Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અંજારથી રાજકોટ ખોખડદળ આવેલા દેવરાજનું છરીના ઘાથી મોતઃ શકમંદ ભાભીની પુછતાછ

નશાની હાલતમાં દિયર દેવરાજે છરી ફેરવતાં અકસ્‍માતે સાથળ પાસે લાગી ગયાનું ભાભી જ્‍યોત્‍સનાનું રટણઃ તેણીનો ભાઇ સતિષ ગાયબ હોઇ શોધખોળઃ આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે તપાસ આદરી : દેવીપૂજક દેવરાજના છુટાછેડા થઇ ગયા હતાં: અગાઉ ખોખડદડમાં જ રહેતો હતોઃ અવાર-નવાર વિધવા ભાભી પાસે આવતો હતો, તેની સાથે લફરૂ હતું: ભાભીએ પતાવી દીધાનો મૃતકના માતા, ભાઇ સહિતનો આક્ષેપઃ મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

તસ્‍વીરમાં દેવરાજનો નિષ્‍પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને જેની ઘરે તે આવ્‍યો હતો તે વિધવા ભાભી જ્‍યોત્‍સનનો ફોટો તથા નીચેની તસ્‍વીરમાં મૃતક દેવરાજના માતા, ભાઇ સહિતના પરિવારજનો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: કચ્‍છના અંજાર ખાતે રેલ્‍વે સ્‍ટેશન પાછળ નવાનગર-૧માં રહેતો દેવરાજ કિશોરભાઇ પરમાર (ઉ.વ.૨૬) નામનો દેવીપૂજક યુવાન રાજકોટ ખોખડદળ પાસે આવાસ ક્‍વાર્ટરમાં હનુમાનજીના મંદિર નજીક રહેતી પોતાની વિધવા ભાભી જ્‍યોત્‍સના અજય પરમારના ઘરે સોમવારે આવ્‍યો હોઇ અહિ ગઇકાલે બપોરે બે વાગ્‍યા આસપાસ તેને પગમાં સાથળ પાસે છરી કે તિક્ષ્ણ હથીયારનો ઘા લાગતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. ધોળી નસ કપાઇ જતાં લોહી વહી જવાથી મોત થયાનું પ્રાથમિક તારણ નીકળ્‍યું હતું. જો કે દેવરાજને છરી કેવી રીતે લાગી? તે અંગે તેની ભાભી જ્‍યોત્‍સનાએ ગોળ ગોળ વાતો કરી હતી. દેવરાજે નશાની હાલતમાં છરી ફેરવતાં અકસ્‍માતે લાગી ગયાનું તેણીએ રટણ કર્યુ હતું. બીજી તરફ દેવરાજના માતા, ભાઇ સહિતનાએ આક્ષેપ કર્યો હતો કે દેવરાજને તેની ભાભી જ્‍યોત્‍સના સાથે લફરૂ હોઇ ભાભીએ જ તેને પતાવી દીધો છે.
મોતને ભેટલો દેવરાજ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો. તેની પત્‍નિ સાથે ચારેક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. સંતાનમાં એક પુત્રી છે. અગાઉ રાજકોટ ખોખડદળમાં જ તે રહેતો હતો. પરંતુ ત્રણેક વર્ષથી તે માતા મંજુબેન તથા ભાઇઓ સહિતના પરિવાર સાથે અંજાર રહેવા જતો રહ્યો હતો. ત્‍યાં તે છુટક મજૂરી કરતો હતો. દેવરાજના માતા મંજુબેન અને ભાઇ ચિરાગે જણાવ્‍યું હતું કે દેવરાજને સોમવારે રાજકોટ ખોખડદળ રહેતી વિધવા ભાભી જ્‍યોત્‍સના પરમારે ફોન કરીને રાજકોટ આવી જા તારુ ખાસ કામ છે તેમ કહી ફોન કરતાં દેવરાજ તેના ભાઇના સાળા સતિષ અમરતને સાથે લઇ અંજારથી સોમવારે બપોર પછી રાજકોટ આવવા નીકળ્‍યો હતો.
એ પછી ગઇકાલે મંગળવારે બપોરે જ્‍યોત્‍સનાએ દેવરાજના બનેવી અનિલ ચંદુ દેવીપૂજકને ફોન કરી જાણ કરી હતી કે દેવરાજને લાગી ગયું છે તમે જલ્‍દી રાજકોટ આવો. ત્‍યાર બાદ તેણે દેવરાજના નાના ભાઇ ચિરાગને સાંજે પાંચેક વાગ્‍યે ફોન કરી દેવરાજને અમે દવાખાને લઇ જઇએ છીએ, તેને રમત રમતમાં પગમાં છરી લાગી ગઇ છે તેવી વાત કરતાં માતા, ભાઇ સહિતના પરિવારજનો તાબડતોબ રાજકોટ પહોંચ્‍યા હતાં.
માતા મંજુબેને આક્ષેપ કર્યો હતો કે દેવરાજ સાથે જ્‍યોત્‍સનાને લફરૂ હોઇ તે અવાર-નવાર ફોન કરીને બોલાવતી હતી.    સોમવારે પણ બોલાવ્‍યો હતો અને મંગળવારે મારા દિકરાને છરી લાગી ગઇ હતી. જ્‍યોત્‍સનાએ જ માથાકુટ કરી તેને છરી મારી દીધાની અમને શંકા છે. આ આક્ષેપોને પગલે આજીડેમ પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એ. જે. પરમાર અને ટીમે તપાસ આદરી છે. મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવાયું છે. બીજી તરફ જ્‍યોત્‍સનાની ક્રાઇમ બ્રાંચની ટીમે પુછતાછ હાથ ધરી છે.   

 

(10:53 am IST)