Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

રૈયાધારની આવાસ યોજનામાં પાણી સહિતની સમસ્યાઓથી રહેવાસીઓ હેરાન - પરેશાન

૧૨માં માળે પાણી નથી ચડતુ : પાઇપ લાઇન લીકેજ : સફાઇ થતી નથી : શોપીંગ સેન્ટરની દુકાનોના તાળા તોડી અજાણ્યા દ્વારા કબ્જાના પ્રયાસોઃ પાણી વગર ફાયર સેફટીના હાઇડ્રન શોભાના ગાંઠીયા : લીફટ ચાલુ નથી : ત્રાહીમામ પોકારી ઉઠેલા રહેવાસીઓ મ્યુ. કમિશનરને કરશે રજૂઆત

રૈયાધારની આવાસ યોજનામાં પાણી - ગંદકી સહિતની સમસ્યાઓ તસ્વીરમાં નજરે પડે છે. મહિલાઓ બાળકો ૧૦માં ૧૨માં માળ સુધી ડોલ - બેડા લઇને પાણી ચડાવી રહ્યા છે તે સ્પષ્ટ દર્શાય છે.(

રાજકોટ તા. ૧૫ : શહેરની રૈયાધાર ઝુંપડપટ્ટીનું ડીમોલેશન કરી અને આ ઝુંપડાવાસીઓને રાણીમાં રૂડીમાં ચોક રામાપીર ચોકડીવાળા રસ્તા પર ૧૨ માળની પાકા ફલેટની 'રાણીમા રૂડીમા' આવાસ યોજનામાં ફલેટ આપી દીધાને ૨ થી ૨ાા મહીના થઇ જવા છતાં આ આવાસ યોજનામાં રહેતા લોકો પાણી, લીફટ, સફાઇ સહિતની સમસ્યાઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.  આ અંગે જાગો ભારત અભિયાનના અલ્પેશ વેકરીયાનો 'લોર્ડ બુધ્ધા' ટાઉનશીપનાં રહેવાસીઓએ સંપર્ક સાધીને આપવીતી જણાવતા કહ્યું હતું કે, ૧૨ માળના આ બિલ્ડીંગમાં પાણી, સફાઇ, જનરેટર, લીફટ સહિતના મેઇન્ટનન્શની ૭ વર્ષની જવાબદારી મ.ન.પા.એ બિલ્ડરને સોંપી છે છતાં આજના દિવસે ૧૨માં માળે પાણી નથી મળતું રસોડામાં જ પાણી આવે છે. સંડાસ - બાથરૂમમાં પાણી નથી આવતું.

નીચેના ટાંકામાંથી પાણી ઉપર ચડાવવાની મોટર પણ રહેવાસીઓએ નાખી પરંતુ પાઇપલાઇન જ લીકેજ છે. લીફટ બંધ છે. આ સંજોગોમાં ૧૦માં - ૧૨માં માળે રહેતા લોકોને નીચેની ઉપર સુધી સીડી ચડીને પાણી ચડાવવું પડે છે.

જનરેટર પણ શોભાના ગાંઠીયા સમાન છે. બિલ્ડરે મ.ન.પા. સાથે મેન્ટેનન્સ એગ્રીમેન્ટ કર્યું હોવા છતાં આ સમસ્યા ઉકેલવામાં નથી આવતી. સોલાર સીસ્ટમ નથી નંખાઇ, ફાયર સેફટીની પાઇપલાઇન છે પણ પાણી નથી ત્યારે આગ અકસ્માત વખતે ભારે જોખમ છે.

એટલું જ નહી મફતિયાપરામાં ડીમોલીશન વખતે જે દુકાનો તોડી પડાઇ તેને આપવા માટે શોપીંગ સેન્ટરમાં બનાવેલી દુકાનોના તાળા તોડી કોઇ કબ્જો કરવા પ્રયાસો થઇ રહ્યા છે.

રૈયાધારની લોર્ડ બુધ્ધ આવાસ યોજનાના ૧૨ માળના બે ટાવરના ૨૪૦ ફલેટ ધારકો પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે હેરાન - પરેશાન છે ત્યારે આ બાબતે જાણે ભારત અભિયાનના અલ્પેશ વેકરીયા આવતીકાલે મ્યુ. કમિશ્નરને આ તમામ પ્રશ્નોની રજૂઆત રહેવાસીઓ સાથે રાખીને કરનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

(4:42 pm IST)