Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અથાણા થકી શિંગાળા દંપતીએ સ્‍વાદ અને સુખ સજર્યા

કુસુમબેન - નલીકાંતભાઇ : પ્રેરણાત્‍મક યુગલ : ૮૦ વર્ષના દાદા અને ૭૫ વર્ષના બા એકબીજાના પુરક બની અને ગાયત્રી પરિવારના સહયોગથી જાતમહેનત કરી અથાણાં અને વેફર-પતરી બનાવી-વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે : દીકરાની પત્‍નીને ૮ વર્ષ દીકરીની જેમ સાચવી પછી કરિયાવર કરી સારા કુટુંબમાં પરણાવી

અકિલા પરિવાર મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નલીનકાંતભાઇ, કુસુમબેન, તેમના દિકરી અમીબેન અને જમાઇ બકુલભાઇ રૂપાણી

ગાયત્રી પરિવારના બહેનો સાથે કુસુમબેન

એક એવું વૃધ્‍ધ દંપતિ જે પરિવાર ના જીવન નિર્વાહ માટે અનહદ પરિશ્રમ કરે છે. દરરોજનું કમાઇ રોટલો મેળવવા સંઘર્ષ કરે છે. પરિવારમાં ચાર દિકરીઓને રાજીખુશી સાસરે વળાવે છે. બે દિકરાઓ માંથી એકનું અકાળે અવસાન થાય છે. ઘરની પરિસ્‍થિતિ વધુ નબળી બને છે. જીવન સંધ્‍યાએ વૃધ્‍ધ દંપતિ હવે એકલા રહે છે. જીવન નિર્વાહ માટે કોઇના પર નિર્ભર રહ્યા વિના આત્‍મનિર્ભર બનવાનો નિર્ધાર કરે છે. સવાર થી રાત સુધી યુવાનોને શરમાવે તેવો પ્રચંડ પરિશ્રમ કરે છે અને અથાણાં બનાવી વેંચવાનું શરૂ કરે છે. અથાણાં એટલા પ્રખ્‍યાત થાય છે કે, લોકો દુર દુર થી લેવા આવે છે. ધીમે ધીમે આવક આવતા આ દંપતિ ખખડધજ મકાન માંથી એકલે હાથે કોઇનો પણ સહારો લીધા વિના પોતાનું પાકું મકાન બનાવે છે અને ખરા અર્થમાં આત્‍મનિર્ભર બની સમાજને દ્રષ્ટાંત પુરૂ પાડે છે કે, જો વ્‍યક્‍તિ ધારે તે બધું જ કરી શકે છે. આ કોઇ ફિલ્‍મની સ્‍ટોરી નથી પરંતુ જેતપુરના બોખલા દરવાજા વિસ્‍તારમાં રહેતા ૮૦ વર્ષના નલીનકાંત વિઠ્ઠલદાસ શીંગાળા (બટુકબાપા) અને ૭૫ વર્ષના કુસુમબેન નલીનકાંત શીંગાળાના જીવનમાં બનેલ સત્‍ય હકિકતની છે. આજે પણ આ દંપતિ એકબીજાના સહારે અને ગાયત્રી પરિવારના સહયોગથી જાતમહેનત કરી અથાણાં અને વેફર-પતરી વેંચી પોતાનું ગુજરાન ચલાવે છે. એટલુંજ નહીં વટભેર જીવનનિર્વાહ કરે છે. એમના અથાણાં અને વેફર એટલા પ્રખ્‍યાત બન્‍યા છે કે લોકો દુર દુરથી અહિં કુસુમબેન અથાણાંવાળા ન અથાણાં અને વેફર-પતરી લેવા આવે છે.

 રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા નલીનકાંતભાઇ અને કુસુમબેન શિંગાળાએ ખુબજ કપરા દિવસો જોયા છે. કુસુમબેનના પિતા કાજુ બદામ ના વેપારી હતા. તેમનો જન્‍મ બનારસમાં થયો હતો. તેઓ માવતરે ખુબ સુખી હતા. તેઓ કહે છે, હું મોસાળમાં મોટી થઇ. અમે ૪૫ જણાનું કુટુંબ સાથે રહેતા. હું મજુરી કરીને મોટી થઇ છું. લગ્ન પછી નલીનકાંતભાઇ જેતપુરમાં આવેલી પંડ્‍યા સ્‍કૂલ સામે રેંકડી રાખી શીંગ-દાળિયા વેંચતા. સાંજે કુસુમબેનને ઘર ચલાવવા ૩૦ રૂપિયા આપે જેમાંથી ભેરૂમલની દુકાનેથી કરિયાણું લાવે અને બીજા દીવસે રસોઇ બનાવી છોકરાવને જમાડે. આજ ક્રમ દરરોજ ચાલતો. જો કમાણી ન થઇ તો ભુખ્‍યા રહેવું પડતું. કુસુમબેન પણ આર્થિક ઉપાર્જન માટે સિલાઇ કામ કરતા. એ જમાનામાં ૧૨ નંગ બ્‍લાઉઝ સીવે ત્‍યારે ૧ રૂપિયો અને ૨૫ પૈસા મળતા. એ પછી ૧૦ વર્ષ સાડીના પૂઠાં કરતા. જેમાં દીકરીઓ પણ મદદ કરતી અને ૧૦૦ નંગ પૂઠાં કરે ત્‍યારે ૧ રૂપિયો અને ૨૫ પૈસા મળતા.! દીકરીઓ બાપુજીની રેંકડીએ બેસી મદદ કરતી. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ હતું. એ વખતે કુસુમબેન કોઇ પણ આર્થિક અપેક્ષા વિના અથાણાંની સીઝનમાં ઘરે ઘરે અથાણાં  બનાવવાની સેવા કરવા જતા. એ વખતે તેમનો દીકરો મેહુલ શીંગાળા (લાલો) નું અકાળે અવસાન થતા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્‍યું. કુસુમબેન ને ખુબજ આઘાત લાગ્‍યો. આ કપરા સમય વખતે ગાયત્રી પરિવારના બહેનોએ તેમને ખુબ સપોર્ટ કર્યો અને આઘાતમાંથી બહાર લાવ્‍યા. કુસુમબહેને અથાણાં ને પ્રેરણાં બનાવી આત્‍મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો. આશરે ૧૭-૧૮ વર્ષ પહેલા રૂપિયા ૧૦૦૦ થી અથાણાં બનાવવાની શરૂઆત કરેલી ત્‍યારે પણ ડર લાગતો કે અથાણાં નહીં વેંચાય તો હજાર રૂપિયો કાઢશું ક્‍યાંથી? ‘લાલજી ગૃહ ઉદ્યોગ' શરૂ કર્યો જેમાં સૌ પહેલો ઓર્ડર લાલપુરવાળા યોગેશભાઇ તન્નાએ આપ્‍યો. જયારે સુપરગેસવાળા દરબાર દળુભાઇ પહેલા અથાણાંના ગ્રાહક બન્‍યા હતા. અથાણાં બની જાય એટલે ગાયત્રી પરિવાર ગાયત્રી મંત્ર બોલતા. અથાણાં વેંચવા કુસુમબેનને ગાયત્રી પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર રહ્યો છે. આ વડિલ દંપતિ સવારે ૫ વાગ્‍યાથી કામે લાગે તો રાત્રે અગિયાર વાગ્‍યા સુધી સતત પરિશ્રમ કરે. કુસુમબેન અથાણાં બનાવે તો નલીનભાઇ કેરી સુધારવામાં મદદ કરે. બંને સાથે મળીને એકબીજાના પુરક બની કામ કરે. બજારમાં જાવું, રેશમ પટ્ટો મરચું, યોગ્‍ય પસંદગીની કેરી, અથાણાંની તમામ સામગ્રી, સીંગતેલ વગેરે બધું જ કુસુમબેન આજે જાતે જઇ, જોઇ-પરખી અને ખરીદે પછીજ અથાણાં બનાવે. કુસુમબેન કહે છે, અથાણાં બનાવતા આખો દિવસ જાય.. એક ટંક રાંધુ અને અમે બે માણા બે ટંક ખાઇ લઇ. કુસુમબેને દીકરા મેહુલ ના સ્‍વર્ગવાસ પછી તેની પત્‍નિને ૮ વર્ષ દીકરીની જેમ સાચવી, કોમ્‍પ્‍યુટર ની શિક્ષા અપાવી અને ત્‍યારબાદ સારૂં કુટુંબ જોઇ ગાયત્રી પરિવારના સહયોગથી વહુને કરિયાવર કરી ને પરણાવી. આજે તે સુખી છે અને કુસુમબેન તથા નલીનકાંતભાઇ જેવા માતા-પિતા પાસે અચૂક આવે છે.

