Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગુરૂવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા ચકાસશે નેક કમિટિ

૨૯ શૈક્ષણિક ભવનોને રંગરોગાન, સફાઈ કાર્યની વિ. કેમ્પસ થયું ચોખ્ખુ ચણાંક...વિશ્વકક્ષાના સંશોધનો અને કેમ્પસ ખાતે સ્પોર્ટસ, બે વિદેશી છાત્રોની હોસ્ટેલ, ૮ છાત્ર હોસ્ટેલ, યુપીએસસી-સીસીડીસી સેકટર સહિત અનેક આકર્ષણોઃ નેક કમિટિ આગમન પૂર્વે શૈક્ષણિક-બીનશૈક્ષણિક કર્મચારીઓમાં ઉત્સાહઃ એ-પ્લસ ગ્રેડ મેળવવા કુલપતિ પ્રો. નિતિનભાઈ પેથાણીનો આશાવાદઃ આકયુએસી ચેરમેન પેથાણી અને સંયોજક ગીરીશ ભીમાણીના નેતૃત્વમાં અંતિમ તબક્કાની તડામાર તૈયારીઓ

રાજકોટ, તા. ૧૫ :. અગાઉ એ-ગ્રેડથી પ્રકાશીત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૬ વર્ષ બાદ ફરી ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે યુજીસીની નેક કમિટિ તા. ૧૮ થી ૨૦ ફેબ્રુઆરીએ આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવો શણગાર સર્જયો છે, તો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ઉપરાંત સિન્ડીકેટ એકેડેમીક કાઉન્સીલના સભ્યોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. તમામ કર્મચારીઓ નેક કમિટિ સમક્ષ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આઈકયુએસી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધના ધોરણે ઉચ્ચ ગ્રેડ મેળવવાની આશા અને અદમ્ય ઉત્સાહ સાથે તબક્કાવાર આયોજનબદ્ધ બેઠકો કરવામાં આવી છે. આઈકયુએસીના ચેરમેન કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણી અને કો-ઓડીનેટર ડો. ગીરીશભાઈ ભીમાણીએ સબળ અને સફળ નેતૃત્વ કરીને શૈક્ષણિક અને બીનશૈક્ષણિક કર્મચારીઓ તેમજ સત્તા મંડળના સભ્યોને સાથે રાખીને અપૂર્વ સંકલન કર્યુ છે.

આગામી તા. ૧૮, ૧૯, ૨૦ ફેબ્રુઆરીએ નેક કમિટિના ત્રણ સભ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા આવી રહી છે. તે પૂર્વે ૮ થી વધુ કમિટિ બનાવીને વિવિધ જવાબદારીઓની ફાળવણી કરવામાં આવી રહી છે.

યુજીસીની નેક કમિટિના આગમન પૂર્વે યુનિવર્સિટીના ૨૯ શૈક્ષણિક ભવનોને રંગરોગાન કરવામાં આવ્યુ છે. વર્ષોથી જામેલી ગંદકી દૂર કરવામાં આવી છે. સમગ્ર કેમ્પસ ચોખ્ખુ ચણાક થવા લાગ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવેલી સુવિધાઓમાં સ્પોર્ટસ સંકુલ, વિમેન્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, લાયબ્રેરી, ગેસ્ટહાઉસ, ઈન્ટરનેશનલ, ટ્રાન્ઝીટ હાઉસ, ૪ ગર્લ્સ હોસ્ટેલ, ૪ બોયઝ હોસ્ટેલ તેમજ બે વિદેશી છાત્રો માટે હોસ્ટેલ, હેલ્થ સેન્ટર, કેન્ટીન, આર્ટ ગેલેરી, સેનેટ હોલ, કન્વેશનલ હોલ તેમજ વિદ્યાર્થીઓ માટે યુપીએસસી સેન્ટર તેમજ સીસીડીસી સેન્ટર, એનએફડીડી ભવન, એચઆરડીસી ભવન સહિત અનેક સુવિધાઓ છે.

સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના સંશોધનો અને પ્લેસમેન્ટ માટે જાણીતી હોય છે ત્યારે ભાષા અને અન્ય ભવનોમાં સંશોધન કાર્ય ખૂબ વધ્યુ છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવન, કેમેસ્ટ્રી ભવન, ફીઝીકસ ભવન સહિતના સાયન્સ ભવનોમાં થયેલુ સંશોધન કાર્ય વિશ્વકક્ષાનું છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઉચ્ચ ગ્રેડ અપાવશે. સાયન્સ ફેકલ્ટીમાં થયેલા સંશોધનો જ મુખ્ય આકર્ષણ બની રહેશે.

કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે તમામ સુવિધા ભરપુર છે. તેમના સંશોધનોનો ભંડાર છે. વિશ્વ કક્ષાએ નોંધ લેવાય છે. નેક કમિટિ સમક્ષ શૈક્ષણિક-બીનશૈક્ષણિક તેમજ સત્તા મંડળના સભ્યો ખૂબ ઉત્સાહથી કાર્ય કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને એ-પ્લસ ગ્રેડ મળવાની આશા છે. હાલ નેક કમિટિ સમક્ષ આઈકયુએસીના ચેરમેન ડો. નિતીનભાઈ પેથાણી, વાઈસ ચેરમેન વિજયભાઈ દેશાણી, ડાયરેકટર ડો. ગીરીશભાઈ ભીમાણી, રજીસ્ટ્રાર જતીનભાઈ સોની, સભ્યો સમીરભાઈ વૈદ્ય, ડો. હીતેન્દ્રભાઈ જોશી, ડો. રાહુલ, ડો. દિલીપ કુબેરકર, ડો. નિલામ્બરીબેન દવે, પ્રો. મીહીરભાઈ જોશી, નીતાબેન ઉદાણી, સંજયભાઈ ભાયાણી, ચંદ્રેશભાઈ કુંભારણા, મેહુલભાઈ રૂપાણી, વિમલભાઈ પરમાર, વી.પી.વૈષ્ણવ, મુકેશ દોશી, ડી.વી. મહેતા સહિત ૨૧ સભ્યો નેક કમિટિ સમક્ષ પ્રેઝન્ટેશન કરશે.

(4:06 pm IST)