Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કોર્પોરેશન ચૂંટણીઃ રવીવારે મતદાન ૭ વાગ્યે શરૂ થાય તેના ૧ કલાક પહેલા દરેક બૂથ ઉપર ફરજીયાત મોકપોલ પ૦-પ૦ મતો નખાશેઃ ગણત્રી થશે

સવારે ૮ વાગ્યાથી મતગણત્રીઃ પહેલા પોસ્ટલ બેલેટ-સર્વીસ વોટર્સના મતો ગણાશેઃ બાદમાં EVMના મતોની ગણત્રી... : મતગણત્રીમાં દરેક હોલમાં ૭-૭ ટેબલઃ દરેક મત ગણત્રી સ્થળે ૩૩ કાઉન્ટીંગ હોલ રાખવાની નોબત

રાજકોટ તા. ૧પઃ રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીનો ધમધમાટ ચાલુ છે, રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં છે, તો તંત્ર દ્વારા સ્ટાફની તાલીમ, ઇવીએમ તૈયારો કરવા, પોસ્ટલ બેલેટથી મતદાન, સર્વીસ વોટર્સથી મતદાન વિગેરે કાર્યવાહી અંતિમ તબકકામાં છે, કુલ ૧૮ વોર્ડ માટે ૬ જેટલા ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરો અને મતગણત્રી કેન્દ્રો ફાઇનલ કરી લેવાયા છે.

દરમિયાન મતદાન તા. ર૧ના રવિવારે ૭ થી સાંજે ૬ સુધી ચાલશે, આ માટે ર૦મીએ શનિવારે તમામ સ્ટાફ બૂથ ઉપર મોકલી દેવાશે, તમામ બૂથ ઉપર બે પોલીંગ ઓફીસર, એક પ્રિસાઇડીંગ ઓફીસર, કલાર્ક-પટ્ટાવાળા સહિત કુલ ૬નો સ્ટાફ રહેશે.

અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે રવિવારે મતદાન સવારે ૭ કલાકે શરૂ થાય તે પહેલા ૧ કલાક પહેલા છેક ૯૯૧ બૂથ ઉપર પક્ષોના ચૂંટણી એજન્ટોની હાજરીમાં ૧ કલાક મોકપોલ થશે, પ૦-પ૦ મતો નખાશે, આમ તો ૧૦૦-૧૦૦ મતો નાંખવાની ચૂંટણી પંચની સુચના છે, પરંતુ પ૦-પ૦ નો મતો નખાશે, અને તેની ગણત્રી થશે, જો એમાં બરોબર નો આવે તો તુર્ત જ EVM બદલાવી નખાશે. દરેક R.O. ને પોતાના બૂથના કુલ ઇવીએમના ૧૦ ટકા રીઝર્વ રાખવાના આદેશો થયા છે.

મતગણત્રી અંગે અધીકારીઓએ ઉમેર્યું હતું કે, આ માટે અલગથી જ સ્ટાફ રહેશે, એક ટેબલ પર ૪નો સ્ટાફ રખાશે, દરેક ટેબલ ફરતે બેરીકેટેડ અને જાળી રહેશે, આ સ્ટાફના ઓર્ડર હવે નીકળશે, મતગણત્રી સવારે ૮ વાગ્યે શરૂ થશે, પહેલા પોસ્ટલ બેલેટના વોટ, બાદમાં સર્વીસ વોટર્સના અને ત્યારબાદ ઇવીએમના વોટ ગણાશે. કોરોના સંદર્ભે આ વખતે ચૂંટણી પંચે દરેક હોલમાં ૭-૭ ટેબલ ઉપર જ મતગણત્રી રાખવાની સૂચના આવી હોય, દરેક મણગણત્રી એક સ્થળેથી એકથી વધુ હોલ રહેશે, અને વોર્ડના ક્રમાનુસાર ગણત્રી થશે, એક વોર્ડ પૂર્ણ થયા બાદ તેમના ચૂંટણી એજન્ટને ગણત્રી કેન્દ્રની બહાર કઢાશે, બીજાને એન્ટ્રી અપાશે, અને બાદમાં ગણત્રી થશે, આ વખતે રીઝલ્ટ આવતા સંભવત ૩ થી ૪ કે તેથી મોડુ થશે તેમ દરેક R.O. ઉમેરી રહ્યા છે.

(12:48 pm IST)