નિા રિલેશન પણ તે રાખતા ન હોઇ માનસિક આઘાત પણ મને લાગતાં ફિશરની તકલીફ થઇ ગઇ હતી. બેસાતુ નહિ  છતાં પાટલો રાખીને મને સાસરિયા કામ કરાવતા હતાં. છેલ્લે ૨૮/૮/૧૯ના રોજ પતિએ રાજીખુશીથી માવતરે આરામ કરવા મોકલી હતી. ત્યારબાદ તેણે ફોન કરીને કહી દીધું હતું કે હવે તારી અહિયા જરૂર નથી, પાછી આવીશ તો મારી નાંખીશ. સમાધાનના પ્રયાસો પણ સફળ ન થતાં અંતે ફરિયાદ કરવી પડી છે.

તેમ વધુમાં અમરીન ભટ્ટીએ જણાવતાં એએસઆઇ એન. જે. બેલીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:48 am IST)