Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ : આજે બપોરે મવડીમાં ધોધમાર : અન્‍ય વિસ્‍તારોમાં ઝરમર

રાજકોટ : છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્‍ટ્રના છૂટાછવાયા વિસ્‍તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે. ખાસ કરીને બપોર બાદના સમયે મેઘરાજા વરસી જાય છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ છેલ્લા ૪ દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. દરરોજ બપોર બાદ કે સાંજના સમયે જોરદાર વરસાદી વાતાવરણ રહે છે. દિવસ દરમિયાન અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારતા નગરજનોને રાહત મળે છે. હવામાન ખાતા દ્વારા પણ આજથી પાંચ દિવસ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના છૂટાછવાયા વિસ્‍તારોમાં વરસાદનો દોર જારી રહેશે. આ લખાય છે ત્‍યારે બપોરે પોણા ૩ વાગ્‍યે રાજકોટ શહેરમાં છેલ્લી પોણી કલાકથી વાતાવરણ ગોરંભાયેલુ છે. મવડી વિસ્‍તારમાં માત્ર ૧૫ થી ૨૦ મિનિટના સમયગાળામાં ધોધમાર વરસી ગયો હતો. ચોમેર પાણી ફરી વળ્‍યા હતા, તો શહેરના અમુક વિસ્‍તારોમાં હળવા થી ઝરમર વરસાદ વરસ્‍યો હતો. આ લખાય છે ત્‍યારે પણ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયેલા છે. બપોર બાદ પણ મેઘરાજા ફરી પધરામણી કરે તેવી પૂરેપૂરી શકયતા છે. (તસ્‍વીરઃ પ્રિન્‍સ બગથરીયા)

(4:13 pm IST)