Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કોરોના કાળમાં જૈન વિઝન દ્વારા સેવા કાર્યોનો ધમધમાટ : બે સ્થળે કોરોના કેર સેન્ટર કાર્યરત

૧૨૦૦ થી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા : ગરીબ પરિવારોને વિનામૂલ્યે દવા અનાજ ફ્રુટ જેવી સહાય : પરમ એમ્બ્યુલન્સ નિઃશુલ્ક દોડી રહી છે

રાજકોટ : કોરોનાની બીજી લહેરે આ વખતે ઘણાને હચમચાવી નાખ્યા છે અને અનેક પરિવારો ઉપર સંકટના વાદળો છવાઈ ગયા છે. કોઈએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે તો કોઈએ માતા કે પિતાની છત્રછાયા ગુમાવી છે. એક તબક્કે તો  કોણ કોને સધિયારો આપે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

આવા સંજોગો વચ્ચે ઘણી સંસ્થાઓ  સેવા કાર્યો માટે મેદાનમાં ઉતરી છે. જૈન વિઝન સંસ્થા કદાચ અવ્વલ છે. યુવા અગ્રણી મિલન કોઠારીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સંસ્થાએ કોરોના કાળમાં પણ રંગ રાખ્યો છે. કોરોના સંક્રમિત દર્દીઓ ઉપરાંત ગરીબ અને જરૂરતમંદ લોકોને સહાય કરી છે. ગુજરાતમાં કદાચ સૌપ્રથમ ખાનગી કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું માન મેળવનાર જૈન વિઝન સંસ્થા હાલમાં પણ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુની મહારાજ સાહેબના આશીર્વાદથી સદર બજારમાં 'પ્રભુ મહાવીર કોવિડ સેન્ટર' તેમ જ કાનુડા મિત્ર મંડળની સાથે રહીને સ્વ. પ્રતાપભાઈ રાજદેવ પરિવારના સહયોગથી પ્રહલાદપ્લોટ અને કરણપરા વિસ્તારમાં હોટેલ મેટ્રોમાં 'કોવિડ કેર સેન્ટર'નું સંચાલન કરી રહી છે.

ગત વર્ષે પ્રથમ લોકડાવુંનથી સેવા કાર્યોની સરવાણી વહાવનાર જૈન વિઝન સંસ્થાએ શહેરના જુદા જુદા પછાત વિસ્તારોમાં સેનેટાઇઝર, પાણીની બોટલ, ફૂડ પેકેટ, દવાના વાઉચર, અનાજની કીટ, રોકડ સહાય, ફ્રુટ વિતરણ સહિતની અનેક સેવાઓ કરી છે અને લોકોના આશીર્વાદ મેળવ્યા છે.

જૈન વિઝનના સંયોજક અને યુવા અગ્રણી મિલન કોઠારી કહે છે કે, રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી સદર બજારમાં હોટેલ જેનીશમાં પ્રભુ મહાવીર કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યુ છે. તેમાં નજીવા દરથી તથા અન્ય સેન્ટરમાં વિનામૂલ્યે સારવાર ચાલી રહી છે. આ સ્થળે એમ.ડી. એમબીબીએસ તબીબો ઉપરાંત ૨૪ કલાકનો નર્સિંગ સ્ટાફ અને મેડિકીલ સ્ટાફ કાર્યરત છે.  દર્દીને શુદ્ઘ  સ્વસ્તિક બે ટાઈમ જૈન ભોજન, નાસ્તો, ચા, ઉકાળો જયુસ વગેરે આપવામાં આવી રહ્યા છે. કોઈ પણ દર્દીને ઓકિસજનની જરૂર હોય તો તેની સુવિધા પણ આ સેન્ટરમાંથી  આપવામા આવે છે.

પ્રભુ મહાવીર કોવિડ કેર સેન્ટર માટે જૈન વિઝનને માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠના પરિવાર તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો છે. વધુમાં આ સેન્ટરેથી સમગ્ર રાજકોટ માટે સ્વ.સુગંધાબેન ઓમકારમલજી જૈનની સ્મૃતિમાં રસીલાબેન ઉત્તમચંદજી ખીવસરા તથા શ્રીમતી પદમાવતીબેન અજીતભાઈ જૈન તરફથી ઓકિસજનની સુવિધા સાથેની બે એમ્બ્યુલન્સ પણ મળી છે. આ સેવાને પરમ એમ્બ્યુલન્સ સેવા એવું નામ આપવામાં આવ્યુ છે. ૨૪ર્ં૭ ઇમરજન્સી સર્વિસ આપવા અજીતભાઈ જૈન સતત કાર્યશીલ છે.

આજે જયારે ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો દર્દીના સગાવ્હાલા પાસેથી હજારો વસુલે છે ત્યારે આ સંસ્થા વિનામૂલ્યે સેવા આપે છે. આ એમ્બ્યુલન્સ કેશોદ, વાંકાનેર, ગોંડલ સુધી પણ ફેરા કરી ચુકી છે.

પહેલી લહેરમાં નોવા હોટેલમાં મહાવીર કોવિડ સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું અને અનેક દર્દીઓને સાજા કરીને ઘરે મોકલ્યા હતા. જૈન વિઝન સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૨૦૦ થી પણ વધુ દર્દીને સાજા કર્યા છે.