 અથાણાંનો વ્‍યવસાય ગાયત્રી પરિવારના સહયોગ અને આ દંપતિની પ્રચંડ મહેનતથી ચાલતા તેઓએ બટેટાની વેફર, પતરી, પાપડ વગેરે બનાવવાનું પણ શરૂ કર્યું. જેમાં ૪ મહિના પાપડની સીઝન, ૨ મહિના વેફરની સીઝન, ૩ મહિના અથાણાંની સીઝન ચાલે. શરૂઆત ૧૦૦ રૂ. કિલો થી કરેલી જયારે આજે ૩૦૦ રૂ. કિલો વેંચે છે પછી જેવા અથાણાં. આ અથાણાં જુની પધ્‍ધતિ મુજબ અને હાથેથી જાત મહેનત કરી બનાવે છે. જયારે વિવિધ પ્રકારની વેફર ૪૦૦ રૂ. કિલો થી શરૂ કરી વેંચે છે. અથાણાંના આખું વર્ષ ઓર્ડર આવે. ૧૫૦ થી ૨૦૦ કિલોનો સ્‍ટોક રાખે. ચોમાસામાં ૨૦૦ કિલો જેવા વેંચવા રાખે જયારે વર્ષના લગભગ ૫૦૦ કિલો અથાણા ખપી જાય.! પહેલા તો કુસુમબેન મુંબઇ, બેંગ્‍લોર, ચંદ્રપુર, જામનગર, ક્‍લકતા વગેરે બહાર પણ અથાણાં પહોંચાડતા. કુસુમબેન પોતે મહિનામાં ચાર વખત દર રવિવારે મુંબઇ ઓર્ડરના અથાણાં આપવા જતા.! શરૂઆતમાં ૮૦ રૂ. માં ચાલુ ટીકીટમાં જતા એ વખતે રિઝર્વેશનના પૈસા પણ તેમની પાસે નહોતા. મુંબઇમાં ઘાટકોપર, ભિવંડી, સાઇન વગેરે જગ્‍યાએ ચાર પાંચ ઘરાક હતા. સ્‍ટેશને કુસુમબેન ઉતરે એટલે સાઇનવાળા માલ લઇ જાય, ટ્રેનની રીટર્ન ટીકીટ આપી જાય અને પેમેન્‍ટ પણ દઇ જતા. કુસુમબેન ૩૦ થી ૪૦ કિલો અથાણાં અને વેફર એક સાથે ૩૦ દાગીના એકલા હાથે લઇ જતા.! એ વખતે રેલવેના ટીકિટ ચેકરે પણ કુસુમબેનને ખુબજ સહકાર આપ્‍યો હતો. એટલુંજ નહીં વડોદરાના લેડીઝ પોલીસે પણ ઘણોજ સહયોગ આપેલો. એક વખત મુંબઇ થી ટ્રેનમાં બેઠા ત્‍યારે અમુક લોકોએ તેમને બેસવા ન દેતા કુસુમબેને ટી.ટી ને ફોન કર્યો ત્‍યારે ટી.ટી. એ આવીને કહ્યું આ અમારા ઘરના બા છે તે અહિંજ બેસસે. સામેવાળા ચૂપ થઇ ગયા. કુસુમબેન કહે છે, ભલે ગરીબી હતી પણ દિલ ની અમીરિ કુદરતે ભારોભાર આપી હોય હું બધાને ખવરાવવામાં પણ ક્‍યારેય પાછી પાની કરતી નથી. આવા કડવા અનુંભવો કુસુમબેનને જીવનમાં ઘણાં થયા છે. એક બહેને ૨૦ કિલો બટેટાની જાળીવાળી વેફરનો ઓર્ડર આપેલો જયારે વેફર બની ગઇ તો ઓર્ડર કેન્‍સલ કર્યો. કુસુમબેને લાલાને પ્રાર્થના કરી અને ગાયત્રી પરિવારના સહયોગથી કિલોએ ૫૦ રૂ. વધુ નફા સાથે વેફર બીજાજ દિવસે વેંચાઇ ગઇ! અરે.. આ શિંગાળા દંપતિએ તો ૧૦ તોલા સોનું વેંચી એક સંતાનનું ૩.૫ લાખનું દેવું પણ ભરી ‘છોરૂં કછોરૂં થાય પણ માવતર કમાવતર ના થાય' તે કહેવત ને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. કુસુમબેન નો સંઘર્ષ આટલેથી અટક્‍યો નથી. તેમણે તેમના નળિયાવાળા મકાનમાંથી સુધરાઇ સભ્‍ય શાંતુભાઇના કહેવાથી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રધાનમંત્રી યોજનામાંથી મદદ મેળવી કોઇની સહાય વિના એકલાહાથે અત્‍યારના યુગને શોભે તેવું બે વર્ષમાં પાકું મકાન પણ બનાવ્‍યું. પહેલા આ મકાનની કિંમત કઢાવતા ૪ લાખ રૂપિયા નીકળી જેમાં દિકરી અને દીકરા જેવા જમાઇએ કંઇજ રૂપિયા લીધા નહીં. પરંતુ કુટુંબના એક સભ્‍યએ સહિ કરવાના ૨ લાખ રૂપિયા લીધા. મકાન બાંધકામ થતું હતું એ સમય દરમિયાન સાસણના વિશાલ રિસોર્ટવાળા બળવંતભાઇ ધામીએ કે જે અહિં પડોશમાં રહે તેમણે આ દંપતિને તેમના મકાનમાં એક રૂપિયો લીધા વિના પડોશીના દાવે રહેવાની સગવડ કરી આપી હતી.

