Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

'તૌકતે' વાવાઝોડા સંદર્ભે NDRFની બે ટીમો રાજકોટમાં : શહેર - જીલ્લામાં હાઈએલર્ટ

સંબંધિત કલેકટર સહિત તમામ કર્મચારી - અધિકારીઓની રજા રદ્દ : હેડકવાર્ટર ન છોડવા આદેશો : દરેક તાલુકામાં કન્ટ્રોલ રૂમ શરૂ : વાયરલેસ સેટ કરી દેવાયા : કોરોના દર્દીને ઓકસીજન અને રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મળી રહે તે અંગે પગલા લેવા પણ કલેકટરની સુચના : એનડીઆરએફની એક ટીમ ઘંટેશ્વર તથા બીજી ટીમ ગોંડલ ખાતે રહેશે : જરૂર પડ્યે સરકારની સુચના મુજબ ફૂડ પેકેટ પણ તૈયાર કરાશે : બીજા જીલ્લામાં જરૂર પડે તો ત્યાં એનડીઆરએફની એક ટીમ મોકલાશે : વાવાઝોડા સંદર્ભે રાજકોટ - શહેર - જીલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી

રાજકોટ, તા. ૧૫ : અરબી સમુદ્રમાં ઉભા થયેલા તૌકતે વાવાઝોડા સંદર્ભે કલેકટરે આગમચેતી રૂપે રાજકોટ શહેર - જીલ્લામાં હાઈએલર્ટના આદેશો કર્યા છે. તમામ અધિકારીઓ - કર્મચારીઓની રજા રદ્દ કરી નાખી છે અને નીચાણવાળા વિસ્તારો તથા બેઠા પુલ એવા તમામ હાઈવે ઉપર પણ તકેદારીના પગલા અંગે સુચના અપાઈ છે.

દરમિયાન રાજય સરકારે રાજકોટ શહેર - જીલ્લા માટે પણ હેવી વરસાદ, તોફાની વરસાદ, પુરના પાણી વગેરે સામે એનડીઆરએફની બે ટીમ ફાળવતા આ ૬૦ જવાનો આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. કલેકટરે ૧ ટીમને ઘંટેશ્વર મુકામ આપ્યો છે. બીજી ટીમને ગોલ્ડન એસઆરપી કેમ્પ ખાતે મોકલી દેવાઈ છે.

રાજય સરકાર અને હવામાન ખાતાએ ૧૮મીએ ત્રાકટનારા વાવાઝોડા અંગે રાજકોટ શહેર - જીલ્લામાં પણ ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપી હોય તે સંદર્ભે કલેકટરે તકેદારીના પગલા રૂપે દરેક અધિકારીઓ સાથે આજે ખાસ વીસી યોજી હતી. દરેક પ્રાંત અને મામલતદારને તથા પીજીવીસીએલની ટીમો એ ઉપરાંતની અન્ય જે કોઈ છાપા હોય તે તમામ સાથે વાતચીત કર્યા બાદ પોતાનું હેડકવાર્ટર નહિં છોડવા આદેશો કર્યા હતા. નીચાણવાળા વિસ્તારો, ગામડાઓ, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી તથા અન્ય ચીજ વસ્તુઓ તરત લઈ લેવા સુચના આપી હતી.

કોરોના દર્દીઓને તથા તેના પરીવારજનોને મુશ્કેલી ન થાય અને ઓકિસજન તથા રેમડેસીવીર ઈન્જેકશનનો પુરવઠો ન ખોરવાય તે અંગેના પગલા લેવા તાકીદ કરી છે.

કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ જણાવ્યુ હતું કે, સરકારની હાલ ફૂડ પેકેટ તૈયાર કરવા અંગે કોઈ સુચના નથી. પરંતુ જરૂર પડ્યે તે પણ તૈયારી કરી લેવાઈ છે. જરૂર પડ્યે બીજા જીલ્લામાં પણ એનડીઆરએફની ટીમો મોકલી દેવાશે.

(12:59 pm IST)