Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સિવિલ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ તબિબ સાથે સગાની માથાકુટઃ લાશ સંભાળવાનો ઇન્કાર

ગોંડલના શિવરાજગઢના ચનાભાઇ મકવાણાને કોરોના મટી ગયા બાદ ન્યુમોનિયા

રાજકોટ તા. ૧૬: પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં રાત્રે ગોંડલના શિવરાજગઢના એક દર્દીનું મૃત્યુ નિપજ્યા બાદ તેમના સગાએ ફરજ પરના ટીબી વિભાગના ડોકટર સાથે માથાકુટ કરતાં પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે આ મામલે મૃતકના એક સગાને પોલીસ પુછતાછ માટે લઇ જતાં વાત વણસતાં મૃતદેહ સંભાળવાનો સગાએ ઇન્કાર કરી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ ગોંડલના શિવરાજગઢના ચનાભાઇ નથુભાઇ મકવાણા (ઉ.વ.૪૨)ને અગાઉ કોરોના થયો હતો. બાદમાં કોરોના મટી ગયો હતો અને હાલમાં ન્યુમોનિયાની અસર થઇ હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ઇમર્જન્સી વોર્ડમાં તેમની સારવાર ચાલુ થઇ હતી અને વેન્ટીલેટર પર રાખવા તજવીજ થઇ હતી. એ દરમિયાન ચનાભાઇનું મૃત્યુ નિપજતાં તેમના સગાએ તબિબને બોલાવવા છતાં નહિ આવ્યાનો આક્ષેપ કર્યો હતો અને ટીબી વિભાગના ડોકટર સાથે માથાકુટ કરી લેતાં સિકયુરીટી ટીમ દોડી ગઇ હતી.

તબિબે આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. જો કે એ પછી મૃતકના સ્વજનો ફોર્મમાં સહી કરી મૃતદેહ સ્વીકારવા તૈયાર ન થતાં પોલીસે તેમને સમજાવવા પ્રયાસ આદર્યો છે. હજુ આ મામલે કોઇ ફરિયાદ દાખલ થઇ નથી.

(11:54 am IST)