Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સિંગતેલ, કપાસિયા તેલની કિંમતોમાં ઘટાડો નોંધાયો

મે મહિનામાં ઘટ્યા તો જૂનમાં ફરી વધ્યા હતા ભાવ : કપાસિયામાં ૪૦ રૂપિયા, પામોલિયનમાં ૪૦ રૂપિયા, સનફલાવરમાં ૨૦, કોર્ન ઓઇલમાં ૪૦ રૂપિયાનો ઘટાડો

રાજકોટ,તા.૧૫ : રાજકોટમાં સિંગતેલ સહિતના તેલના ભાવમાં અઠવાડિયામાં ડબે ૨૫ થી ૪૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જો કે, ચોમાસુ નજીક આવતા મગફળી સહિતના માલની વેચાવલી વધતા ભાવ ઘટ્યા છે. જ્યારે કપાસિયા તેલ ડબે ૪૦ રૂપિયા, પામોલિયન તેલના ડબે ૪૦ રૂપિયા, સનફલાવર તેલના ડબે ૨૦ અને કોર્ન ઓઇલમાં ડબે ૪૦ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સિંગતેલના ડબાનો ભાવ રૂપિયા ૨૪૬૫ થયો છે. મે મહિનાના અંતમાં સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેથી લોકોને રાહત થઈ હતી.

મે મહિનામાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતા ખાદ્યતેલમા વાયદા બજાર ખુલતાની સાથે કડાકો બોલાયો હતો. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ૫૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. તો કપાસિયા તેલના ભાવ ૩૦ રૂપિયા ઘટ્યા હતા.

સિંગતેલ ડબ્બો ૨૫૦૦થી ૨૫૫૦ થયો હતો. જેના બાદ સતત ભાવ ઘટ્યા હતા. પાછળ ચીનની માંગ કારણભૂત છે. સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા. બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.

તેની સાથે સાથે સિંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે ચાઈનાએ હાજર માલમાં ખરીદી કરતા ડિમાન્ડ નીકળી અને કારણે ભાવ વધ્યા હતા. સ્થિર વલણ રહ્યા બાદ ફરી પાછો ભાવમાં વધારો આવતા સિંગતેલના ભાવમાં ગત અઠવાડિયામાં ડબે રૂપિયા ૪૦ થી ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો.

તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવમાં પણ ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારા બાદ કપાસિયા તેલનો ડબો ૨૧૦૦ થી ૨૪૫૦ રૂપિયા થયો છે. તો સિંગતેલનો ભાવ ૨૬૦૦ થી ૨૭૫૦ રૂપિયા થયો છે. ભાવ અલગ અલગ બ્રાન્ડ મુજબ અલગ અલગ છે.

(9:45 pm IST)