Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ...

જીલ્લા ગાર્ડનના મંદિરે મામીની ઉત્તરક્રિયામાં જ ભાણેજનું હાર્ટએટેક આવી જતાં મોતઃ અરેરાટી

રેલનગર વિર સાવરકર ટાઉનશીપમાં રહેતાં ૪૮ વર્ષિય અશ્વિનભાઇ પરમારના મૃત્‍યુથી પરિવારમાં શોકની કાલીમાઃ બે બહેનના એક જ ભાઇ અને વિધવા માતા, પત્‍નિ, પરિવારનો આધાર હતાં

રાજકોટ તા. ૧૫: જિંદગીની સફરનો અંત ગમે ત્‍યારે અને ગમે ત્‍યારે આવી જતો હોય છે. રેલનગર વિર સાવરકર ટાઉનશીપમાં રહેતાં લુહાર અશ્વિનભાઇ ચંદ્રકાંતભાઇ પરમાર (ઉ.વ.૪૮) સાથે આવુ જ બની ગયું છે. ગઇકાલે જીલ્લા ગાર્ડનમાં આવેલા શિવ મંદિરે તેઓ પોતાના મામીની ઉત્તરક્રિયામાં ગયા હતાં ત્‍યારે ત્‍યાં હાર્ટએટેક આવી જતાં મોત નિપજતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ અશ્વિનભાઇના મામી જ્‍યોત્‍સનાબેન સિધ્‍ધપુરાનું અવસાન થયું હોઇ તેમની ગઇકાલે જીલ્લા ગાર્ડન શિવ મંદિર ખાતે ઉત્તરક્રિયા રાખવામાં આવી હતી. જેમાં અશ્વિનભાઇ તથા ઘરના બીજા સભ્‍યો પણ ગયા હતાં. ક્રિયા બાદ બપોરે ભોજન પ્રસાદ લીધા બાદ બધા બેઠા હતાં ત્‍યાં જ અચાનક અશ્વિનભાઇની તબિયત બગડી હતી, છાતીમાં દુઃખવા માંડયું હતું. ઉંધો ગેસ ચડયાનુ઼ સમજી સોડા પીવડાવાઇ હતી. એ પછી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યુ હતું.

બનાવની જાણ સિવિલ હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. આર. એસ. સબાડે કરતાં ભક્‍તિનગરના એએસઆઇ નરેન્‍દ્રભાઇ જી. ભદ્રેચા અને મયુરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. કરૂણતા એ છે કે મૃત્‍યુ પામનાર અશ્વિનભાઇ બે બહેનના એકના એક ભાઇ અને વિધવા માતા તથા પત્‍નિ હેતલબેન અને એક પુત્રનો એક માત્ર આધારસ્‍તંભ હતાં.

તેઓ ઘીની કંપનીમાં સેલ્‍મસેન તરીકે નોકરી કરતાં હતા. મોભીના મોતથી પરમાર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(4:15 pm IST)