Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભરતીમાં પારદર્શીતા જાળવવા GPSCની પધ્‍ધતિ અપનાવોઃ પરેશ રબારીની માંગ

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર પાઠવી રજુઆત કરતા રબારી

રાજકોટ તા. ૧પઃ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા GPSC પધ્‍ધતિથી કરવા યુવા ભાજપ અગ્રણી પરેશ રબારીએ   માંગ કરી છે.

પરેશ રબારીએ કુલપતિને રજુઆત કરતા જણાવેલ કે, રાજય સરકાર દ્વારા દરેક યુનિવર્સિટીઓમાં મોટા પાયે વર્ષો બાદ ભરતી પ્રક્રિયા ચાલુ કરવા મજૂરી આપેલ છે. જે અનુસંધાને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા શરૂ થયેલ છે તેમાં રાજય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત કોલેજોમાં અધ્‍યાપક સહાયકોની નિમણુંક માટે પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા શરૂ કરેલ છે, તે મુજબ અનુસરવામાં આવે તો ઝડપથી અને પારદર્શક રીતે ઉમેદવારોને ન્‍યાય મળશે. સૌરાષ્‍ટ્ર વિશ્‍વવિદ્યાલયમાં શિક્ષણની ગરિમાને ફરી એક વખત ઉંચાઇ પર લઇ જવા માટે મૌખિક ઇન્‍ટરવ્‍યુંમાં પણ નમૂનારૂપ GPSC પેટર્ન લાગુ કરવામાં આવે, છેલ્લા ઘણાં વર્ષોથી GPSC માં તેના પૂર્વ ચેરમેન દિનેશભાઇ દાસા દ્વારા મૌખિક ઇન્‍ટરવ્‍યુંમાં આ પધ્‍ધતિ લાગુ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારની ઓળખ ઇન્‍ટરવ્‍યું કમિટી સમક્ષ જાહેર ન થાય તે રીતે પ્રશ્‍નો પૂછવામાં આવે છે, જેના લીધે ગોપનિયતા જળવાય છે અને નિષ્‍પક્ષ મૂલ્‍યાંકન માર્ક મુકવામાં આવે છે. આ બાબતે જો GPSC ના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ દાસાનું માર્ગદર્શન લેવામાં આવે તો વિશ્‍વવિદ્યાલયને ખૂબ બહોળો લાભ થાય એમ છે.

જયારે યુનિવર્સિટીની પ્રતિષ્‍ઠાનું પુનઃ સ્‍થાપન કરવા માટે કડક અને નિર્ણાયક પગલાઓ લીધેલા છે ત્‍યારે વધુ એક નિર્ણય દ્વારા રાજયભરમાં ભરતી પ્રક્રિયામાં પારદર્શીતા લાવનાર પ્રથમ યુનિવર્સિટી બને તેવી આશા અંતમાં ભાજપના આગેવાન પરેશ રબારીએ વ્‍યકત કરી છે. 

(2:45 pm IST)