Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મનપાની ફૂડશાખા દ્વારા લેવાયેલા ઘી - જીરૂ - કાળામરી - રાયના નમૂના નાપાસ

રેલનગર - પોપટપરા વિસ્‍તારની ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૭ને લાયસન્‍સ બાબતે નોટીસ : જય દ્વારકાધીશ નાસ્‍તાગૃહના ગાયના ઘી તથા ખોડિયાર પ્રોવિઝન સ્‍ટોરમાંથી લેવાયેલ દિવેલ ઘીમાં વેજીટેબલ ફેટની હાજરી : સુગંધ એન્‍ટરપ્રાઇઝનું જીરૂ, યમુનાજી મસાલા ભંડારના કાળામરી તથા રાઘવ ઇન્‍ડસ્‍ટ્રીઝની રાય અખાદ્ય

રાજકોટ તા. ૧૪ : મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ ખાદ્યચીજ દિવેલનું ઘી (લૂઝ), ગાયનું ઘી (લૂઝ) તથા જીરું (લૂઝ) ના ત્રણ નમૂના તપાસ બાદ રિપોર્ટમાં  સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ તેમજ કાળા મરી (આખા -લૂઝ) અને રાય (આખી -લૂઝ)  નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં  અનસેફ ફૂડ જાહેર થયેલ છે. તેમજ રેલનગર - પોપટપરા વિસ્‍તારમાં ૨૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૭ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી આ મુજબ છે.

પાંચ નમૂના

સબ સ્‍ટાન્‍ડર્ડ - અનસેફ

(૧) જય દ્વારકાધીશ નાસ્‍તા ગૃહ .-નાના મવા મેઇન રોડ, PGVCL ઓફિસ સામે, શાક માર્કેટ પાસે,  કેવડાવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી વિજયભાઈ મસરિભાઇ જોગલ પાસેથી  લેવાયેલ ખાધચીજ - ગાયનું ઘી (લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.

(૨)  ખોડિયાર પ્રોવિઝન સ્‍ટોર- મારુતિનંદન-૩, કોર્નર, વિશ્વેશ્વર મંદિર પાછળ, રાજકોટ મુકામેથી કુણાલ ભીમજીભાઇ વઘાસિયા પાસેથી  લેવાયેલ ખાધચીજ - દિવેલનું ઘી (લૂઝ), નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં  ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.

(૩) સુગંધ એન્‍ટરપ્રાઇઝ- વરૂણ ઇન્‍ડ. એરિયા-૩, માલધારી ફાટક પાસે, કોઠારીયા, રાજકોટ મુકામેથી નિલેષભાઈ છગનભાઇ અમૃતિયા પાસેથી લેવાયેલ ખાધચીજ - જીરું (લૂઝ), નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં  એક્‍સ્‍ટ્રાનીયસ મેટર વધુ તથા નોન વોલેટાઇલ ઇથર એક્‍સટ્રેક્‍ટ ઓછું હોવાથી સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ.

(૪) યમુનાજી મસાલા ભંડાર- જય ખોડિયાર મસાલા માર્કેટ, સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ સામે, ૧૫૦' રિંગ રોડ રાજકોટ મુકામેથી ચંદ્રકાંતભાઈ બાબુલાલ પાંધી પાસેથી લેવાયેલ ખાધચીજ - કાળા મરી (આખા -લૂઝ)  નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિનરલ ઓઇલની હાજરી મળી આવતા  અનસેફ ફૂડ જાહેર થયેલ. 

(૫) શ્રી રાઘવ ઇન્‍ડસ્‍ટ્રીઝ- શોપ નં. બી-૬,૭, જૂના માર્કેટિંગ યાર્ડ, આરટીઓ પાસે રાજકોટ મુકામેથી મૌલિનભાઇ હસમુખભાઇ કટારીયા પાસેથી  લેવાયેલ ખાધચીજ - રાય (આખી -લૂઝ) નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં સિન્‍થેટીક કલર -કાર્મોઝિન અને બ્‍લૂ કલર ની હાજરી મળી આવતા  અનસેફ ફૂડ જાહેર થયેલ. 

ચેકીંગ - નોટીસ

ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે રેલનગર-પોપટપરા ના વિસ્‍તારમાં નીચે દર્શાવેલ વિગતો મુજબ લાઇસન્‍સ બાબતે અવેરનેસ કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટર ની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન  ભેરૂનાથ આઇસક્રીમ, સાઉથ કા કમાલ, મોમાઇ ફરસાણ માર્ટ, દેવશ્રી પાણિપુરી, ભોલે પ્રોવિઝન સ્‍ટોર, શક્‍તિ પ્રોવિઝન સ્‍ટોર, હિંગળાજ પ્રોવિઝન સ્‍ટોર  સહિત ૭ વેપારીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવી છે.

દૂધના નમૂના લેવાયા

મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફટીᅠસ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ પ્રભાત ડેરી ફાર્મ -મીરા પાર્ક, પેડક ચોક, પેડક રોડ તથા શ્રી રામ ડેરી ફાર્મ -સેટેલાઈટ ચોક પાસે, ભારતીય સ્‍કૂલ સામે, પેડક રોડ ખાતેથી મિકસ દૂધ (લુઝ)ના બે નમૂના લેવામાં આવ્‍યા છે.

(5:06 pm IST)