Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

એડવોકેટ વિજયભાઇ ભટ્ટની કારનો કાચ તોડી ૧૨.૬૦ લાખનો રોકડની ચોરીઃ સુથીની પરત આવેલી રકમ રાખી'તી

અગાઉ બૂક કરાવેલી ઓફિસનો સોદો રદ થતાં આ રકમ બિલ્‍ડરે પરત આપી હતીઃ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસનો ધમધમાટ આદર્યોઃ નવા ૧૫૦ રીંગ રોડ પર સેકન્‍ડ વાઇફ હોટેલ પાસે રાતે નવથી પોણા અગિયાર સુધીમાં બનાવ

રાજકોટ તા. ૧૫: જામનગર રોડ પર રહેતાં એડવોકેટ પરિવારજનો સાથે નવા ૧૫૦ રીંગ રોડ પર સેકન્‍ડ વાઇફ હોટેલ ખાતે કાર લઇને જમવા ગયા અને જમીને આવ્‍યા તે દરમિયાન તેમની કારનો કાચ ફોડી અંદર રાખેલા રૂા. ૧૨,૬૦,૦૦૦ની રોકડ કોઇ ચોરી જતાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ તેમણે એક ઓફિસ ખરીદવા બૂકીંગ કરાવ્‍યું હોઇ તે સોદો રદ થતાં આ રકમ ગઇકાલે જ તેમને પરત આપવામાં આવી હતી. જે કારમાં રાખી મુકી હોઇ તેમાંથી ચોરાઇ ગઇ હતી.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જામનગર રોડ પુનિતનગર-૨ ગાયત્રી કૃપા ખાતે રહેતાં એડવોકેટ વિજયભાઇ પ્રાગજીભાઇ ભટ્ટ (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે કારનો ડ્રાઇવર સાઇડનો પાછલો નાનો કાચ તોડી લોક ખોલી અંદરથી રોકડા રૂા. ૧૨,૬૦,૦૦૦ની રોકડ ચોરી જવાનો ગુનો નોંધ્‍યો છે.
વિજયભાઇ ભટ્ટે જણાવ્‍યું હતું કે હું વકિલાત કરુ છું અને મારી ઓફિસ ઇન્‍દિરા સર્કલ પાસે ગણેશ ટ્રેડ સેન્‍ટર નામના બિલ્‍ડીંગમાં ઓફિસ નં. ૩૦૪માં છે. મારી ઓફિસમાં મારો ભત્રીજો કરણ કાંતિભાઇ ભટ્ટ પણ બેસે છે તે એલએલબીનો અભ્‍યાસ કરે છે. મારી પાસે આઇ-૨૦ક ાર જીજે૩૬એફ-૮૪૮૯ છે. મારો ભાણેજ દિપ મુળ દ્વારકાનો રહેવાસી છે અને તે રાજકોટમા ફાર્મસીનો અભ્‍યાસ કરતો હોઇ તે મારી સાથે ચારેક વર્ષથી રહે છે.
મેં ત્રણેક વર્ષ પહેલા અયોધ્‍યા ચોકમાં રનવે હાઇટ્‍સ બિલ્‍ડીંગમાં ઓફિસ નં. ૨૦૭ માટે બિલ્‍ડર ધર્મેશભાઇ જીવાણી પાસે બૂકીંગ કરાવ્‍યું હોઇ સુંથી પેટે રૂા. ૧૨,૬૦,૦૦૦ તેને ચુક્‍વ્‍યા હતાં. પરંતુ હવે મારે ઓફિસ ખરીદવી ન હોઇ જેથી ધર્મેશભાઇ પાસેથી રકમ પરત માંગી હતી અને સોદો રદ કર્યો હતો. ધર્મેશભાઇની ઓફિસ વોકહાર્ટ હોસ્‍પિટલની બાજુની શેરીમાં સિધ્‍ધીવિનાયક મંદિર પાસે સેન્‍વર વન ખાતે આવેલી છે. તેનો વહિવટ તેના કર્મચારી તુષારભાઇ મહેતા સંભાળે છે.
મંગળવારે સાંજે પોણા આઠેક પછી હું અને મારો ભત્રીજો અમારી ઓફિસે હતાં ત્‍યારે તુષારભાઇએ ફોન કરી જણાવેલુ કે તમને રૂા. ૧૨.૬૦ લાખનું પેમેન્‍ટ આપવાનું છે, તમે ઓફિસથી નીકળો તો અમારી ઓફિસેથી લેતાં જજો. આથી પાંચેક મિનીટ બાદ હું અને ભત્રીજો કરણ અમારી આઇ-૨૦ કાર લઇને ત્‍યાં ગયા હતાં અને તુષારભાઇ પાસેથી રોકડ લીધી હતી. જે તમામ ૫૦૦ના દરની નોટો હતો. આ રકોડ મેં કારના આગળના ભાગે ડેસ્‍ક બોર્ડના ખાનામાં મુકી દીધી હતી. એ પછી હું અને કરણ ત્‍યાંથી નીકળ્‍યા હતાં. અમારે સપરિવાર હોટેલ સેકન્‍ડવાઇફમાં જમવા જવાનું હોઇ હું કરણને તેના ઘરે ઉતારી મારા પત્‍નિ અને બાળકો ઘર બહાર રાહ જોઇ ઉભા હોઇ ઘર તરફ જવા નીકળ્‍યો હતો.
ત્‍યાં પહોંચી મેં પુત્ર દેવાંગને કાર ચલાવવા આપી હતી અને હું બાજુની સીટ પર બેસી ગયો હતો. કાર નવા ૧૫૦ રીંગ રોડ પર સેકન્‍ડ વાઇફ હોટલ ખાતે નવેક વાગ્‍યે પાર્ક કરી હતી અને લોક કરી જમવા ગયા હતાં. પોણા અગિયારેક વાગ્‍યે જમીને બહાર આવ્‍યા ત્‍યારે પુત્ર દેવાંગે જોતાં ડ્રાઇવર સાઇડમાં પાછળના દરવાજાનો નાનો કાચ તૂટેલો દેખાયો હતો. ડેસ્‍ક બોર્ડના ખાનામાં પ્‍લાસ્‍ટીકની બેગમાં રાખેલા  રૂા. ૧૨.૬૦ લાખ પણ ગાયબ હોઇ પુત્ર દેવાંગે તુરત પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસ આવી હતી.
યુનિવર્સિટી પીએસઆઇ આર. એસ. પરમારે પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ગુનો નોંધ્‍યો હતો. પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમ તથા ક્રાઇમ બ્રાંચની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી છે. સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

 

(10:52 am IST)