Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભાઃ અધિકારીઓની આર્થિક સતામાં કાપ મૂકાશે ?

સભ્‍યોના અસંતોષના પગલે શાસક પક્ષની વિચારણાઃ સમિતિઓની સતા વધારવાનો વિકલ્‍પઃ સામાન્‍ય સભામાં ૩ સભ્‍યોના ૧૮ પ્રશ્નો

રાજકોટ, તા., ૧૫: જિલ્લા પંચાયત રાજકોટની સામાન્‍ય સભા આવતીકાલે ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યેપ્રમુખ ભૂપત બોદરની અધ્‍યક્ષતામાં મળનાર છે. જેમાં ૩૬ પૈકી ભાજપના ૧ સભ્‍યએ ૪ પ્રશ્નો તથા કોંગીના ૧ સભ્‍યએ ૪ અને બીજા સભ્‍યએ ૧૦ પ્રશ્નો મુકયા છે. કુલ ૩ સભ્‍યોના ૧૮ પ્રશ્નો છે. વહીવટી તંત્ર દ્વારા લેખિત જવાબ આપવાની તૈયારી ચાલી રહી છે. શિક્ષણ, આરોગ્‍ય, રસ્‍તા  વગેરેને લગતા પ્રશ્નો આવ્‍યા છે. નવા નાણાકીય વર્ષમાં પ્રથમ વખત સામાન્‍ય સભા મળી રહી છે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્‍યુ તે વખતે પંચાયત કચેરીની જરૂરી ખરીદી માટે જિલ્‍લા વિકાસ અધિકારીને રૂા. પ હજાર સુધીની અને શાખા અધિકારીઓને રૂપિયા ર હજાર સુધીની આર્થિક સતા હતી વર્તમાન શાસકોએ તે વધારીને અનુક્રમે રૂપિયા. ૧ લાખ અને રૂા. પં૦ હજાર કરેલ. હાલ તે મુજબની વ્‍યવસ્‍થા અમલમાં છે. ભાજપના કેટલાક સભ્‍યોએ અધિકારીઓને આપેલી ખર્ચની સતા ઘટાીડીને પહેલાની જેમ કરવાની લાગણી વ્‍યકત કરી છે. આર્થિક સતા ઘટાડીને જેટલી કરવામાં આવે તો તેનાથી ઉપરની રકમના ખર્ચ માટે ડીડીઓએ કારોબારી સમિતિની અને શાખા અધિકારીઓએ સંબંધિત સમિતિની મંજુરી લેવી પડે. અધિકારીઓની સતામાં ઘટાડો પદાધિકારીઓની સતામાં વધારો કરી શકે છે. કાલે આર્થિક સતામાં ફેરફાર કરતો નિર્ણય થવાની પ્રબળ શકયતા છે.

જિલ્લા પંચાયતમાં હાલ ભાજપમાં જે આંતરિક સ્‍થિતિ છે તે જોતા અધિકારીઓની સતામાં કાપ મુકવાનો નિર્ણય સભ્‍યોના અસંતોષને ઘટાડવા માટેનો પ્રયાસ બની રહેશે. દરમિયાન આજે અંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે જણાવેલ કે અધિકારીઓની ખર્ચની સતા અમે શાસન સંભાળ્‍યા પછી વધારી હતી હવે તેમાં ફેરફાર કરવા (ઘટાડવા) કેટલાક સભ્‍યોએ લાગણી વ્‍યકત કરી છે. આવતીકાલે સામાન્‍ય સભા પુર્વે અમારી સંકલન બેઠક મળશે. તેમાં જે નિર્ણય થાય તે મુજબ સામાન્‍ય સભામાં વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.

(1:18 pm IST)