 નલીનકાંતભાઇ અને કુસુમબેન વચ્‍ચે ક્‍યારેક મીઠો ઝઘડો પણ થાય. કુસુમબેન મનાવે અને બટુકબાપા માની પણ જાય.! ૮૦ વર્ષે પણ બટુકબાપા સવારે ચાર વાગે ઉઠે, કાયમ ઠંડા પાણીએ નાહી, આખું ઘર, આંગણે શેરી, દુકાન અને મંદિર સાફ કરે, પીવાનું પાણી ભરે, સાથે કુસુમબેનને કામમાં મદદ કરાવે અને આખો દિવસ ઘરઆંગણે રહેલી પરચૂરણ માલસામાનની નાનકડી દુકાન પણ સંભાળે જે તેમનો નિત્‍યક્રમ. અખાત્રીજે ગાયત્રી પરિવારે આ બંનેની ૫૬ મી લગ્ન તીથી પણ ઉજવી હતી.! બા કહે છે, વર્ષો પહેલા લૈલા મજનુ અને મહેંદી રંગ લાગ્‍યો ફિલ્‍મ જોયેલું અને ૬ રૂપિયામાં બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફોટો પડાવેલો પછી જીવનમાં રંગો પુરવામાં સમય ક્‍યાં જતો રહ્યો તે ખ્‍યાલ જ નથી. આ ઉંમરે બંનેની સ્‍ફુર્તિ એવી કે ચાલીને જાત્રા પણ કરી છે. હાલમાંજ જાન્‍યુઆરી મહિનામાં તેઓ ગાયત્રી પરિવાર સાથે જમનાપાન, ગંગા સાગર, ચંપારણ્‍ય, હરિદ્વાર, ગોકૂળ-મથુરા, બનારસ, છપૈયા, કોલકતા, પ્રયાગરાજ, કાશી, જગ્‍ગનાથપુરી, મહાકાલેશ્વર સહિત તિર્થ સ્‍થાનોની જાત્રા પણ કરી આવ્‍યા. એટલું જ નહીં આ મા-બાપે દિકરા મેહુલ પાછળ સપ્તાહ બેસાડી અને દશ વર્ષ ગણપતિ પણ તેડ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે, કુસુમબેનના ૧૦૫ વર્ષના માતા પણ હયાત છે અને સૂરતમાં રહે છે.

