Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પરિવારની સંમતિ વિના લવમેરેજ કરતા જમાઈની હત્યાના ગુનામાં બે મહિલા આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટના ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતા રાહુલ સોલંકીએ અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરતા યુવતીના માવતરીયાઓ દ્વારા રાહુલ તથા તેની માતા પર જીવલેણ હુમલો કરાતા રાહુલનું મોત નિપજેલ હોવાથી નોંધાયેલ ફરીયાદના કામે ધરપકડ કરાયેલ બે આરોપીઓના જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ચંદ્રેશનગર મેઈન રોડ બહુચર વિદ્યાલય પાસે અમરનગર-૧ મા રહેતા રાહુલ પ્રદિપભાઈ સોલંકીએ દિવ્યા દિનેશભાઈ બોહકીયા નામની યુવતી સાથે બનાવના છ મહિના અગાઉ લવમેરેજ કરેલ હતા અને બન્ને સાથે રહેતા હતા તે દરમ્યાન તા. ૨૯-૮-૨૦૨૦ના રોજ સવારના આઠેક વાગ્યે રાહુલ તથા તેના પત્ની દિવ્યા તથા તેમની માતા અંજુબેન અને પરિવારજનો પોતાની ઘરે હતા તે અરસામાં દિવ્યાના માવતરપક્ષના આરોપીઓ જેમાં તેના માતા (૧) ઈલાબેન દિનેશભાઈ બોહકીયા (૨) સંધ્યાબેન દિનેશભાઈ બોહકીયા તથા (૩) દિવ્યાનો ભાઈ રવી દિનેશભાઈ બોહકીયા, (૪) સુભાષ દિનેશભાઈ બોહકીયા (૫) દિવ્યાના મામા દેવજીભાઈ મોહનભાઈ કોરડીયા (૬) દેવજીભાઈનો દિકરો જયેશ દેવજીભાઈ કોરડીયા (૭) જીતેન્દ્ર પ્રતાપભાઈ કોરડીયા (૮) હંસાબેન રાજેશભાઈ પીપરીયા રહે. બધા રાજકોટવાળાઓએ તેમના ઘરમાં ઘુસી આવેલ હતા અને રાહુલ તથા દિવ્યા તેના રૂમમાં સુતા હતા ત્યાં જઈ આરોપીઓએ લોખંડના પાઈપ, હોકી, લાકડાના ધોકાથી રાહુલને મારવા લાગેલ હતા તેમજ ફરીયાદી અંજુબેન પોતાના દિકરાને બચાવવા વચ્ચે પડતા તેણીને પણ ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા રાહુલનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા તમામ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી - કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૩૬૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૫૨, ૪૪૯, ૧૨૦-બી તેમજ ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫ (૧) મુજબ વિગેરે હેઠળ ગુન્હો કરેલાની એફ.આર.આઈ. રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. ત્યાર બાદ ફરીયાદ અન્વયે તપાસ કરતા અન્ય આઠ આરોપીઓ (૧) હેમીબેન દેવજીભાઈ કોરડીયા (૨) સુરેશભાઈ ભાયાભાઈ શિયાળીયા (૩) કમલેશભાઈ નીતિનભાઈ ડાભી (૪) વિજય ગંગદાસભાઈ રીબડીયા (૫) ભાવનાબેન મનીષભાઈ ઝંઝુવાડીયા (૬) અનીતાબેન મયુરભાઈ પીપળીયા (૭) જીતેન્દ્ર અમરશીભાઈ સાલાાણી (૮) ગોરધન દેવજીભાઈ ગેડાણી રહે. બધા રાજકોટવાળાઓના નામ બનાવમાં ખુલવા પામેલ હતા.

ખૂનની ફરીયાદમાં નામ ખુલતા આરોપી અનીતાબેન મયુરભાઈ પીપળીયા તથા ભાવનાબેન મનીષભાઈ ઝંઝુવાડીયાની પોલીસ દ્વારા ધરપકડ કરી જેલહવાલે કરતા આરોપીઓએ સેશન્સ અદાલતમાં અને ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષોની દલીલોના અંતે ગુજરાત હાઈકોર્ટે આરોપીઓ તરફે થયેલ તર્કબદ્ધ દલીલો માન્ય રાખી આરોપી અનીતાબેન મયુરભાઈ પીપળીયા તથા ભાવનાબેન મનીષભાઈ ઝંઝુવાડીયાને ગુજરાત રાજ્ય ન છોડવા તેમજ અન્ય શરતોને આધીન જામીન મુકત કરતો આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટમાં જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, હર્ષ ભીમાણી, ઈશાન ભટ્ટ રોકાયેલ છે.

(3:18 pm IST)