News of Saturday, 15th May 2021
રાજકોટ, તા. ૧૫ :. હાલ કોરોના મહામારી એ જ્યારે વિશ્વ આખામાં ભરડો લીધો છે ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના સર્વજીવ હિતાવહ સંદેશને સાર્થક કરવા હાલ લોહી (રકત)ની ખૂબ જ જરૂરીયાત હોય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પીઠાધિપતી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞાત્મક આશિર્વાદથી રાજકોટને આંગણે કોરોના મહામારીમાં અક્ષરનિવાસી થયેલ સંતો અને હરિભકતોની સ્મૃતિ અર્થે અખીલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ (એસ.વી.જી.) તથા શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ-રાજકોટ શાખા દ્વારા આગામી તા. ૧૬ને રવિવારના રોજ ભવ્ય મહારકતદાન કેમ્પ તથા પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
હાલના કોરોના મહામારી દરમ્યાન સારવારની જરૂરીયાતો ઉભી થાય છે અને તે પૂર્ણ કરવા હાલ સરકાર કટીબદ્ધ છે અને તત્પર છે ત્યારે અમુક એવી મેડીકલ સહાયની જરૂર પડે છે. જે માત્ર કુદરત દ્વારા જ પ્રાપ્ત થાય છે અને તે છે લોહી (રકત) હાલના સમયમાં દર્દીનારાયણને સ્વસ્થ રાખવા લોહીની જરૂર હોય ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વજીવ હીતાવહ સંદેશ સાર્થક કરવા યોજાનારા આ મહારકતદાન કેમ્પ તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પ રાજકોટના ભકિતનગર સર્કલ પાસે આવેલ મેઘાણી રંગભવન ખાતે સવારે ૯.૦૦ વાગ્યાથી શરૂ થનાર આ કેમ્પ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી ચાલશે અનેક યુવાનો રકતદાન કરી એક વિશેષ સંદેશ પાઠવશે. આ મહારકતદાન કેમ્પ તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અને એસ.વી.જી. ચેરીટીના યુવાનો તેમજ રાજકોટની અનેક સંસ્થાઓ જોડાશે.
આ મહારકતદાન કેમ્પ તેમજ પ્લાઝમા ડોનેશન કેમ્પમાં રાજકોટના અનેક રાજકીય મહાનુભાવો, ધારાસભ્યો, કોર્પોરેટરો તથા પોલીસ અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ તથા અનેક સમાજ તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ મહારકતદાન કેમ્પ તથા પ્લાઝમા ડોનેશન કેમ્પમાં જોડાવવા માટે રાજકોટના તમામ ધર્મપ્રેમી જનતા અને દાતાઓને અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ મહારકતદાન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ રાજકોટના ૭ ઝોનના મંડળો અને એસ.વી.જી. ચેરીટી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ, મહિલા મંડળો, બાલ મંડળ, યુવતી મંડળ તથા રાજકોટ અનેક સેવાભાવિ સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે. વધારે વિગતો માટે વિશાલ પટેલ મો. ૯૮૭૯૭ ૧૨૭૬૮નો સંપર્ક થઈ શકે છે.