Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રોહીદાસપરાના ડાહીબેનને બે મહિલા કંઇક સુંઘાડી બેભાન કરી રોકડ અને સોનાની વાળી ચોરી ગઇ!

માતા સફાઇ કામેથી ઘરે પાછા ન આવતાં શોધવા નીકળેલા પુત્રને રોડ પરથી બેભાન મળ્‍યાઃ હજુ પણ સંપુર્ણ ભાનમાં નથી

રાજકોટ તા. ૧૫: કુવાડવા રોડ પર  રોહીદાસપરામાં રહેતાં અને ગોવિંદબાગ શાક માર્કેટ પાસે સફાઇ કામ કરતાં ડાહીબેન હીરાભાઇ પરમાર (ઉ.વ.૬૫)ને રવિવારે બપોરે કુવાડવા રોડ રણછોડદાસ આશ્રમ સામેના રોડ પર અજાણી બે મહિલાએ કંઇક સુંઘાડી બેભાન કરી તેના કાનમાંથી સોનાની વાળીઓ તથા રોકડનું પર્સ ચોરી લેતાં વૃધ્‍ધા સારવાર હેઠળ છે.

પુત્ર લક્ષમણભાઇ પરમારના કહેવા મુજબ દરરોજ બા બપોરે સાડા બાર-એકાદ વાગ્‍યે ઘરે આવી જાય છે. રવિવારે સાડા ત્રણ સુધી ન આવતાં હું તેમને શોધવા જતાં રોડ પરથી બેભાન મળ્‍યા હતાં. લોકોને પુછતાં માજી કોઇ બે મહિલા સાથે વાતો કરતાં હોવાનું જાણવા મળ્‍યું હતું. તેને મેં જગાડવા છતાં ન જાગતાં હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. તેના કાનમાંથી સોનાની વાળીઓ અને પોતે રોકડ સાથેનું પર્સ રાખતા હતાં તે ગાયબ હોઇ મહિલાઓ બાને કંઇક સુંઘાડી બેભાન કરી ચોરી કરી ગયાનું જણાયું હતું.

ડાહીબેન આજે સવારે પણ સંપુર્ણ ભાનમાં આવ્‍યા ન હોઇ ખરેખર શું બન્‍યું? તે બહાર આવ્‍યું નથી. તેઓ ભાનમાં આવ્‍યા બાદ બી-ડિવીઝન પોલીસ નિવેદન નોંધી કાર્યવાહી કરશે.

(4:14 pm IST)