કુસુમબેન શિંગાળા કહે છે, પહેલા અથાણાં અને વેફરના બહારગામના ઓર્ડર લેતા હવે માત્ર જેતપુરમાંજ વેંચુ છું. મારે હજી ૧૦૦૦૦ નું દેવું છે એ ચૂકતે થઇ જાય એટલે ગાયત્રી માતા, કૂળદેવી અને ઠાકરોજીનું નામ લેવું છે. આજે પણ કુસુમબેનને ત્‍યાં જેતપુર ઉપરાંત આજુબાજુનો ગ્રામ્‍ય વિસ્‍તાર, જૂનાગઢ, અમરેલી, મોટા ભંડારિયા, રાજકોટ વગેરે થી લોકો અથાણાં લેવા આવે છે. કારણ કુસુમબેન અથાણાં વેંચે સાથે આત્‍મિયતા વહેંચે. આ દંપતિની ચાર દીકરીઓ કિરણબેન શિંગાળા (જેતપુર), શિતલબેન ગંભીર (મુંબઇ), વૈશાલીબેન દાવડા (મુંબઇ) અને અમિબેન રૂપાણી (રાજકોટ) તેના સાસરે સુખી છે. જે માવતરે સમયાંતરે ખબર અંતર પૂછી ધ્‍યાન રાખતી રહે છે. જેતપુરમાં શારદાબેન રાવલ, વિજાબેન હરસોરા, મંજુલાબેન ગોળવાળા, ઉષાબેન પડિયા સહિતના ગાયત્રી પરિવારનો જબરો સાથસહકાર કાયમ મળતો રહ્યો છે. અનહદ તકલીફો વેઠી છતાં જીવન સંધ્‍યાએ આત્‍મનિર્ભર બની સદાય ખુશ રહેતા શિંગાળા દંપતિ ને ખુશીનું કારણ પૂછતા તેમણે માત્ર એટલું કહ્યું કે, બસ અમારૂં કામ અને ઠાકોરજીની કૃપા..

અકિલાના વાંચકોને પ્રેરણાત્‍મક હકીકતો મોકલવા આહવાન...

આપણા સમાજમાં ક્‍યાંક ને ક્‍યાંક સમાજને પ્રેરણા મળે અને કંઇક નવું જાણવા તેમજ શિખવા મળે તેવા કુસુમબેન અને તેમના જેવા અનેક લોકો આપણી આજુબાજુ વસે છે. ખુબજ સંઘર્ષ અને ગરીબ પરિસ્‍થિતિ માંથી ઉપર આવેલા અને સમાજને રાહ ચિંધે, પ્રેરણા આપે તેવા લોકોની વિગતો અકિલા ના વાંચકો ને મોકલવા આહવાન છે. અકિલા નો પ્રયાસ છે કે આવા લોકોનો પરિચય તેમની વિગતો લઇ સમયાંતરે પ્રસિધ્‍ધ કરવી જેથી એ લોકોને પ્રોત્‍સાહન મળે અને સમાજને પણ ખ્‍યાલ આવે તેમજ આજની અને આવનારી પેઢીને પ્રેરણા મળે. તમારી આસપાસ કોઇ પ્રેરણાત્‍મક લોકોની વાત જે પ્રસિધ્‍ધ કરી શકાય તેમ હોય તો તેમનું સરનામું અને નંબર અમને  (મો. ૯૭૨૫૦ ૫૫૧૯૯)  નંબર પર જણાવશો તો અમે તેમનો સંપર્ક કરી યોગ્‍ય રીતે પ્રસિધ્‍ધ કરીશું.

