Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નાડી દોષઃ સામાજીક મુદાને આવરી લેતી રોમેન્‍ટીક- કોમેડી ફિલ્‍મ

ફિલ્‍મ છેલ્લો દિવસ બાદ લાંબા સયમ પછી જાનકી બોડીવાલા અને યશ સોનીની જોડી એકસાથે જોવા મળશેઃ અમદાવાદ અને ગોવામાં શૂટીંગઃ ૧૭મીએ ગુજરાત અને મુંબઈમાં રિલીઝ

રાજકોટઃ ‘છેલ્લો દિવસ', ‘કરસનદાસ પે એન્‍ડ યુઝ' અને ‘શું થયું?' જેવી જુદા વિષય પર બનાવેલી અને રૂપેરી પડદા પર સફળ નીવડેલી ગુજરાતી ફિલ્‍મોના જાણીતા લેખક દિગ્‍દર્શક ક્રિષ્‍નાદેવ યાજ્ઞિક ફરી એક વખત ‘નાડી દોષ' નામની ફિલ્‍મ લઈને આવી રહ્યા છે. છેલ્લો દિવસમાં દર્શકો દ્વારા ભરપૂર પસંદ કરવામાં આવેલી યશ સોની અને જાનકી બોડીવાલા જોડી પણ દર્શકોને ‘નાડી દોષ' ફિલ્‍મમાં ફરી એકવાર સાથે જોવા મળશે.

આ ફિલ્‍મમાં મુખ્‍ય કલાકારમાં યશ સોની, જાનકી  બોડીવાલા સાથે રોકન કામદાર પણ છે. જેમણે ફિલ્‍મમાં જાનકી બોડીવાલાના ભાઈ તરીકે અભિનય કર્યો છે. આ ફિલ્‍મનું નિર્માણ અનંતા બિસનેસકોર્પ તથા શુકુલ સ્‍ટુડિયોઝ તથા બિગ બોક્ષ શિરીઝ દ્વારા કરવામાં આવેલ છે.

આ ફિલ્‍મમાં મુખ્‍ય પાત્ર ભજવનાર જાનકી બોડીવાલાએ કહ્યું હતું કે આ  ફિલ્‍મ એક નવા વિષય ઉપર બની છે. ફિલ્‍મની સ્‍ટોરી પણ નવી છે. આ એક રોમેન્‍ટીક અને પારિવારીક ફિલ્‍મ છે. ‘છેલ્લો દિવસ' બાદ ૭ વર્ષ પછી જાનકી અને યશની જોડી સાથે  ફરી આવી રહી છે. આ ફિલ્‍મનું શૂટીંગ અમદાવાદ અને ગોવામાં થયું છે.

ફિલ્‍મનું એક ગીતનું શૂટીંગ ગોવામાં થયું છે. ફિલ્‍મની સ્‍ટોરી એવી છે કે ફિલ્‍મની હીરોઈન હીરોને પટાવી તેની સાથે પ્રેમ કરે છે. લગ્ન સમયે નાડી દોષની વાત આવે છે અને પછી શરૂ થાય છે રીયલ સ્‍ટોરી.

આ ફિલ્‍મના નિર્માતા નિલય ચોટાઈ, મુન્‍ના શુકલ તથા હર્ષદ શાહ છે. ફિલ્‍મનું સંગીત કેદાર- ભાર્ગવએ આપ્‍યું છે. ફિલ્‍મના બે ગીત લવ્‍વા લવ્‍વી તથા ચાંદલિયો ઉગ્‍યો રે રજુ થઈ ગયા છે. જેના ગીતકાર જિગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર છે. જેને દર્શકો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘‘નાડી દોષ'' ફિલ્‍મ રિધ્‍ધિ (જાનકી બોડીવાલા) અને કેવિન (યશ સોની)ની કુંડળીમાં નાડી દોષની સમસ્‍યા હોવાથી એમના જીવનમાં આવેલા ઉતાર ચડાવ પર આધારિત છે. ફિલ્‍મનું શુટીંગ અમદાવાદ તથા ગોવામાં પણ થયું છે. ‘‘નાડી દોષ'' આજના જમાનાની સામાજિક મુદ્દાને આવરી લેતી રોમેન્‍ટીક કોમેડી ફિલ્‍મ છે. આ ફિલ્‍મ ૧૭ જુનના રોજ ગુજરાત અને મુંબઈના થિયેટરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફિલ્‍મની અભિનેત્રી જાનકી બોડીવાલા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(4:19 pm IST)