Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વેકસીનેશનના ટોકન રૂ. ૧૦૦માં વેંચી રોકડી કરનાર સિકયુરીટી ગાર્ડ યુનુસ સુમરા સામે ગુનો

એસટી વર્કશોપ પાછળ આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતેનો વડીયો વાયરલ થયો'તો : માલવીયાનગર પોલીસે આરોગ્ય કેન્દ્રના ડો. ભાવીન મહેતાની ફરિયાદ પરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, છેતરપીંડી સહિતની કલમો હેઠળ કાર્યવાહીઃ સકંજામાં લેવા તજવીજ : રોજના ૩૦૦ ટોકનની લોકોને વહેચણી કરવાની હોયઃ તેમાંથી બે ટોકન યુનુસે સેરવી લીધા'તા

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે વેકસીનેશનના ટોકન આ આરોગ્ય કેન્દ્રનો ખાનગી સિકયુરીટી ગાર્ડ રૂ. ૨૦૦માં વેંચીને રોકડી કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હોઇ તેના આધારે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે આ સિકયુરીટી ગાર્ડ સામે પોલીસ ફરિયાદ નોંધવી છે.

માલવીયાનગર પોલીસે આ અંગે આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ઓમકાર સોસાયટી શેરી નં ૧ અયોધ્યા ચોક ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતાં ડો. ભાવીનકુમાર રતિલાલ મહેતા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે ચાર માળીયા કવાર્ટરમાં રહેતાં યુનુસ ઇસ્માઇલભાઇ સુમરા સામે આઇપીસી ૪૦૬, ૪૦૮ અને ડિઝાસ્ટર મેનેજેમેન્ટ એકટની કલમ ૫૩ મુજબ ગુનો નોંધ્યો છે.

ડો. મહેતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં હું આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવુ છુ. તેમજ રાજકોટ મ્યનિસિપલ વેસ્ટ ઝોન ઓફીસ ખાતે રસીકરણ કેન્દ્રમાં રોજ સવારે સાડા આઠ વાગ્યાથી મેડીકલ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું તેમજ  આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં મારી ગેરહાજરીમા ડોકટર ગૌરાંગ બગથરીયા ફરજ બજાવે છે. તા ૧૪/૦૫ના જાણવા મળેલું કે આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમા વેકસીન લેવા માટે રૂ. ૧૦૦માં ટોકન વેંચાય છે. તેમજ આ બાબતે મારા મોબાઇલમા સોશીયલ મીડીયા વ્હોટ્સએપ ન્યુઝ ગ્રુપમાં એક વીડીયો આવેલો, જેમાં અમારા આરોગ્ય કેન્દ્રમાં પ્રાઇવેટ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુનુસ ઇસ્માઇલભાઈ સુમરા  વેકસીનેશનના બે ટોકન ગેરકાયદેસર રીતે આપી બદલામા રૂ.૨૦૦ લેતાં હોવાનુ જણાયું હતું.

આ વેકસીનેશન ટોકન અંગે અમારા આરોગ્ય અધિકારી દ્વારા સુચના આપવામાં આવી હતી કે દરરોજના ૩૦૦ ટોકન પબ્લીકને વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્યે ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો તેમજ ફ્રંટ લાઇન વર્કર તથા હેલ્થ કેર વર્કર જેઓને વેકસીનેશન માટે રસીનો બીજો ડોઝ  લેવાનો હોય તેમને આપવાના હોય  છે. આ વેકસીનેશન ટોકન વહેંચણીનુ કામ અમારા આરોગ્ય કેન્દ્રમાં પ્રાઇવેટ સિક્યુરીટી કંપનીના સિક્યુરીટી ગાર્ડ તરીકે રહેલા આ યુનુસ ઇસ્માઇલભાઇ સુમરા કરતા હોય છે અને તેમની સાથે ડોકટર ગૌરાંગ બગથરીયા હોય છે.

આ ટોકન આપવાનો સમય દરરોજ સવારે પોણા નવેક વાગ્યાનો હોય છે, જે બાબતે અમોએ તપાસ કરતા અમોને જાણવા મળેલ કે  યુનુસ  સુમરાએ ગઇ તા. ૧૩/ ૦૫/ના રોજ સવારના નવેક વાગ્યાના અરસામા યેન-કેન પ્રકારે આ વેકસીનેશન ટોકનની વહેંચણી દરમ્યાન બે ટોકન પોતાની પાસે રાખી લઇ વિનામુલ્યે આપવાના વેકસીનેશનના બે ટોકન લોકોને રૂ. ૨૦૦/ના દરથી ગેરકાયદેસર રીતે વેંચી  આર્થીક લાભ મેળવી લોકોની સાથે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો છે. આ કારણે મેં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.

તેમ વધુમાં ડો. મહેતાએ જણાવતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ આર. એલ. ખટાણા, હેડકોન્સ. ડી. જે. જાદવે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(12:58 pm IST)