 

કુસુમબેનને પેરેલીસીસ થયું અને...

કુદરત કાળા માથાના માનવીની પરીક્ષા જયારે લે છે ત્‍યારે તે બહુ કઠોર હોય છે. જોકે તેમાંથી પાર પણ તેજ પાડે છે. કુસુમબેન શિંગાળા સાથે પણ એવું જ થયું. તેમણે અથાણા અને બટેટાની વેફર બનાવવાનું શરૂ કર્યું ત્‍યારે અચાનક કુસુમબેન ને પેરેલીસીસ નો હુમલો આવ્‍યો. શરીર કામ કરતું બંધ થઇ ગયું. કામ તો દુરની વાત જાતે પાણી પીવું પણ અશક્‍ય બન્‍યું. તદ્દન પરાધીન અવસ્‍થા આવી ગઇ. જો કામ નહિં કરે તો ઘર નહીં ચાલે તે વિચારે આવી પરિસ્‍થિતિમાં કુસુમબેન હિંમ્‍મત હાર્યા નહીં અને અકડ હાથો અને વળેલા આંગળાઓથી પરાણે બટેટા છોલવાનો પ્રયત્‍ન કરે. રોજનો ૧૬૦ રૂ. કસરતનો અને દવાના અલગથી એમ ખર્ચ થતો. દીકરીઓએ ડોક્‍ટરને કહ્યું તમે મમ્‍મી ને કહો તે કામ ન કરે. ડોક્‍ટરે કામ જાણી કહ્યું આ બટેટાની છાલ ઉતારવાનું અને પાપડ વણવાનું કામ ખાસ કરે તેને રોકો નહીં. મહેશભાઇએ એ સમયે પાંચ ગુણી બટેટા લાવી આપ્‍યા. બટેટા પકડી ન શકાય છતાં કુસુમબેન તેની છોલે. સાથે ગાયત્રી મંત્ર પણ બોલતા જાય. આ રીતે માત્ર છ મહિનામાં તેઓએ પેરેલીસીસને સંપૂર્ણ મ્‍હાત આપી અને એકદમ સ્‍વસ્‍થ થઇ ગયા. આજે તેમને જોવો તો જરા પણ ખ્‍યાલ ન આવે કે તેમને પેરેલીસીસનો હુમલો પણ આવી ચૂક્‍યો છે.

મહેશ મને મેહુલના રૂપે મળ્‍યો છે...

જયારે કુસુમબેનના દીકરા મેહુલનું અવસાન થયું ત્‍યારથી લઇ અત્‍યાર સુધી મેહુલના પરમમિત્ર અને તેના જેવડીજ ઉંમરના મહેશ પ્રતાપભાઇ આસનાર (ગોળવાળા) કુસુમબેનનો દીકરો બની ઉભા રહ્યા છે. કંઇ પણ કામ હોય કુસુમબેન મહેશને યાદ કરે એટલે તે દોડીઆવી ને બા નું કામ કરી આપે. મહેશભાઇ કહે છે જેમ મારી મા છે તેમ કુસુમબેન મારા બીજા મા છે. બજારનું કામ હોય, ઘરનું કામ હોય આજે મહેશભાઇ ખરા અર્થમાં એક દીકરા તરીકે ઉભા રહ્યા છે અને સાચી મિત્રતા નિભાવી રહ્યા છે.

કુસુમબેન કહે છે, મહેશ મને મારા દીકરા મેહુલના રૂપે મળ્‍યો છે. આજે હું ક્‍યાંય પણ અટકું મારા દીકરા મેહુલ (લાલા) ને યાદ કરું એટલે કામ પાર પડેજ છે. મુંબઇ જાવ ત્‍યારે પણ મારા દીકરા જેવોજ કોઇ દીકરો અચાનક મારી મદદે આવ્‍યો હોય તેવું ઘણીવાર બન્‍યું છે. કુદરતે મારા દીકરાને મારી પાસેથી લઇ લીધો પણ સામે મહેશ પ્રતાપભાઇ આસનારને મારા દીકરાના રૂપમાં મોકલ્‍યો છે.

(5:44 pm IST)