Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગોૈતમ પાર્કમાં ડો. બાબાસાહેબની પ્રતિમા ફરી સ્થાપિત કરવા માંગણી

બિલ્ડરો સાથે પોલીસની પણ સાંઠગાઠનો આરોપઃ સમસ્ત અનુસુચિત જાતીના લોકોની રજૂઆત

રાજકોટ તા. ૧૫: મવડી સર્વે નં. ૧૯૬માં ગોૈતમ પાર્કમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ કરી દેવામાં આવી હોઇ તે ફરીથી પ્રસ્થાપિત કરવાની માંગણી સમસ્ત અનુસુચિત જાતિ રાજકોટના આર. એમ. મુછડીયા, આર. કે. સોલંકી, બાબુભાઇ, જગદીશ સાગઠીયા, એમ. એન. રાખશીયા, પરેશ સાગઠીયા, રાઠોડભાઇ, રમેશ ડૈયા, વિપુલ મકવાણા સહિતે પોલીસ કમિશનરશ્રીને કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ૧૫/૬ના રાતે ત્રણ વાગ્યા આસપાસ બિલ્ડર શિવશકિતવાળા જગદીશભાઇ પટેલ અને કિશોરભાઇ વોરાએ  મગન ચતુરભાઇ જાદવને આગળ કરી  પોલીસની હાજરીમાં ડો. બાબાસાહેબ પ્રતિમા હટાવી લેવામાં ભાગ ભજવ્યો છે. તેને ફરીથી પ્રસ્થાપિત કરવા અમારી માંગણી છે. અગાઉ પણ આ પ્રતિમા હટે નહિ એ માટે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને રક્ષણ મગાયું હતું. પ્રતિમા ગુમ થવા પાછળ બિલ્ડર સાથે પોલીસ પણ સામેલ હોવાનું લાગે છે. આ મામલે જવાબદારો સામે ગુનો દાખલ કરવા અમારી માંગણી છે. રજૂઆતમાં એમ પણ જણાવાયું છે કે મગન પોલીસનો જ માણસ છે. તેના ઘરે અગાઉ જનતા રેડ પણ થઇ હતી. તસ્વીરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે બધા રજૂઆત કરવા પહોંચ્યા ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:17 pm IST)