કોરોનાકાળમાં પ્રથમ લોકડાવઉનથી  સંસ્થાએ શહેરના પછાત વિસ્તારમાં ફૂડ પેકેટ, સેનેટાઇઝર, પાણીની બોટલ તેમ જ સાધર્મિક પરિવાર માટે ( અંદાજે ૧૨૦૦ પરિવાર ) અનાજ વિતરણ કીટ મહાવીર સેવા ટ્રસ્ટના સથવારે કરવામાં આવ્યું હતું. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને ૫૦ હજાર રૂપિયાની રોકડ સહાય આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક માટે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. કાનુડા મિત્ર મંડળના વિભાષભાઈ શેઠના સહયોગથી ૭૫ હજાર રૂપિયાની કિમતના દવાના વાઉચર પણ જરૂરતમંદ લોકોને આપવામાં આવ્યા છે.

ગત વર્ષે મહાવીર જન્મકલ્યાણક ઉપર રાજકોટના બે મોટા રાહત રસોડા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને  રાજકોટ ગુરુદ્વારાના રાહત રસોડામા ૯૦  હજારથી પણ વધુ  વ્યકિતઓને જૈન ટિફિન મોકલેલ તદ ઉપરાંત કાજલબેન ઓઝા  અભિલાષભાઈ ઘોડા દ્વારા ચાલતા  કલાકારો માટે કિટમાં અનુદાન એનિમલ હેલ્પલાઈનમાં અનુદાન સવારે પક્ષીઓ માટે ચણ રાજકોટ મહાજન પાંજરા પોળને રાજકોટ જૈન તપગચ્છના સહયોગથી  ૨.૨૫ લાખનું અનુદાન આપી ખરા અર્થમાં પ્રભુ મહાવીરને ગમતા કાર્યો કરીને ઉજવેલ હતો.

કોરોનાકાળમાં વિશ્વશાંતિ માટે શાતાં જળવાઈ રહે તે માટે જૈન વિઝન નવકાર પરિવારના સથવારે  ૯૯ કરોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ નવકાર જાપનું વૈશ્વિક આયોજન કરાયું હતુ અને તેનો ૨૫ લાખ જેટલા જૈન-જૈનેતરો, સાધુ સાધ્વીજી હિન્દૂસંતો, મહંતો, કલાકારો વગેરેએ ઓનલાઇન લાભ લીધો હતો.

કોરોના માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અનેક  જાણીતા તબીબોનો વેબિનારના આયોજન તેમજ વેપારીઓનો વેપાર વધુ થાય માટે વર્ચુઅલ એકઝીબીશન, વુમન્સ ડે, ઓનલાઈન નવરાત્રી ઉજવણી (ઓનલાઇન )જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા.

સંસ્થા દ્વારા હાલના કપરા કાળનો રામબાણ ઈલાજ એટલે  વેકસીનેશન શનિવાર રવિવાર  એટલે વેકસીનવારના સૂત્ર સાથે  અનેક જાગૃતિના કાર્યક્રમ પણ યોજાયા હતાં અને તેમાં વેકિસન મુકાવનાર તમામને ભોજનનો લાભ પણ  અપાયો હતો. જૈન વિઝન દ્વારા ઈમ્પીરીયલ હોટેલ ખાતે સોનમ ગરબાના કલાકારો માટે ગુડલક પેમેન્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો અને તેમાં કલાકારોને  સારુ એવું ગુડલક પેમેન્ટ આપવામાં આવેલ.

જૈન વિઝન દ્વારા રામમંદિરમા પણ માતબર રકમનું ફંડ એકત્રિત કરીને અપાયેલ અને અન્યો જોડાય માટે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં પ્રખર હિંદુ વકતા વિહીપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદ સાવલા સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

જૈન વિઝન સંસ્થા આખું વર્ષ દરમિયાન સેવાકાર્યો કરે છે અને આ કાર્યોમાં અનેક દાતાઓનો સહયોગ પણ મળી રહે છે.

જૈન વિઝન દ્વારા કોરન્ટાઇન સેન્ટરમા જૈન વિઝન સંયોજકઃ મિલન કોઠારીના માગદર્શનમાં કોવીડના અનુભવી જાણીતા તબીબ ડો પ્રતીક દોશી, ડો. મનીષ ગોસાઈ,  મેડિકલ ઓફિસર વિમલ મેહતા, મિત ચોપડા, ઉત્સવ પંડયા, હસન પીરવાણી,  નર્સીંગ સ્ટાફમા શીખા ચૌહાણ, અંકિતા દેસાઈ, શ્રુતિ નિમાવત સહિતની ટીમ સેવા માટે ૨૪*૭ કાર્યરિત છે.

સમગ્ર આયોજનમાં ડો. મેહુલભાઈ રૂપાણીનો સહકાર મળેલ છે. પ્રભુ મહાવીર કોરોન્ટાઇન સેન્ટરમાં રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મા.સા પ્રેરણાથી વિશેષ સહયોગ અજયભાઇ શેઠ, ભાવેશભાઈ શેઠ તથા મેટ્રો કોવીડ સેન્ટરમાં કાનુડા મિત્ર મંડળના રૂપલબેન રાકેશભાઈ રાજદેવ, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિભાષભાઈ શેઠ, કેતનભાઈ પટેલ, જૈન વિઝનના ભરતભાઇ દોશી, અજિત જૈન, ધીરેન ભરવાડા, જય ખારા, સુનિલ કોઠારી, ગીરીશ મેહતા, આશીષભાઈ ગાંધી, નીતિનભાઈ મહેતા, હિતેષભાઈ દેસાઈ, કેતન દોશી વિપુલ મેહતા વગેરે સેવાભાવીઓ સેવારત છે.

(3:14 pm IST)